Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd October 2019

તા. ૧ થી ૧૦ નવેમ્બર વચ્ચે ભાજપના વોર્ડ-તાલુકા સંગઠનની રચના

નવા પ્રમુખ-મહામંત્રીઓ, કારોબારી પસંદ થશેઃ માર્ગદર્શન માટે આજે કમલમમાં પ્રદેશ કક્ષાની બેઠક

રાજકોટ, તા. ર૩ : ગુજરાતમાં ભાજપની સભ્ય નોંધી ઝુંબેશ અને બુથ સમિતિઓની રચનાનું કામ પૂર્ણ થતાં હવે સંગઠનની કામગીરી આગળ વધી રહી છે. તા. ૧ થી ૧૦ નવેમ્બર સુધીમાં તમામ નગર -મહાનગરોમાં વોર્ડની અને જિલ્લામાં તાલુકાઓની સંગઠન રચના પૂર્ણ કરવા આદેશ આપવામાં આવ્યો છે. સંગઠન માળખાની રચના બાબતે માર્ગદર્શન આપવા આજે બપોરે ૧ વાગ્યાથી પ્રદેશ કાર્યાલયમાં તમામ શહેર-જિલ્લા પ્રમુખો, પ્રભારીઓ વગેરેને બોલાવવામાં આવ્યા છે. પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી સહિતના આગેવાનો માર્ગદર્શન આપશે.

તા. ૧ થી ૧૦ નવેમ્બર સુધીમાં તાલુકા અને વોર્ડ કક્ષા સુધીની કારોબારી ટીમની ચૂંટણી (વરણી) થઇ ગયા બાદ નવેમ્બર અંત અથવા ડીસેમ્બરના પ્રારંભે તમામ જિલ્લા અન મહાનગરો-નગરોમાં પાર્ટીના સુકાનીઓની પસંદગી થશે.

ર૦ર૦ના વર્ષના ઉતરાર્ધમાં રાજયમાં સ્થાનિક સ્વરાજયની ચૂંટણીઓ આવી રહી છે તેથી સંગઠનના નવા પદાધિકારીઓની પસંદગી વિશેષ મહત્વની બની રહેશે. હાલ સર્વત્ર ભાજપનો સૂરજ તપતો હોવાથી કોઇ સ્તરે સંગઠનની ચૂંટણી કરવી પડે તેવા સંજોગો નથી. સર્વત્ર સર્વાનુમતે પસંદગી જ થશે.

(1:19 pm IST)