Gujarati News

Gujarati News

News of Saturday, 24th February 2018

પ લાખની લાંચનો મામલોઃ સુરતના મહિલા કોર્પોરેટરની ધરપકડઃ પતિ બાદ પત્નિ પણ સકંજામાં

ઐતિહાસિક ઘટનાની ઘણા લોકોએ ફટાકડા ફોડી ખુશી વ્યકત કરીઃ ભાજપે પણ સસ્પેન્ડ કરી નાખ્યાઃ હિંમતભર્યા પગલા બદલ નવસારી પીઆઇ સી.એમ. જાડેજા પર અભિનંદનની વર્ષા

રાજકોટ, તા., ર૪: તાજેતરમાં સુરતના મહિલા કોર્પોરેટર મીનાબેન રાઠોડના પતિ દિનેશભાઇ રાઠોડ નવસારીના એસીબી પીઆઇ સી.એમ.જાડેજા ટીમના હાથે રૂ.પ લાખની લાંચ લેતા ઝડપાયા બાદ એસીબી તપાસમાં મહિલા કોર્પોરેટર મીનાબેન વિરૂધ્ધ પુરાવા મળતા અને તેમની ભુમીકા હોવાનું ખુલતા જ એસીબીએ તેમની ધરપકડ કરી તમામ આરોપીઓની વિશેષ પુછપરછ માટે  રિમાન્ડ પર મેળવ્યાનું એસીબી સુત્રો જણાવે છે.

 

એસીબી સુત્રોના કથન મુજબ આ ઘટના બાદ ભારતીય જનતા પક્ષે પણ તેણીને સસ્પેન્ડ કરી દીધા હોવાનું તથા કેટલાક લોકોએ ફટાકડા ફોડી ખુશી વ્યકત કર્યાનું ચર્ચાઓ હોવાનું જણાવ્યું છે. તાજેતરમાં એક ફરીયાદી દ્વારા પોતાના પાડી નંખાયેલ મકાનને ફરી રેગ્યુલાઇઝ કરી બીજી વખત તે મકાનનું ડીમોલીશન ન થાય તે માટે ભાજપના મહિલા કોર્પોરેટરે અને તેના પતિએ  પ લાખની લાંચ માંગ્યાના આરોપસરની ફરીયાદ કરી હતી.

ફરીયાદીની ફરીયાદ આધારે સુરત એકમના એસીબીના મદદનીશ નિયામક  આર.એસ.પટેલના માર્ગદર્શનમાં અત્યાર સુધીમાં સાઉથ ગુજરાતમાં અનેક સફળ ટ્રેપ કરી ચુકેલા મોરબીના વતની અને રાજકોટની કર્મભુમી વાળા ચંદ્રરાજસિંહ જાડેજાએ કુનેહપુર્વક ઇલેકટ્રોનીક ડીવાઇસ સાથે મજબુત પુરાવા એકત્રીત કરી સુરતના રૂપસાગર સોસાયટીના ગેઇટ નજીક (દેવધર રોડ) નજીકથી આરોપી દિનેશભાઇ રાઠોડ અને મીડલમેન એવી ખાનગી વ્યકિત હરેશભાઇ વાઘમશીને રંગે હાથ ઝડપી લીધા હતા.

સુરત અને ગુજરાતના ઇતિહાસમાં કોઇ કોર્પોરેટર પ્રથમવાર લાંચની મોટી રકમના છટકામાં સપડાઇ જતા એસીબીના ઇન્ચાર્જ વડા કેશવકુમારે સી.એમ.જાડેજા તથા આર.એસ.પટેલ વિગેરેને અભિનંદન આપ્યા હતા. આગળની વિશેષ તપાસ પીઆઇ શ્રી દેસાઇ એસીબીના નિયમ મુજબ કરશે.

યોગાનુયોગ બાબત એ છે કે આજ સુરતમાં 'સુડા'ના એક ઉચ્ચ કક્ષાના પદાધિકારીને લાખો રૂપીયાની લાંચના છટકામાં પીઆઇ સી.એમ.જાડેજાના ફુવા તથા હાલ વડોદરામાં હેરીટેજ રિસોર્ટ ધરાવતા નિવૃત ડીવાયએસપી ભરતસિંહ સરવૈયાએ ઝડપી લીધા બાદ હવે ચંદ્રસિંહ જાડેજાએ પણ તેમના જેવી જ મોટી સફળતા મેળવી છે. (૪.૮)

(2:17 pm IST)