Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd October 2019

ધનના માલિક નહિ, ટ્રસ્ટી બનવું પડેઃ અઝીમ પ્રેમજી

ગુજરાત વિદ્યાપીઠના ૬૬માં પદવીદાન સમારંભને વિપ્રોના ચેરમેનનું સંબોધન

અમદાવાદઃ 'સંપત્તિવાન હોવું કંઈ ખોટું નથી. પરંતુ સંપત્તિ જેની પાસે હોય તે માલિક નહીં પણ ટ્રસ્ટી હોય તે જરૂરી છે. આ સંપત્તિનો સદુપયોગ તેણે લોકો અને સમાજના કલ્યાણ માટે કરવાનો છે. હું સંપત્તિવાન થયો તે પહેલાંથી મહાત્મા ગાંધીના આ વિચારનો મારા મનમાં પડઘો પડયો હતો. ટ્રસ્ટીપણાના ગાંધી વિચારમાં ગાંધીજીના મહત્ત્વના અનેકવિધ દ્રષ્ટિકોણો અને સિધ્ધાંતો સમાયેલા છે. મારા વિચારો અને કાર્યો પર મારી માતા પછી સૌથી વધુ પ્રભાવ મહાત્મા ગાંધીજીનો રહ્યો છે', તેમ ગૂજરાત વિદ્યાપીઠના પદવીદાન સમારોહમાં દીક્ષાંત ઉધ્બોધનમાં વીપ્રોના ચેરમેન, દેશના અગ્રણિ ઉદ્યોગપતિ અને દાનવીર અઝીમ પ્રેમજીએ કહ્યું હતું.

વિદ્યાપીઠના ૬૬મા પદવીદાન સમારંભમાં પદવીધારી વિદ્યાર્થીઓને પ્રેરક સંબોધન કરતા અઝીમ પ્રેમજી યુનિવર્સિટીના કુલપતિ એવા અઝીમ પ્રેમજીએ જણાવ્યું કે મારા જીવનમાં મેં જોયું છે કે તમે જયારે લોકો પર વિશ્વાસ કરો છો ત્યારે લગભગ હંમેશા તે લોકો તમારા પર વિશ્વાસ કરે છે. ટ્રસ્ટીશીપનો સિધ્ધાંત સંપત્તિવાન પર ટ્રસ્ટી બનવાની જવાબદારી મુકે છે. સંપત્તિવાન વ્યકિત સ્વૈચ્છાએ ટ્રસ્ટી બનવાની ક્ષમતા કેળવે તેવી અપેક્ષા સિધ્ધાંતમાં છે. આ ગાંધીવિચારની શાસ્ત્રીય રીત છે.

ગાંધી મૂલ્યો વિશે તેમણે કહ્યું કે સંજોગો તમારી વિરુધ્ધ હોય ત્યારે સત્યને અને સત્યની રાહને વળગી રહેવું એ ઘણી હિંમત માગી લે છે. ખાસ કરીને જયારે સત્ય તમારા સ્વાર્થના વિરોધમાં હોય ત્યારે. સાધ્ય કરતા સાધ્ય સુધી પહોંચવાના સાધનનું મહત્ત્વ વધુ છે. અંત ગમે તેટલો સારો હોય પણ તે લક્ષ્ય સુધી પહોંચવા માટે ઉપયોગમાં લીધેલા અનૈતિક સાધનોને વાજબી નહીં ઠેરવી શકે. સાધ્ય જે પણ હોય, તેને માટેના સાધનો હંમેશા નૈતિક જ હોવા જોઈશે. તેમણે કહ્યું કે કુલપતિ ઈલાબહેનનું નેતૃત્ત્વ અને સમાજ પરિવર્તનમાં પ્રદાન આપણને સહુને પ્રેરણા આપે છે. પદવીધારકોને કુલપતિ ઈલાબહેને આશીવર્ચન પાઠવ્યા હતા. કુલનાયક અનામિક શાહે વિતેલા વર્ષનો અહેવાલ વિસ્તારથી રજૂ કર્યો હતો.

(11:25 am IST)