Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd October 2019

વડોદરા : કોર્પોરેટરની કારથી દારૂનો જંગી અંતે જપ્ત કરાયો

૩૬ હજારના દારૂ સહિત દસ લાખનો માલ જપ્ત : વડોદરા નપાના અપક્ષ કોર્પોરેટર ભાવેશ પટેલની કારથી દારૂ પકડાતાં વડોદરાના સ્થાનિક રાજકારણમાં ભારે ચર્ચા

અમદાવાદ, તા.૨૩ : આમ તો ગુજરાતમાં રેકર્ડ ઉ૫ર દારૂબંધી છે. ૫રંતુ હાલ ચૂંટણીના માહોલમાં ઠેર ઠેર દારૂની રેલમછેલ હોય તેમ છાશવારે રાજ્યના વિવિધ વિસ્તારોમાંથી દારૂના મોટા જથ્થા મળી આવે છે. આવી એક વર્ષ અગાઉ વડોદરા ભાજ૫ના કોર્પોરેટરના ફાર્મ હાઉસમાંથી આશરે રૂ.૯ લાખની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો હતો. જે સમગ્ર રાજ્યમાં ચર્ચાનો વિષય બન્યો હતો. ત્યારે આજે વડોદરાના એક કોર્પોરેટરની કારમાંથી વિદેશી દારૂ ઝડપાતાં ભારે ચકચાર મચી ગઇ હતી. વડોદરા નગરપાલિકાના અપક્ષ કોર્પોરેટર ભાવેશ પટેલની કારમાંથી રૂ.૩૬ હજારની કિંમતના દારૂના જથ્થા સહિત કુલ રૂ.૧૦ લાખનો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો હતો.

                   રાજ્યના યુવાનો બેરોજગારીના કારણે તો શોર્ટકટમાં રૂપિયાની કમાણી કરવા માટે દારૂનો વેપલો કરતા હોય છે તો કેટલાક લોકો પોતાની આવકને વધારવા માટે તથા મોજશોખ કરવા માટે આ ધંધામાં ઝંપલાવતા હોય છે ત્યારે હવે રાજકીય નેતાઓ પણ બુટલેગર બની ગયા હોય તેવો ઘાટ સર્જાયો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, વડોદરામાં રાજકીય નેતાની કારમાંથી જ દારૂ ઝડપાતાં ભારે ચકચાર મચી ગઇ હતી. વડોદરા નગરપાલિકાના અપક્ષ કોર્પોરેટર ભાવેશ પટેલની કારમાંથી દારૂનો મોટો જથ્થો ઝડપાયો હતો. કારમાંથી કુલ રૂ.૩૬ હજારના દારૂ સહિત રૂ.૧૦ લાખનો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો હતો. હાઈવે પર કારમાંથી એલસીબી પોલીસે દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. ઉલ્લેખનીય છે કે, ભાવેશ પટેલ અપક્ષ કોર્પોરેટર અને એપીએમસીના સભ્ય પણ છે. ભાવેશ પટેલની કારમાંથી દારૂ ઝડપાતાં વડોદરાના સ્થાનિક રાજકારણમાં ભારે ચર્ચા જાગી હતી.

(8:34 pm IST)