Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd June 2020

નીતિનભાઇ પટેલે સ્‍ટેચ્‍યુ ઓફ યુનિટીને જોડતા રસ્‍તાના પેચવર્ક માટે પાંચ કરોડ ફાળવી દીધા છતાં પણ એજન્‍સીના કોન્‍ટ્રાક્‍ટર માર્ગ-મકાન વિભાગના અધિકારીઓને ગાંઠતા નથીઃ ભાજપ સાંસદ મનસુખ વસાવાનો આક્ષેપ

રાજપીપળા: વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી પહોંચવા માટે સરકાર દ્વારા સારા રસ્તાઓ બનાવવાની કામગીરી ચાલુ કરાઈ છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતો અંકલેશ્વરથી ઉમલ્લા અને તવડી સુધીનો રસ્તો ખૂબજ ખરાબ હાલતમાં છે. પ્રવાસીઓને પડતી તકલીફને લઈને ભાજપ સાંસદ મનસુખ વસાવાની રજૂઆતને પગલે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે તાત્કાલિક આ રસ્તાના પેચવર્ક માટે 5 કરોડની ફાળવણી પણ કરી છે. તે છતાં એજન્સીના કોન્ટ્રાકટર માર્ગ-મકાન વિભાગના અધિકારીઓને ગાંઠતા ન હોવાનો ગંભીર આક્ષેપ ભાજપ સાંસદ મનસુખ વસાવાએ કર્યો છે.

ભાજપ સાંસદ મનસુખ વસાવાએ ભરૂચ જિલ્લા કલેકટરને કોન્ટ્રાક્ટરો વિરુદ્ધ લેખિત ફરિયાદ કરતો પત્ર લખ્યો છે. એમણે જણાવ્યું છે કે અંકલેશ્વરથી ઉમલ્લા તવડી સુધીના રોડ કામ કરતી એજન્સી કોર્ટમાં ગઈ છે, એ રસ્તો કોર્ટ મેટર છે. ચોમાસામાં પ્રવાસીઓને તકલીફ ન પડે એ માટે નીતિન પટેલે આ રસ્તાના પેચવર્ક માટે 5 કરોડની ફાળવણી કરી છે. પણ એ રસ્તાનું કામ કરતી એજન્સી માર્ગ-મકાન વિભાગના અધિકારીઓને ગાંઠતી નથી. ગુમાનદેવથી તવડી ગામના રોડ પર માત્ર મેટલના ઢગલા કર્યા છે. લોકડાઉન-વરસાદનું બહાનું કાઢે છે બીજે બધે કામ થાય છે. મેં વારંવાર રજૂઆતો કરી તે છતાં ડામર વાળું પેચવર્કનું કામ હજુ સુધી ચાલુ કર્યું નથી, તો આ મામલે યોગ્ય પગલાં લેવા જણાવ્યું છે.

(5:13 pm IST)