Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd June 2020

લોકોની રોટી, કપડા, મકાનની જરૂરીયાત સંતોષવા સરકારના પ્રયાસો : કૌશિક પટેલ

ગાંધીનગર સત્તા મંડળ નિર્મિત ૩૯૨ આવાસોના ડ્રો પ્રસંગે સંબોધન

ગાંધીનગરમાં મહેસુલ મંત્રી કૌશિક પટેલની હાજરીમાં આવાસ ફાળવણીનો કોમ્પ્યુટરાઇઝ ડ્રો યોજાયેલ તે પ્રસંગની તસ્વીર.

ગાંધીનગર તા. ૨૩ : સામાન્ય માનવીની પ્રાથમિક જરૂરિયાત એવા રોટી-કપડાં –મકાનને સંતોષવા મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રીશ્રી નીતીનભાઇ પટેલના નેતૃત્વમાં રાજય સરકારે ઘનિષ્ઠ પ્રયાસો કર્યા છે. આર્થિક રીતે નબળા વર્ગના લોકોને ગમે અને રહેવાનું મન થાય તેવા આધુનિક સ્ટાન્ડર્ડ ધરાવતા આવાસોના નિર્માણનું આયોજન કરીને ૨૭૩૬ આવાસો ૩૩૩ કરોડના ખર્ચે નવ નિર્માણ પામ્યા છે. એમ રાજયના મહેસુલ મંત્રીશ્રી કૌશિકભાઇ પટેલે ગઇકાલે ગાંધીનગર શહેરી સત્તા મંડળ દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત આર્થિક રીતે નબળા વર્ગના લોકો માટેની આવાસ યોજનાના કુડાસણ અને સરગાસણમાં તૈયાર થનાર ૩૯૨ આવાસો માટે યોજાયેલ કોમ્પ્યુટર ડ્રો કરતાં જણાવ્યું હતું.

શહેરી સત્તા મંડળના સચિવે જણાવ્યું કે, પ્રત્યેક આવાસનો કાર્પેટ એરિયા ૩૪.૩૬ ચો.મી.ના બાંધકામમાં લિવિંગ રૂમ, બેડ રૂમ કિચન, વોશ એરિયા, બાથરૂમ અને ડબલ્યુ સી.નો સમાવેશ થાય છે. આવાસની કિંમતમાં જમીનની કિંમત ન લેતાં ફાળવવામાં આવનાર પ્રત્યેક આવાસની કિંમત રૂ.૮.૫૦ લાખ છે. આ આવાસ ૭ મજલાનું આર.સી.સી. ફ્રેમ પ્રકારનું બાંધકામ ધરાવે છે. 

પ્રધાનમંત્રી આવાસ યોજના EWS ના યોજાયેલ કોમ્પ્યુટરાઇઝ ડ્રો ના કાર્યક્રમમાં ગાંધીનગર મહાનગર પાલિકાના મેયર શ્રીમતી રીટાબેન પટેલ, ગાંધીનગર શહેરી સત્તા મંડળના ચેરમેન અને મ.ન.પા.ના કમિશનર શ્રીમતી રતનકંવર ગઢવીચારણ, શહેરી ગૃહ નિર્માણના સચિવશ્રી લોચન શહેરા, મુખ્ય કારોબારી અધિકારીશ્રી અમિત પ્રકાશ યાદવ, તેમજ શહેરી સત્તા મંડળના સભ્યો, નાયબ કલેકટરશ્રી તેમજ લાભાર્થી  ઉપસ્થિત રહ્યા હતા. આભાર વિધિ શ્રી સંજયભાઇ પટેલે કરી હતી.

(3:04 pm IST)