Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd June 2020

સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારમાં વધતો વિરોધ : રેલ્વે પ્રોજેકટ સંપાદિત જમીનના ખેડૂતોએ આપી આત્મવિલોપનની ચીમકી

તિલકવાડાના 50 ગામના ખેડૂતોની જમીનો લેવાઈ : રેલવેએ આપેલા વચનો નિભાવ્યા નથી : વહેલી તકે કાર્યવાહી નહીં થાય તો આત્મવિલપૉન : કલેક્ટરને આપ્યું આવેદન

રાજપીપળા: નર્મદા જિલ્લાના કેવડીયા ખાતે આવેલ સ્ટેચ્યુ ઓફ યુનિટી વિશ્વ સ્તરના પ્રવાસન ધામ તરીકે ઉભરી રહ્યું છે. કેવડિયાને દેશના અન્ય વિસ્તારો સાથે રેલ માર્ગે જોડવા પ્રધાનમંત્રીના ડ્રીમ પ્રોજેકટના રૂપમાં રેલ મંત્રાલય દ્વારા વડોદરા–ડભોઇ–કેવડીયા બ્રોડગેજ રેલવે લાઈન નાંખવાનો પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે. નર્મદા જિલ્લામાં તિલકવાડા તાલુકામાં મોરિયા, નવાગામ, મારુંઢીયા મોરી સહિતના ગામોના 50 જેટલા ખેડૂતોની જમીનો આ રેલવે લાઈનમાં ગઈ છે. રેલવે વિભાગે આપેલા વચનો ન પાડ્યા હોવાનો આક્ષેપ તિલકવાડાના ખેડૂતોએ લગાવી જો વહેલી તકે કાર્યવાહી ન થઈ તો આત્મવિલોપનની ચીમકી આપતું આવેદનપત્ર નર્મદા કલેકટરને આપ્યું છે.

તિલકવાડા તાલુકાના બર્કતુલ્લા રાઠોડ, જયદીપ શંકર બારીયા, અલ્તાફ હુસેન ગોરા સાહેબ રાઠોડ સહીત અન્ય ખેડૂતોએ પોતાના આવેદનપત્રમાં જણાવ્યું છે કે નર્મદા કેનાલ જ્યારે અમારી સીમમાં પડી ત્યારે અમારી જમીન સંપાદિત કરાઈ હતી હવે બચેલી જમીન રેલવે લાઈન માટે સંપાદિત કરાઈ છે. અમારી પાસે જીવનનિર્વાહ માટે ઘણી ઓછી જમીન બચી છે. મોરિયા સીમમાં રેલવે જવાથી 30-35 ખેડૂતોને સિમમાં જવાનો રસ્તો બંધ થઈ ગયો છે, અગાઉ રેલવેએ અમને વાયદો કર્યો હતો કે ચોમાસા પેહલા તમને રેલવેની આજુબાજુ RCC રસ્તો બનાવી આપીશું પણ હજુ સુધી રસ્તો બન્યો નથી, અમે આ મામલે રેલવે વિભાગ, નર્મદા કલેકટર અને પ્રાંત અધિકારીને જાન્યુઆરીમાં લેખિત-મૌખિક રજુઆત કરી છે.

(7:22 pm IST)