Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd June 2020

સચીન ટાવર માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોન જાહેર કરાતાં રહીશો ભડક્યા

સોસાયટીના રહીશોનો તંત્ર સામે આરોપ : ટાવરમાં એક પોઝિટિવ કેસ હાલ ન હોવાનો સોસાયટીનો દાવો : મ્યુનિ. કોર્પોરેશને કહ્યું હજુ ૧૦ પોઝિટિવ કેસ છે

અમદાવાદ, તા. ૨૩ :  શહેરના જોધપુર વોર્ડમાં આવેલ પોશ સોસાયટી સચિન ટાવરને માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોનમાં મૂકવામાં આવતાં જ એક નવો વિવાદ જન્મ્યો છે. ૩૫૦ પરિવાર આ સોસાયટીમાં રહે છે. જો કે, કોર્પોરેશન દ્વારા આ સોસાયટીને માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોન જાહેર કરીને એન્ટ્રી ગેટ પર પતરા મારી દેવામાં આવ્યા ત્યારે સોસાયટીના પદાધિકારીઓ અને રહેવાસીઓ દ્વારા આ વાતનો વિરોધ કરવામાં આવ્યો હતો અને અમદાવાદ મહાનગરપાલિકાના ઉચ્ચ અધિકારીઓ સુધી ફરિયાદ કવામાં આવી હતી. સચિન ટાવર હાઉસિંગ સોસાયટીના ચેરમેન ભાવિન ખાંઢેરે કહ્યું કે, અમને સરકાર દ્વારા આપવામાં આવતી ગાઈડલાઈન્સ અને રૂલ્સને પાલન કરવામાં કોઈ સમસ્યા નથી પરંતુ અમદાવાદ કોર્પોરેશન દ્વારા ખોટી રીતે સોસાયટીને માઈક્રો ક્ન્ટેઈનમેન્ટ ઝોન જાહેર કરી દેવામાં આવતા સોસાયટીના રહેવાસીઓને ગ્લાનિની લાગણી અનુભવાઈ રહી છે. આસપાસની સોસાયટીમાં જ્યારે ખબર પડી કે કોર્પોરેશને અમારી સોસાયટીને માઈક્રો કન્ટેઈનમેન્ટ જાહેર કરી છે.

           ત્યારે આસપાસની સોસાયટીના બોર્ડ પર મેસેજ મૂકવામાં આવ્યો છે કે લોકોએ સચિન ટાવરમાં રહેતા કોઈપણ વ્યક્તિને મળવું નહીં. આ તો જાણે કે અમે કોઈ જઘન્ય ગુનો કર્યાે હોય તેવું વર્તન કરવામાં આવી રહ્યું છે. ખાંઢેરે કહ્યું કે, હા એક સમયે સોસાયટીમાં કોરોના પોઝિટીવ કેસ મળી આવ્યા હતા પરંતુ ૩૫૦ પરિવારમાંથી માત્ર ત્રણ જ કેસ પોઝિટીવ મળ્યા હતા જેને પગલે સોસાયટીને માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવી હતી. જે પૈકી એક દર્દીને ફક્ત હોમ ક્વોરન્ટીન કરવામાં આવ્યા હતા જ્યારે બે દર્દીને સોમવારે ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા હતાં. તેમણે વધુમાં કહ્યું કે, જ્યારે કોર્પોરેશનના આ પગલાથી સોશિયલ મીડિયામાં અનેક ખોટી અફવાઓ ફેલાઈ રહી છે. જ્યારે હકીકત એ છે કે સોસાયટીમાં હવે કોઈ પોઝિટીવ કેસ જ નથી.

           અને જેમના પણ પરિવારમાં પોઝિટીવ કેસ મળ્યા હતા તે પરિવારે ક્વોરેન્ટીનના તમામ નિયમોનું પાલન કર્યુ હતું. કોર્પોરેશનના ડે. કમિશનર જી. એચ. સોલંકીએ કહ્યું કે, સચિન ટાવરમાં ૧૦ કોરોના પોઝિટીવ કેસ છે. જે પૈકી ૫ કેસમાં દર્દીઓ ૬૦ વર્ષથી વધારે ઉંમરના છે. જ્યારે એક દર્દી ૫૭ વર્ષના છે. જેથી વધુ લોકોમાં આ મહામારી ફેલાઈ નહીં તે માટે અમે સોસાયટીને કન્ટેઈનમેન્ટ ઝોન જાહેર કરી છે. કોર્પોરેશન દ્વારા ધનવંતરી રથને પણ સોસાયટીમાં મોકલવામાં આવ્યો હતો પરંતુ સોસાયટીના રહેવાસીઓએ કો-ઓપરેટ કર્યું નથી. તેમણે વધુમાં કહ્યું કે અમે રહેવાસીઓ પાસેથી તેમને ત્યાં આવતા કામવાળાની પણ ડિટેઈલ માંગી છે જેથી ટ્રેકિંગ કરી શકાય.

(10:46 pm IST)