Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd June 2020

ચેમ્બરની ચૂંટણીનો મદાર સરકારી ગાઈડલાઈન પર

રાજ્યની પ્રતિષ્ઠિત વેપારી મહામંડળની ચૂંટણી : પહેલી જુલાઈએ અનલોક-૨માં રાજ્ય સરકાર કેવું વલણ અપનાવે છે તેના પર નજર : ક્લબ કે હોલમાં ચૂંટણી યોજાશે

અમદાવાદ, તા. ૨૩ :  વેપારી આલમમાં પ્રતિષ્ઠાનો પ્રશ્ન બની ચૂકેલી ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીની ચૂંટણી માટેની તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. ઉમેદવારોએ જોરશોરથી પ્રચાર પ્રસાર શરૂ કરી દીધો છે. ત્યારેહવે સવાલ એ ઉભો થાય છે કે સરકાર ૧૧મી જુલાઈએ ચેમ્બરની ચૂંટણી માટે મંજૂરી આપે છે કે કેમ? કેમકે હાલ અનલોક ૧ માં કોઈપણ પ્રકારના મેળાવડા કે ચૂંટણી સભા ઉપર પ્રતિબંધ છે. ૧લી જુલાઈએ અનલોક ૨માં સરકાર દ્વારા ચૂંટણી માટેની મંજૂરી આપવામાં આવે તો વિના વિઘ્ને ચેમ્બરની ચૂંટણી યોજાશે. જો ચૂંટણી માટેની પરવાનગી નહીં મળે તો ચેમ્બર દ્વારા આ બાબતે સરકાર સમક્ષ રજૂઆત કરવામાં આવશે. ચેમ્બરના હોદ્દેદારોના જણાવ્યા મુજબ હાલ તો ચેમ્બરની ચૂંટણી માટેનો સંપૂર્ણ કાર્યક્રમ જાહેર કરી દેવામાં આવ્યો છે સાથે સાથે તેની પ્રક્રિયા પણ શરૂ થઈ ગઈ છે.

               ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી દીધી છે ફોર્મ પરત ખેંચવાની મુદત પણ પૂરી થઈ ગઈ છે. હવે સવાલ એ ઉભો થાય છે કે સરકારે જ્યારે અનલોક ૧ની જાહેરાત કરી છે તેમાં કોઈપણ પ્રકારના મેળાવડા સામાજિક કાર્યક્રમો કે ચૂંટણી કે જેમાં વધારે લોકો એકત્રિત થતા હોય તેવા કોઈ કાર્યક્રમો કરવા ઉપર પ્રતિબંધ મૂક્યો છે. હવે ૧લી જુલાઈએ તેમાં કોઈ ફેરફાર થાય અને ચૂંટણી માટે મુક્તિ આપવામાં આવે તો કોઈપણ મુશ્કેલી વગર ચેમ્બરની ચૂંટણી યોજાશે. જો ચૂંટણી માટે મુક્તિ આપવામાં ન આવે તો ચેમ્બરના હોદ્દેદારો દ્વારા સરકાર સમક્ષ આ બાબતે રજૂઆત કરી સંપૂર્ણ સોશિયલ ડિસ્ટન્સ જળવાય એ રીતે ચૂંટણીનું આયોજન કરવા માટેની મંજુરી માગવામાં આવશે. તેના માટે જરૂર પડ્યે ચેમ્બરની બહાર એટલે કે કોઈ ક્લબ કે મોટા હોલમાં મતદાન પ્રક્રિયા યોજવા માટેની પણ તૈયારી બતાવવામાં આવશે. જોકે આ બાબતે તંત્ર દ્વારા મંજૂરી આપવામાં ન આવે તો ચૂંટણી ની તારીખ લંબા જવાની નોબત પણ ઉભી થઇ શકે છે એટલે કે ચૂંટણી એકાદ મહિનો લેટ પણ થાય તેની સંભાવના નકારી શકાય નહીં.

(10:47 pm IST)