Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd June 2020

વડોદરામાં કોરોના વાયરસનો ખાત્‍મો થાય તે માટે ભગવાનશ્રી જગન્‍નાથજીને પ્રાર્થનાઃ 38 વર્ષ બાદ પ્રથમ વખત રથયાત્રાનું મંદિર પરિસરમાં જ પરિભ્રમણ

વડોદરા: કોરોના વાયરસનો જે રીતે પ્રકોપ જોવા મળી રહી છે તેની અસર રથયાત્રા પર પડી છે. 38 વર્ષ બાદ આજે વડોદરામાં પણ રથયાત્રા નીકળશે નહીં. જો કે સાંજે 4.30 વાગે મંદિર પરિસરમાં જ રથયાત્રા કાઢવામાં આવશે. અત્રે જણાવવાનું કે વડોદરા ઈસ્કોન મંદિર દ્વારા રથયાત્રાનું આયોજન થતું હોય છે.

મળતી માહિતી મુજબ મેયર ડો જિગીષા શેઠ સોનેરી ઝાડુથી રથયાત્રાનો માર્ગ સ્વચ્છ કરી રથયાત્રાને પ્રસ્થાન કરાવશે. સાંસદ, ધારાસભ્યો, કલેકટર, પોલીસ અને મ્યુનિ કમિશનર તે સમયે હાજર રહેશે. આ દરમિયાન ભક્તોને મંદિરમાં પ્રવેશ આપવામાં આવશે નહીં.

રાજ્યકક્ષાના મંત્રી યોગેશ પટેલે કરી પૂજા

રાજ્યકક્ષાના મંત્રી યોગેશ પટેલ વડોદરાના ઈસ્કોન મંદિરે દર્શન માટે પહોંચ્યાં. ત્યાં તેમણે પરિવાર સાથે ભગવાન જગન્નાથની પૂજા કરી. તેમણે કહ્યું કે કોરોના વાયરસનો ખાતમો થાય તેવી ભગવાનને પ્રાર્થના કરી છે. કોરોના વાયરસના કારણે આ વખતે ભગવાન નગરયાત્રાએ નીકળવાના નથી.

અત્રે જણાવવાનું કે કોરોના વાયરસનો પ્રકોપ દિન પ્રતિદિન વધી રહ્યો છે. જેને લઈને અમદાવાદમાં પણ રથયાત્રા કાઢવા માટે મંજૂરી અપાઈ નથી. મોડી રાત સુધી ચાલેલી હાઈકોર્ટની સુનાવણીમાં કોર્ટે રથયાત્રા કાઢવા પર રોક લગાવી જેથી કરીને આજે વર્ષો જૂની પરંપરા તૂટી અને રથને મંદિર પરિસરમાં જ પરિક્રમા કરાવવામાં આવ્યાં.

(5:12 pm IST)