Gujarati News

Gujarati News

News of Friday, 23rd August 2019

યુવતીઓના ફોટા મોકલીને પૈસા પડાવતી ગેંગ ઝડપાઈ

અગોરા મોલ પાસે ચાલતા કોલ સેન્ટરનો પર્દાફાશ લવલી રાની ડોટ કોમ અને સ્કોક્કા ડોટ કોમના માધ્યમથી કોલ સેન્ટરને ચલાવતા હતા : પોલીસ ટુકડી દિલ્હી રવાના

અમદાવાદ, તા.૨૩ : ગાંધીનગરના સુઘડ ગામે એક ફ્લેટમાંથી લવલી રાની ડોટ કોમ અને સ્કોક્કા ડોટ કોમ વેબસાઈટના માધ્યમથી વોટ્સએપ યુવતીઓના ફોટા મોકલી યુવકો સાથે છેતરપિંડી આચરતું ગેરકાયદે કોલ સેન્ટરનો પર્દાફાશ કરી એલસીબી પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી લીધી છે. પોલીસે આરોપીઓ પાસેથી ૧.૨૮ લાખ રોકડ, ૬૩ હજારની કિંમતના ૭ મોબાઈલ સહિત રૂ.૧.૯૧ લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી છે. વધુમાં, આ સમગ્ર કૌભાંડમાં દિલ્હીના બે આરોપીઓ રોની અને રાહુલના નામો સામે આવતાં એલસીબી પોલીસની એક ટીમ વધુ તપાસ અર્થે દિલ્હી જવા રવાના થઇ છે. પોલીસના દરોડા દરમ્યાન ઝડપાયેલા આરોપીઓમાં વિજય મનોજભાઈ ચૌહાણ (ઉ.વ.૩૮, રહે. ચાંદખેડા), જગદીશ ધીરૂભાઈ આહીર (ઉ.વ.૨૩, રહે. નરોડા) અને કલ્પેશ ખીમજીભાઈ ગોહિલ(ઉ.વ.૨૩, રહે.ગાંધીનગર)નો સમાવેશ થાય છે. પોલીસને બાતમી મળી હતી કે, સુઘડ ગામ નજીક બાલાજી અગોરા મોલ પાસે આવેલી એક એટલાન્ટિક સોસાયટીના એક ફ્લેટમાં કેટલાક લોકો બોગસ કોલ સેન્ટર ચલાવીને લોકો સાથે છેતરપિંડી આચરી રહ્યાં છે. 

       જેથી પોલીસે ભારે ગુપ્તતાપૂર્વક ફલેટમાં અચાનક દરોડા પાડી ઘટનાસ્થળેથી ઉપરોકત ત્રણ આરોપીઓને જરૂરી મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. પોલીસ પુછપરછ મુખ્ય સુત્રધાર વિજય ચૌહાણે જણાવ્યું હતું કે, દિલ્હીમાં પોતાના મિત્રો રાહુલ અને રોની પાસેથી લવલી.કોમ અને શોક્કા.કોમ નામની વેબસાઈટમાં પોતાના મોબાઈલ નંબર એડ કરાવી અને અન્ય યુવકોને વોટ્સએપના માધ્યમથી છોકરીઓના ફોટા મોકલી તેમને લલચાવીને કોલ ગર્લ્સની એસ્કોર્ટ સર્વિસ પૂરી પાડશે તેવી લોભામણી વાતચીત કરી કોલગર્લ્સ માટેની આગળની પ્રોસેસ માટે લોકો પાસેથી પોતાના એકાઉન્ટમાં પૈસા જમા કરાવીને છેતરપિંડી આચરતા હતા. આ સંદર્ભે અડાલજ પોલીસ સ્ટેશને ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

બીજીબાજુ, તપાસનો રેલો દિલ્હી સુધી પહોંચતા અને સમગ્રકૌભાંડમાં દિલ્હીના બે આરોપીઓ રોની અને રાહુલના નામો સામે આવતાં એલસીબી પોલીસની એક ટીમ દિલ્હી જવા રવાના થઇ હતી. આગામી દિવસોમાં આ સમગ્ર કૌભાંડમાં ચોંકાવનારા ખુલાસા સામે આવે તેવી શકયતા છે.

(8:36 pm IST)