Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd October 2019

ગુજરાત : છ બેઠકોની પેટાચૂંટણી માટેના કાલે પરિણામ જાહેર થશે

ભારે સુરક્ષા બંદોબસ્ત અને ઉત્તેજનાભર્યા માહોલ વચ્ચે મતગણતરી : બપોર સુધી તમામ પરિણામ જાહેર કરાશે : રાધનપુર સીટના પરિણામ પર તમામની નજર કેન્દ્રિત થઇ : મતગણતરીને લઇને તમામ તૈયારીઓ પૂર્ણ થઇ

અમદાવાદ, તા.૨૩ : ગુજરાતની છ વિધાનસભા બેઠકોની તા.૨૧મી ઓકટોબરના રોજ યોજાયેલી પેટાચૂંટણીનું પરિણામ આવતીકાલે જાહેર કરવામાં આવશે. ઉત્તર ગુજરાતની ચાર બેઠક ખેરાલુ, રાધનપુર, થરાદ અને બાયડ સહિત, અમરાઈવાડી અને લુણાવાડા બેઠક પરની પેટા ચૂંટણી માટે મતદાન બાદ હવે આવતીકાલે ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત અને ઉત્તેજનાભર્યા વાતાવરણ વચ્ચે મતગણતરીની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. આમ તો સાંજ સુધી મતગણતરી હાથ ધરાશે પરંતુ બપોર સુધીમાં છ બેઠકોની પેટાચૂંટણીના પરિણામો સ્પષ્ટ થઇ જવાની શકયતા છે.  જો કે, છ વિધાનસભા બેઠકોની પેટાચૂંટણી પૈકી રાધનપુર અન બાયડ બેઠક પરના પરિણામ પર સૌની નજર છે. આવતીકાલની મતગણતરીને લઇ ચૂંટણી તંત્ર દ્વારા પણ તમામ વ્યવસ્થા અને તૈયારીઓ કરી દેવાઇ છે. તો સુરક્ષા બંદોબસ્ત પણ લોખંડી અને ફુલપ્રુફ રીતે તૈનાત કરાયો છે. આવતીકાલની મતગણતરીને લઇ દરેક કાઉન્ટીંગ બુથ ખાતે ઇવીએમ મશીનો માટે કુલ ૧૪-૧૪ ટેબલો ગોઠવી દેવાશે. એક રાઉન્ડમાં ૧૪ મશીનોની મત ગણતરી એકસાથે કરવામાં આવશે. કુલ ૨૪ રાઉન્ડના અંતે ફાઇનલ પરિણામ જાહેર કરવામાં આવશે. એક ટેબલ પર કાઉન્ટીંગ સુપરવાઇઝર, કાઉન્ટીંગ આસીસ્ટન્ટ તેમ જ માઇક્રો ઓર્બ્ઝર્વરની નિમણૂંક કરવામાં આવશે. તો, મતગણતરી માટે કુલ એક હજાર કરતાં વધુ કર્મચારીઓની મદદ લેવાશે. 

                   તાજેતરમાં તા.૨૧મી ઓકટોબરે યોજાયેલા તમામ છ બેઠકો પર સરેરાશ ૫૧ ટકાની આસપાસ મતદાન નોંધાયું હતું. રાધનપુર બેઠક પરથી કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા અલ્પેશ ઠાકોર અને બાયડ બેઠક પરથી ધવલસિંહ ઝાલાએ ચૂંટણી લડી હોઇ તેમના પરિણામો પર સૌની નજર છે. ખેરાલુ બેઠક પર ભાજપના અજમલજી ઠાકોર અને કોંગ્રેસના બાબુજી ઠાકોર વચ્ચે સીધી ટક્કર છે. આ જ પ્રકારે અમરાઈવાડી બેઠક પર ભાજપના  જગદીશ પટેલ વચ્ચે કાંટાની ટક્કરક છે. તો, થરાદ બેઠક પર ભાજપના જીવરાજ પટેલ અને કોંગ્રેસના ગુલાબસિંહ રાજપૂત વચ્ચે અને લુણાવાડા બેઠક પર ભાજપના જીજ્ઞેશ સેવક અને કોંગ્રેસના ગુલાબસિંહ ચૌહાણ વચ્ચે સીધી સ્પર્ધા જામશે. ઉલ્લેખનીય છે કે, છ બેઠકોની પેટા ચૂંટણી માટે ચૂંટણીપંચ દ્વારા કુલ ૧૭૮૧ મતદાન મથકો ઊભાં કરાયાં હતા. આશરે ૮૫૦૦થી વધુ કર્મચારીઓને ચૂંટણી ફરજમાં તૈનાત કરાયાં હતા.  હવે આવતીકાલે સવારે આઠ વાગ્યાથી મતગણતરી હાથ ધરાશે ત્યારે ઇવીએમ ખુલતાની સાથે સાથે જ અને મતગણતરીના એક પછી એક રાઉન્ડની સાથે સાથે ઉમેદવારોના ભાવિ નક્કી થતાં જશે. ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો અને તેમના સમર્થકો-ટેકેદારો પણ મતગણતરી સ્થળે ખૂબ મોટી સંખ્યામાં હાજર રહેશે. પોતાનો વિજય નિશ્ચિત માનતા ઉમેદવારોએ તો સરઘસ-વિજયોત્સવની આગોતરી તૈયારી પણ કરી રાખી છે.

પરિણામને લઇ ઉત્સુકતા

*   ગુજરાતમાં વિધાનસભાની છ બેઠકોની પેટાચૂંટણીને લઇને પરિણામ સંદર્ભમાં ઉત્સુકતા

*   પરિણામને લઇને રાજકીય પક્ષોમાં આશા

*   ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ દ્વારા જીતવા માટેના દાવા

*   ભારતીય જનતા પાર્ટી છ સીટો પૈકી કેટલી સીટો પર જીત મેળવી શકશે તેને લઇને રાજકીય પંડિતોમાં ગણતરી

*   મતગણતરીને લઇને તમામ તૈયારીઓ પહેલાથી જ પૂર્ણ કરાઈ

*   મતગણતરી શરૂ થયા બાદ બપોર સુધીમાં મોટાભાગના પરિણામ મળે તેવી સંભાવના

*   ભાજપના તમામ વરિષ્ઠ નેતાઓની પરિણામ પર નજર

*   રાધનપુર સીટના પરિણામને લઇને વધારે ઉત્સુકતા

*   કોંગ્રેસ પાર્ટી ભાજપના ગઢમાં ગાબડા પાડી શકશે કે કેમ તેને લઇને પણ ઉત્સુકતા

*   ગુજરાતમાં પેટાચૂંટણીના પરિણામને લઇને મોટાપાયે અંદરખાને સટ્ટો પણ રમાયો

(8:30 pm IST)