Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd June 2020

દામનગરના ચકચારી દુષ્‍કર્મ કેસમાં નવો વળાંકઃ તોડપાણી કરવા માટે 45 લાખની માંગણી કરનાર 3 પુરૂષો અને 2 મહિલાઓની સંડોવણી ખુલીઃ 3ની ધરપકડ

અમરેલીઃ દામનગર દુષ્કર્મ કેસમાં બોટાદની એક મહિલાએ 3 સાધુ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી જેમાં એક નવો જ વળાંક આવ્યો છે. લાઠીનાં નારાયણનગર ગામમાં આવેલા સંત દેવીદાસ આશ્રમનાં સાધુ રઘુરામ ભગત, ગઢડા જૂના સ્વામિનારાયણ મંદિરનાં ભાવેશ ભગત અને જગદીશ ભગત વિરૂદ્ધ બોટાદની એક મહિલાએ થોડાંક દિવસ પહેલાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. પરંતુ ગઢડા જૂના સ્વામિનારાયણ મંદિરનાં આ વિવાદમાં એક નવો જ વળાંક આવ્યો છે.

ફરિયાદી મહિલાની મદદ કરવાને નામે તોડપાણી કરતી ગેંગ ઝડપાઇ

આ કેસમાં મહિલાની મદદને નામે તોડપાણી કરતી એક ગેંગે સાધુ પાસેથી 45 લાખ રૂપિયાની માંગણી કરી હતી. જેમાં 3 પુરૂષો અને 2 મહિલાનો સમાવેશ થાય છે. ફરિયાદી મહિલાની જાણ બહાર આ ફરિયાદી મહિલાનો વીડિયો બનાવી 5 શખ્સોએ સાધુઓ પાસે 45 લાખ રૂપિયા માંગ્યા હતાં. આ દુષ્કર્મ કેસમાં તોડ કરવાનો કિસ્સો સામે આવતાં ભારે ચકચાર મચી ગઇ છે. આ મામલે દામનગર પોલીસે 3 પુરુષોની ધકપકડ કરી છે જ્યારે 2 ફરાર મહિલાઓની શોધખોળ ચાલુ છે.

આ મામલે દામનગર પોલીસે 3 શખ્સોની ધરપકડ કરી છે અને 2 ફરાર મહિલાઓની શોધખોળ શરૂ કરી છે. ઉલ્લેખનીય છે કે દામનગરમાં બોટાદની એક મહિલાએ ત્રણ સાધુ સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. બોટાદનાં ગઢડાનાં બે સાધુ જગદીશ ભગત અને ભાવેશ ભગત સાથે લાઠીનાં નારાયણનગરનાં રઘુરામ ભગત સામે ફરિયાદ નોંધાવી હતી. ત્યારે સાધુની ધરપકડ બાદ સાધુ પાસે તોડ કરવા માંગતા અન્ય 3 શખ્સોની પોલીસે ધરપકડ કરી છે.

3 પુરૂષની ધરપકડ અને 2 મહિલાની શોધખોળ શરૂ

અત્રે નોંધનીય છે કે ધરપકડ કરેલા આરોપીઓમાં ઉમરાળાનાં જાળીયા ગામનાં પ્રવીણ રાઠોડ, ઢસા જંક્શનનાં જીજ્ઞેશ મણવર અને ખાંભાનાં દલડી ગામનાં રમેશ મારૂનો સમાવેશ થાય છે. જ્યારે ખાંભાનાં પીપળવા ગામનાં લાભુ મુછડીયા અને બોટાદનાં મીનાબેન ફરાર હોવાંથી પોલીસે તેઓની શોધખોળ હાથ ધરી છે.

આ ઘટનામાં ફરિયાદી મહિલાની જાણ બહાર તેમને મદદ કરવાને બહાને તેનો વીડિયો બનાવી તેની મંજૂરી વગર જ તેને વાયરલ કરી તે ગુનામાં સંડોવાયેલા સાધુઓ પાસેથી 45 લાખની માંગણી કરી હતી. જેથી આ પાંચેય વિરૂદ્ધ કલમ 389, 500, 120 (B), 34 અને 114 હેઠળ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે બોટાદમાં રહેતી એક મહિલાએ દામનગર પોલીસ સ્ટેશનમાં ત્રણ સાધુઓ સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવતા પંથકમાં ભારે તર્કવિતર્ક જોવા મળ્યાં હતાં. મહિલાએ દાખલ કરેલ ફરિયાદમાં દુષ્કર્મની ફરિયાદમાં લાઠીનાં નારાયણનગર ગામનાં એક સાધુ અને ગઢડા જુના સ્વામિનારાયણ મંદિરનાં બે સાધુઓ સામે ગુનો નોંધાવ્યો હતો. મજૂરી કામનાં બહાને નારણગઢ ખાતે સાધુઓ દ્વારા બળાત્કાર ગુજારવામાં આવ્યો હોવાનો મહિલાએ આરોપ લગાવ્યો હતો.

(5:14 pm IST)