Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd June 2020

પોલીસે શ્રદ્ધાળુઓની સામે લાકડી ઉગામતા ગૃહ રાજ્યપ્રધાન પ્રદીપસિંહ જાડેજા દોડી આવ્યા

રથયાત્રા પર ગૃહ રાજ્યપ્રધાને દેખરેખ રાખી : ભક્તોની લાગણીને ઠેસ ન પહોંચે તેનું ધ્યાન રાખવા સૂચના સોશિયલ ડિસ્ટસ્ટિંગ જાળવવાના પ્રયાસમાં બળ પ્રયોગ

અમદાવાદ, તા. ૨૩ :  સરકારના અનેક પ્રયાસો અને ભક્તોની લાગણી છતાં કોરોના વાયરસ મહામારીને ધ્યાનમાં રાખીને હાઈકોર્ટે અમદાવાદમાં ૧૪૩મી ભગવાન જગન્નાથની રથયાત્રા કાઢવાની મંજૂરી ન આપી. બીજી તરફ વ્યવસ્થાના ભાગરૂપે મંદિરમાં જગન્નાથ મંદિર ખાતે જ રથોને પરિક્રમા કરાવવામાં આવી હતી. જે બાદ રથોને મંદિરમાં ભક્તોના દર્શન માટે લાઈનમાં મૂકી દેવામાં આવ્યા છે. આ દરમિયાન રાજ્યના ગૃહ રાજ્યપ્રધાન પ્રદીપસિંહ જાડેજા સતત ખડેપગે મંદિર ખાતે હાજર રહીને તમામ વ્યવસ્થા સંભાળી રહ્યા છે. મંદિરમાં આવતા ભક્તોને કોઈ તકલીફ ન પડે તેની પણ તેઓેએ ખૂબ કાળજી રાખી હતી. આ દરમિયાન એક ક્ષણે તેમણે જેસીપીને બોલાવીને ભક્તો સામે લાકડી ન ઉગામવાની સૂચના આપી હતી.

         અમિત વિશ્વકર્મા પાસે આવતા તેમણે તેમને ભક્તોને લાકડીથી દૂર ન કરવાની સૂચના આપી હતી. ભક્તોની લાગણીને ઠેસ ન પહોંચે તેનું ધ્યાન રાખવાની સૂચના પ્રદીપસિંહે પોલીસને આપી હતી. ભક્તો મંદિરના પ્રદેશ દ્વારથી અંદર આવે તે પછી તેમને કોઈ તકલીફ નથી પડી રહીને તે બાબતનું પ્રદીપસિંહે જાતે જ નિરીક્ષણ પણ કર્યું હતું. પ્રદીપસિંહ મંગળા આરતી પહેલાથી જ ભગવાન જગન્નાથ મંદિર પહોંચીને વ્યવસ્થા સંભાળી રહ્યા છે. તેમને મંદિર ખાતે એક ખાસ રૂમ ફાળવવામાં આવ્યો છે. આ દરમિયાન સવારે રથોને મંદિરમાં પરિક્રમ કરાવ્યા બાદ લોકોનાં દર્શન માટે લાઈનમાં ગોઠવી દેવામાં આવ્યા હતા. આ દરમિયાન પ્રદીપસિંહ મહંતની ઓફિસમાં બેઠા હતા. તેમણે જોયું કે પોલીસકર્મીઓ લાકડીથી ભક્તોને દૂર કરી રહ્યા છે.

         સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાઈ રહે તે માટે પોલીસ લાકડીને પ્રયોગ કરી રહી હોવાનું જાણતા જ પ્રદીપસિંહ ઓફિસમાંથી બહાર આવી ગયા હતા અને ત્યાં હાજર જેસીપી અમિત વિશ્વકર્માને પોતાની પાસે બોલાવ્યા હતા. મંદિર ખાતે દર્શન માટે આવતા ભક્તોને એક ગેટમાંથી પ્રવેશ આપવામાં આવે છે. મંદિર બહાર પાંચ જેટલી ભજન મંડળીઓ હાજર છે. જે અંદર ન પ્રવેશે તે માટે પોલીસે બેરિકેટિંગ કરી દીધું છે. ભક્તો અંદર પ્રવેશે ત્યાં પણ પોલીસે બેરિકેટિંગ કરી દીધું છે. ભક્તો રથની બાજુમાં ન જાય તેવી પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. આ દરમિયાન પોલીસે ભક્તો સામે લાકડી ઉગામતા પ્રદીપસિંહે પોલીસને સૂચના આપી હતી કે સુરક્ષા માટે વ્યવસ્થા ગોઠવો પરંતુ ભક્તો સામે લાકડી ન ઉગામો. મંદિરના પ્રાંગણમાં રથો જ્યાં ગોઠવાયેલા છે તેની સામે જ મંદિરના મહંત દિલીપદાસજીની ઓફિસ આવેલી છે.

          અહીંથી જ પ્રદીપસિંહ તમામ વસ્તુઓ પર નજર રાખી રહ્યા હતા. હાઈકોર્ટના આદેશના પગલે રથયાત્રાને મંદિર બહાર કાઢી શકાય નહીં. જોકે, આ દરમિયાન મંદિરના મહંત દિલીપદાસજી રથયાત્રાને ગેટ બહાર કાઢવાની માંગ સાથે ભાવુક થઈ ગયા હતા. આ દરમિયાન પણ પ્રદીપસિંહે મંદિરના ટ્રસ્ટીઓ સાથે મળીને તેમને મહંતને સમજાવ્યા હતા. અંતે મહંત માની જતાં રથોની મંદિરમાં જ પરિક્રમા કરાવવામાં આવી હતી.

(10:41 pm IST)