Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd June 2020

સુરતના ગોકુલભાઇ રાજાણી સાથે રૂ. ૧૧ લાખની ઓનલાઇન ઠગાઇઃ ગોંડલનો વસીમ તૈલી ઝડપાયો

ફેસબૂક પર લલચામણી પોસ્ટ આવી..રોકાણ કરવાથી રોજના પાંચથી છ ટકાનો નફો! : વસીમે પોતાનું નામ અવિનાશ ગુપ્તા રાખી કાવત્રુ પાર પાડ્યું: તેના સાગ્રીત તરીકે દાનીશનું નામ ખુલતાં શોધખોળ

સુરત તા. ૨૩: ઓનલાઇન છેતરપીંડીના અસંખ્ય કિસ્સાઓ રોજબરોજ સામે આવતા રહે છે. લોકોને ઓનલાઇન ગઠીયાગીરી કરતી ટોળકીથી ચેતવા અને સાવચેત રહેવા સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા સતત સુચનાઓ આપવામાં આવતી રહે છે. આમ છતાં લોકો ભોળવાઇ જઇ ગઠીયાઓની જાળમાં ફસાય જાય છે. સુરતનો એક યુવાન ફેસબૂક પર ફોરેકસ ઇન્વેસ્ટમેન્ટમાં રોકાણ કરવાથી રોજના પ થી ૬ ટકા નફો મળશે તેવી લલચામણી સ્કીમની વિગતો જાણી રોકાણ કરવા લલચાતા રૂ. ૧૧ લાખ ૧૦ હજાર ગુમાવવાની વેળા આવી હતી. આ ગુનાનો સુરત સાયબર ક્રાઇમની ટીમે ભેદ ઉકેલી મુળ ગોંડલના હાલ રયાન પેલેસ સૈયદપુરામાં રહેતાં વસીમ સુલ્તાનભાઇ તૈલીને દબોચી લઇ વિશેષ તપાસ હાથ ધરી છે. તેના સાગ્રીતનું પણ નામ ખુલ્યું છે.

વરાછા યોગેશ્વર સોસાયટીમાં રહતા ગોકુલભાઇ ધીરૂભાઇ રાજાણીના ફેસબુક પર જાહેરાત આવી હતી. તેમાં ગઠિયાએ પોતાનું નામ અવિનાશ ગુપ્તા બતાવીને ફોરેકસ ઇન્વેસ્ટમેન્ટમાં રોકાણ કરવાથી રોજના ૫ થી ૬ ટકા નફો મળશે એવી લાલચ આપી હતી. ગોકુલને આ સ્કીમમાં રસ પડતાં તેણે પોતાને ફેસબૂક પોસ્ટ મોકલનાર અને પોતાને અવિનાશ તરીકે ઓળખાવનારનો સંપર્ક કરી સ્કીમની માહિતી મેળવી હતી. એ પછી એ ગઠીયાએ ખાતુ ખોલવા માટે ગોંડલની બેંક ઓફ બરોડામાં શ્રી એન્ટરપ્રાઇઝ નામના એકાઉન્ટમાં રૂ. ૬ લાખ ૯૫ હજાર જમા કરાવવા કહેતાં ગોકુલે વિશ્વાસ રાખી આ રકમ ઓનલાઇન જમા કરાવી દીધી હતી.

એ પછી ગઠિયાએ ગોકુલને કહ્યું  હતું કે,તેના નામે ૨૫ હજાર ડોલર ક્રેડિટ થઈ ગયા છે અને રૂપિયા વિડ્રો કરાવવાના બહાને વધુ ૪.૧૫ લાખ ભરવા પડશે. આથી ગોકુલે આ રકમ પણ શ્રી એન્ટરપ્રાઇઝના ખાતામાં જમા કરાવી દીધી હતી. આમ કુલ૧૧.૧૦ લાખ પડાવી લીધા હતા.

 ત્યાર બાદ અવિનાશે ગોકુલનો ફોન ઉપાડવાનો બંધ કરી દીધો હતો. ગોકુલને છેતરાયાની ખબર પડતાં સુરત સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા પોલીસે ફોન નંબર અને એકાઉન્ટ નંબરના આધારે તપાસ કરતા આરોપીની ઓળખ વસીમ સુલતાન તૈલી (ઉ.૨૧-રહે.રયાન પેલેસ,સૈયદપુરા. મૂળ ગોંડલ) તરીકે થઈ હતી. હાલમાં તે ગોંડલમાં હોવાની માહિતી મળતા પોલીસ તેને ગોંડલથી પકડી લીધો છેે. વસીમ સાથે આ કાવત્રામાં દાનીશ નામનો શખ્સ પણ સામેલ હોવાનું ખુલ્યું છે. છેતરપીંડીથી મેળવેલી રકમ પણ દાનીશના એકાઉન્ટમાં જમા થઇ છે. પોલીસ હવે દાનીશને શોધી રહી છે. વસીમ પોતે અવિનાશ બનીને વાત કરતો હતો.

(12:16 pm IST)