Gujarati News

Gujarati News

News of Friday, 23rd August 2019

અમદાવાદ - ગાંધીનગર - સુરતની ૮ ટીપી સ્કીમો મંજુર કરતા મુખ્યમંત્રી વિજયભાઈ : આઠ જ માસમાં 75 યોજનાઓ મંજૂર થઈ : રાજ્યના વિકાસની યોજનાઓને ધડાધડ મંજુર કરતી રૂપાણી સરકાર

ગાંધીનગર : આજે એકજ દિવસમાં અમદાવાદ - ગાંધીનગર - સુરતની ૮ ટીપી સ્કીમોને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ મંજુર કરી છે. છેલ્લા આઠજ મહિનામાં 75 યોજનાઓને મંજૂર આપી છે જેમાં 66 નગર રચના યોજનાઓ તથા 9 વિકાસ યોજનાઓનો સમાવેશ થાય છે. આમાં અમદાવાદની 14, નડીયાદ - ભાવનગર અને વડોદરા તથા સુરતની મળીને 22 ડ્રાફટ નગર રચના યોજનાઓનો સમાવેશ થાય છે. આ સાથે રાજ્યના વિકાસની યોજનાઓને ધડાધડ રૂપાણી સરકારે મંજુરી આપી છે.

મુખ્યમંત્રીએ શુક્રવારે તા. 23 ઓગસ્ટે અમદાવાદની 2 ડ્રાફટ, 2 પ્રીલીમીનરી, 1 ફાયનલ તેમજ સુરતની 1 પ્રીલીમીનરી અને ગાંધીનગર 2 પ્રીલીમીનરી મળીને કુલ 8 ટાઉન પ્લાનીંગ સ્કીમને એક જ દિવસમાં મંજૂરી આપી છે. તદ્દઅનુસાર અમદાવાદની ડ્રાફટ ટી.પી. સ્કીમ 408, ઓગણજને 407, લપકામણ-રકનપુર-સાંતેજને મંજૂરી આપી છે.

અમદાવાદમાં જે બે પ્રારંભિક ટી.પી. સ્કીમ પ્રીલીમીનરી ટી.પી.ને મંજૂરી આપવામાં આવી છે તેમાં 238-ભાટ સુઘડ, 85 સરખેજ-મકરબા-ઓકફ અને 1 ફાયનલ ટી.પી. સ્કીમ તરીકે 102 નિકોલને પરવાનગી મળી છે. ગાંધીનગરની મંજૂર થયેલી બે પ્રારંભિક ટી.પી.માં 10-અડાલજ-પોર તેમજ 9/બી-વાસણા હડમતીયા-સરગાસણ-વાવોલનો અને સુરતની પ્રીલીમીનરી ટી.પી. સ્કીમમાં 39 ઊધના લીંબાયતનો સમાવેશ થાય છે.

શહેરોના અદ્યતન અને સુવિધાયુકત વિકાસને વેગ આપવા જે ટી.પી, ડી.પી. મંજૂર કરી છે તેના પરિણામે અમદાવાદ મહાનગરમાં 412 હેકટર્સ ઉપરાંતની જમીનનો સુઆયોજિત વિકાસ થશે અને રૂ. 640 કરોડના અંદાજિત કામોને તેમજ એફોર્ડેબલ હાઉસીંગના નિર્માણને આ બે ટી.પી મંજૂર થતાં વેગ મળવાનો છે.

વિજય રૂપાણીએ અમદાવાદ, સુરત અને ગાંધીનગરની જે પાંચ પ્રીલીમીનરી ટી.પી.ને મંજૂરી આપી છે તેના પરિણામે અંદાજે 550 હેકટર્સ ઉપરાંતની જમીન પર સુવિધાયુકત વિકાસ થશે. આમાંથી 25.55 હેકટર જમીન સામાજિક આર્થિક વર્ગના લોકોના રહેણાંક હેતુસર, 32.03 હેકટર બાગ-બગીચા અને ખૂલ્લી જગ્યા હેતુથી તેમજ 19.42 હેકટર જેટલી જમીનમાં ઇન્ફ્રાસ્ટ્રકચર ડેવલપમેન્ટની સહુલિયત પ્રાપ્ત થશે.

ઉલ્લેખનીય છે કે સીએમ રૂપાણીએ 2019નાના વર્ષના પ્રથમ આઠ જ માસમાં 66 ટી.પી. સ્કીમ ઉપરાંત રાજકોટ, સુરત, ભાવનગર, વડોદરા, અમદાવાદ, બિલીમોરા અને ગાંધીનગરની મળી કુલ-23 પ્રીલીમીનરી ટી.પી. સ્કીમ મંજૂરી કરી છે. જેમાં રાજકોટ, સુરત, અમદાવાદ, ગાંધીનગર, ઊંઝા અને વડોદરાની કુલ-21 ફાયનલ એટલે અંતિમ ટી.પી ને પણ મંજૂરી આપી છે.

(7:39 pm IST)