Gujarati News

Gujarati News

News of Friday, 23rd August 2019

તમે ગુજરાતીઓ લુચ્ચા છોઃ કામ કરવાને લાયક નથીઃ ગંભીર આક્ષેપ ફાધર કહે છે વર્ષોથી ગુજરાતમાં રહ્યો છું: ૭૦ ટકા સ્ટાફ ગુજરાતી

રાજકોટઃ અમદાવાદની મિરઝાપુરની સેન્ટ ઝેવિયર્સ સ્કૂલમાં ૧૭ વર્ષથી કામ કરતા મહિલા કર્મચારીને આચાર્ય ફાધર ટાઈટસ અને ઓફિસ સુપરિન્ટેન્ડેન્ટ જોની ચાર્લ્સ ફર્નાન્ડીસ દ્વારા અપમાનજનક શબ્દો બોલીને હેરાન કરાતી હોવાના આક્ષેપ કરતી અરજી ૧૨ ઓગષ્ટના રોજ પોલીસ મથકે કરી હતી. જેમાં ગુરૂવારે મહિલા ક્રાઈમ બ્રાન્ચે બંનેના નિવેદન લીધા હતા. તેમજ આ અંગે આતંરરાષ્ટ્રીય હિન્દુ સેનાએ શહેર ડીઈઓને પણ આવેદનપત્ર આપ્યું હતું.

પોલીસ સ્ટેશનમાં મહિલાએ આપેલ અરજીમાં જણાવ્યા અનુસાર સેન્ટ ઝેવિયર્સના આચાર્ય ફાધર ટાઈટસ અને ઓફિસ સુપરિન્ટેન્ડેન્ટ જોની ચાર્લ્સ ફર્નાન્ડીસ દ્વારા તેમના પ્રત્યે કિન્નાખોરી રાખી છે અને બંને અવારનવાર તેમને કહે છે કે તમે ગુજરાતી લુચ્ચાઓ છો, તમે કામ કરવા લાયક નથી તેમ કહી માનસિક ત્રાસ આપે છે. તેમને પટાવાળામાંથી કે.જી. સેકશનમાં બદલી કરી દેવામાં આવ્યા છે.

જે મુદ્દે પોલીસ કાર્યવાહી ચાલી રહી છે, ત્યારે ગુરૂવારના રોજ આ અંગે આંતરરાષ્ટ્રિય હિન્દુ સેના પ્રમુખ સહિત ૫૦ કરતા વધુ કાર્યકર્તાઓએ વસ્ત્રાપુર ડીઈઓ કચેરીમાં આવેદન પત્ર આપ્યું હતું. જેના ભાગરૂપે શહેર ડીઈઓ કચેરી દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા છે. તેમજ મહિલા ક્રાઈમ બ્રાન્ચે આચાર્ય અને ઓફિસ સુપરિન્ટેન્ડેન્ટનું નિવેદન લેવામાં આવ્યું છે.

ફાધર ટાઈટ્સે જણાવ્યું હતું કે હું વર્ષોથી ગુજરાતમાં રહ્યો છું. મારી સ્કૂલમાં ૭૦ ટકા સ્ટાફ પણ ગુજરાતી છે. પોલીસ હવે મહિલાનું નિવેદન લઈને ફરિયાદ નોંધવાની કાર્યવાહી હાથ ધરશે.

(3:28 pm IST)