Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd June 2020

મહેસાણાના જેલરોડ સહીત કસ્બા વિસ્તારમાં ઉભરાતી ગટરનો ત્રાસ:લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા

મહેસાણા: શહેરમાં ચોમાસાની સામાન્ય શરૃઆત થતાંની સાથે મહેસાણા નગરમાં ઠેરઠેર ગટરો ઉભરાવાનો સીલસીલો યથાવત રહેવા પામ્યો છે. ભાજપ શાસિત નગરપાલિકાના અણધડ વહિવટથી રહીશો ઉભરાતી ગટરોથી ત્રાહિમામ પોકારી ઉઠયા છે.

મહેસાણા શહેરમાં થોડાક દિવસ અગાઉ ગાયત્રી મંદિર રોડ, રામોસણા રોડ પર ગટરો ઉભરાઈ હતી. જેનુ હજુ નિરાકરણ થયું નથી ત્યારે વધુ બે વિસ્તારોમાં ગટરો ઉભરાવા લાગી છે. જેમાં શહેરના જેલરોડ પર કે જે માર્ગ પર મોટા ભાગે વધુ દવાખાના આવેલા છે. લાયન્સ હોસ્પિટલ અને ર્ડાક્ટર હાઉસના મુખ્ય રોડ પર ગટર ઉભરાતાં ગંદુ પાણી રોડ પર રેલાતા અસહ્ય દુર્ગંધ મારી રહ્યું હતું. લોકોને ગંદા પાણીમાં ચાલવાનો વારો આવ્યો છે. જ્યારે મહેસાણા શહેરના કસબા વિસ્તારમાં કસબા કાજીવાસ, પંખીયાવાસ તમામ વિસ્તારોમાં ગટરોના પાણી ઉભરાયા છે. જેની બદબૂથી રહીશો ત્રાહિમામ પોકારી ઉઠયા છે. જાણવા મળેલ માહિતી મુજબ અગાઉ પાલિકામાં ભાજપ શાસન દરમિયાન ગટરોનું કામકાજ થયેલ છે. જેમાં ગટરોનું લેવલ, સાંકડી, પહોળી ગટરોનું લેવલ જાળવી કોન્ટ્રાક્ટર દ્વારા વેઠ ઉતારવામાં આવી હોવાનું રહીશોમાં ચર્ચાસ્પદ બન્યું છે. જ્યારે જેલ રોડ પર મોટાભાગે દવાખાના હોવાછતાં આરોગ્ય વિભાગની ટીમ પણ આવી ઉભરાતી ગટરોના મામલે નિષ્ક્રીય જણાઈ રહ્યું છે. કોરોના મહામારી વચ્ચે મચ્છરજન્ય રોગચાળો ફાટી નીકળવાની દહેશત સેવાઈ રહી છે.

(6:11 pm IST)