Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd October 2019

ગુજરાત હાઇકોર્ટની અગાશીમાં શોર્ટસર્કીટથી આગ લાગીઃ ભુતકાળમાં પણ આવી ઘટના બનેલ

બપોરના સમયે જજો ભોજન લેતા હતાં ત્યારે આગ લાગીઃ કોઇ જાનહાની નહિ

અમદાવાદ,તા.૨૩: ગુજરાત હાઇકોર્ટમાં મંગળવારે બપોરે રિસેસના સમયે, જ્યારે કેટલાક જસ્ટિસીઝ બપોરનું ભોજન લઇ રહ્યા હતા. ત્યારે અગાશી પર રહેલા એસી મશીનના આઉટલેટના વાયરમાં શોર્ટ સર્કિટના લીધે અચાનક આગ લાગી હતી. સદનસીબે, હાઇકોર્ટ જસ્ટિસના પ્યૂન્સ, ચોકીદાર સહિતના સ્ટાફે જ તરત આ આગ ઓલવી દીધી હતી. થોડા સમય માટે વીજ પુરવઠો બંધ કરી દેવાયો હતો. અને તરત જ લાકડીથી એસી આઉડલેટના વાયરને અલગ કરી દીધા હતા.

આ ઉપરાંત, આગ હોલવવા માટે ફાયર એકટીંગ્વિશરનો ઉપયોગ કર્યો હતો.

આગના સમાચાર મળતાં ફાયર બ્રિગેડના બે ફાઇટર વાહનો હાઇકોર્ટમાં આવી પહોચ્યા હતા. જો  કે ત્યાં સુધીમાં આગ પર મહદ અંશે કાબુ મેળવી લેવામાં આવ્યો હતો. સદનસીબે આ આગના લીધે કોઇ પણ પ્રકારનું નુકસાન થયું નથી.

હાઇકોર્ટની અગાશી પર અનેક સોલાર પાવર પ્લાન્ટ પણ રહેલા છે. આગની આ ઘટના બાદ હાઇકોર્ટનો વહિવટી વિભાગ તપાસ કરી રહ્યો છે. ભુતકાળમાં વર્ષ ૨૦૧૮માં એપ્રિલ માસમાં હાઇકોર્ટમાં રહેલી ગુજરાત હાઇકોર્ટ એડ્વોકેટ્સ એસોસિએશનની ઓફિસ પાસે આગ લાગી હતી. જેમાં કોઇને ઇજા થઇ નહોતી.

(11:28 am IST)