Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd June 2020

ઇડરના પાવાપુરી જૈન તીર્થના બે જૈન સાધુ દ્વારા મંત્ર-તંત્ર અને મેલી વિદ્યાના નામે ડરાવીને મહિલાઓ ઉપર દુષ્‍કર્મ આચરવામાં આવ્‍યુ હોવાના આક્ષેપથી ખળભળાટ

અમદાવાદ: ઈડરના પાવાપુરી જૈન તીર્થના બે જૈન સાધુ દ્વારા તંત્ર, મંત્ર અને મેલી વિદ્યાઓના નામે જૈન અનુયાયી મહિલાઓને ડરાવી દુષ્કર્મ આચરવામાં આવતું હોવાના ગંભીર આક્ષેપો કરતી ફરિયાદ જૈન તીર્થના ટ્રસ્ટી દ્વારા સોમવારે રાત્રે કરવામાં આવી છે.ઈડર પોલીસે આ મામલે ભોગ બનનાર મહિલાઓના નિવદેન નોંધવાની પ્રક્રિયા હાથ ધરી છે.

ઈડરમાં છેલ્લા 31 વર્ષથી સજર્ન તરીકે મેડિકલ પ્રેક્ટિસ કરતા ડૉ આશિત પ્રફુલચંદ્ર દોશી (ઉ,56)એ ઈડર પોલીસ સ્ટેશનમાં મહારાજ સાહેબ કલ્યાણસાગર અને રાજતીલક સાહેબ વિરુદ્ધ ફરિયાદ કરી છે. જે મુજબ ફરિયાદી પાવાપુરી સમ્મેત શીખર તીર્થધામ,સર્વ કલ્યાણ ટ્રસ્ટ અને અષ્ટપદ જલમંદિર ટ્રસ્ટમાં છેલ્લા 12 વર્ષથી ટ્રસ્ટી તરીકે સેવા આપે છે. ટ્રસ્ટીઓની ગેરહાજરીમાં મહારાજ સાહેબ કલ્યાણ સાગર અને રાજતીલક સાગર મહારાજ ટ્રસ્ટનો વહીવટ કરતા હતા.

છેલ્લા એક વર્ષથી ડૉ આશિત સહિતના ટ્રસ્ટીઓને બંને મહારાજ સાહેબો વિરુદ્ધ વ્યભિચારની ફરિયાદો મળી હતી. આ બંને મહારાજ સાહેબો જૈન ધર્મના નૈતિક મૂલ્યોની જીવનચર્યા ની જગ્યાએ સાંસારિક જીવનચર્યા મુજબ રહેતા હતા. બન્ને મહારાજ સાહેબને જૈન ધર્મની સાધુ તરીકે મળેલી ઉપાધીનો દુરુપયોગ કરી મહિલા અનુયાયીઓને જૈન ધર્મ ની ઓથ હેઠળ ધાક ધમકી, તંત્ર મંત્ર, મેલી વિદ્યાથી ડરાવી ધમકાવી મહિલાઓ સાથે શારીરિક સંબંધો બાંધી દુષકૃત્યો આચરતા હોવાની ફરીયાદ ટ્રસ્ટીઓને મળી હતી. આ બાબતે બંને મહારાજ સાહેબોને બોલાવી વાત કરતા તેવોએ કોઈ મહિલાઓ સાથે દુષકૃત્ય ના કર્યાનું જણાવતા તેમને માફ કર્યા હતા.

જોકે ગત તારીખ 3 જાન્યુઆરી રોજ સુરત ખાતે રહેતી મહિલા અનુયાયીએ તેની સાથે મહારાજ સાહેબોએ દુષ્કૃત્ય કર્યાની ફરિયાદ કરી હતી. આ ઘટના ઈડરના પાવાપુરી જૈન તીર્થની પવિત્ર જગ્યામાં આચરવામાં આવી હતી.આ અંગે ટ્રસ્ટીઓને પિડીત પરિવારે વીડિયો અને ફોટા પણ આપ્યા હતા. આ વીડિયો અને ફોટા બંને મહારાજ સાહેબને બતાવતા બંનેએ પોતાના ગુનો સ્વીકાર્યો હતો. આ અંગે ટ્રસ્ટીઓને કલ્યાણજી સાગરે ટ્રસ્ટમાંથી છુટા થતા હોવાનું લેખિત આપી ને મૌખીક જણાવ્યું કે, પોતે સંસારિક જીવન માં પરત ફરી રહ્યા છે. ત્યારબાદ બીજા મહારાજ સાહેબ રાજતીલક સાગરએ ધાર્મિક વડાઓ મારફતે દબાણ કરવી કોઈ કાર્યવાહી ના થાય તેવા પ્રયાસ કર્યા હતા. ડૉ આશિત દોશી અને ડૉ નિકુંજ વોરાને બદનામ કરવાની અને જૈન સમાજમાંથી બહાર મુકવાની અને મેલી વિદ્યા થી બરબાદ કરવાની ધમકી આપી હતી. જો આ બાબતે ફરિયાદ કરી તો અમારા મળતીયાઓ દ્વારા જાનથી મરાવી નાંખીશ તેવી રાજતીલક સાગરએ ધમકી આપી હતી. આખરે ટ્રસ્ટીઓએ આ અંગે ચર્ચા કરી બંને મહારાજ સાહેબો વિરુદ્ધ ફરિયાદ કરી હતી.

ઈડર પોલીસ સ્ટેશનના પીઆઈ પી.એલ.વાઘેલાએ જંણાવ્યું હતું કે, બંને જૈન સાધુઓ વિરુદ્ધ ગુનો દાખલ થયો છે. જેમાં બળાત્કારના આક્ષેપ ફરિયાદી ટ્રસ્ટીએ કર્યા છે. ભોગ બનનાર મહિલાનું સુરત જઈને નિવેદન લેવાની તજવીજ ચાલી રહી છે. મહિલના નિવેદન બાદ આગળની કાર્યવાહી થશે.

ફરિયાદી ડૉ આશિત દોશી એ જણાવ્યું હતું કે, આ મહારાજ સાહેબોએ અન્ય મહિલાઓ સાથે પણ આ પ્રકારની હરકતો કરી છે. હાલમાં એક મહિલાએ અમને લેખિત ફરિયાદ આપી ફોટો અને વીડિયો રાજુ કર્યા હતાં.આ બાબતે અમે વાત કરતા કાર્યવાહી ન કરવા અમને ધમકીઓ મળવા લાગી હતી. આખરે અમે કાર્યવાહીનો નિર્ણય લઈ બન્ને વિરુદ્ધ ઈડર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

(5:15 pm IST)