Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd June 2020

વાપીમાં દુષ્કર્મના આરોપીને પકડવા પોલીસે પહેરી PPE કીટ :આરોપી કોરોના પોઝીટીવ

પત્નીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતાં પતિને ઘરમાં ક્વોરન્ટાઇન કરાયો હતો : પત્નીની ગેરહાજરીમાં પતિએ પાડોશમાં રહેતી સગીરા સાથે દુષ્કર્મ ગુજાર્યું

વલસાડ જિલ્લાના વાપી નજીક મોરાઇમાં રહેતા ઇસમની પત્નીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતાં પતિને ઘરમાં જ ક્વોરન્ટાઇન કરાયો હતો, ત્યારે પત્નીની ગેરહાજરીમાં પતિએ પાડોશમાં રહેતી સગીરા સાથે દુષ્કર્મ આચરતા પોલીસ ફરિયાદ નોંધાઇ હતી.

વાપીના મોરાઈમાં રહેતી એક મહિલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તેને સારવાર માટે વલસાડની સ્પેશિયલ કોવીડ હોસ્પિટલમાં દાખલ કરાઇ હતી. પત્ની કોરોનાગ્રસ્ત થતાં સાથે રહેતા પતિને આરોગ્ય વિભાગ દ્વારા ઘરમાં જ ક્વોરન્ટાઇન કરવામાં આવ્યો હતો. આથી પત્નીની ગેરહાજરીમાં પતિએ પાડોશમાં જ રહેતી એક સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હતું. જોકે પીડિત સગીરાએ પોતાના સાથે થયેલી હકીકતની જાણ પિતાને કરતા પીડિતાના પિતાએ તાત્કાલિક વાપી ટાઉન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી, ત્યારે દુષ્કર્મ આચરનાર નરાધમ રિપોર્ટ પણ કોરોના પોઝિટિવ આવતા ચકચાર મચી ગઇ હતી.

 આરોપીને કોરોના પોઝિટિવ આવતા વાપી ટાઉન પોલીસ પણ ચોંકી ઉઠી હતી. આથી પોલીસે પીપીઈ કીટ પહેરી સગીરા સાથે દુષ્કર્મ આચરનાર કોરોના પોઝિટિવ પતિની ધરપકડ કરી તેને તાત્કાલિક સારવાર અર્થે સ્પેશિયલ કોવિડ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જોકે જે સગીરા પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું, ત્યારે હાલ તેના પરિવારજનોના જીવ પણ અધ્ધર છે.

(7:12 pm IST)