Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd June 2020

બાપુનો પ્રજાશકિત મોરચો - દંડા સેના બતાવશે વિપક્ષી તાકાત

બે - ત્રણ દિવસમાં પેટ્રોલ - ડીઝલના ભાવવધારા સામે રાજ્યના દરેક જિલ્લામાં થશે વિરોધી દેખાવો : એનસીપીના સંગઠનમાંથી રાજીનામા આપનાર ૧૦ વડિલોની બનશે કમિટિ : શકિત દળ વધુ આક્રમક બનશે : આવનારી પેટા ચૂંટણીમાં ઝુકાવશે

રાજકોટ તા. ૨૩ : જયંત બોસ્કીને ફરીથી એન.સી.પી.ના પ્રદેશ પ્રમુખ બનાવતા નારાજ થયેલા પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ ગઇકાલે વિધિવત એન.સી.પી. છોડયા બાદ હવે પ્રજાશકિત મોરચાના બેનર હેઠળ એક મજબૂત વિપક્ષી તાકાત બતાવવાની કાર્યવાહી આરંભી દેવાઇ છે. તૂર્તમાં બબલદાસ પટેલ સહિત ૧૦ પીઢ આગેવનોની એક વર્કીંગ કમિટિનું ગઠન થશે. શકિત દળ વધુ તાકાતથી મેદાનમાં આવી એક 'દંડા સેના' ઉભી કરશે. જો કે ત્રણ દિવસમાં રાજ્યના તમામ જિલ્લા અને તાલુકા કક્ષાએ પ્રજાશકિત મોરચો પેટ્રોલ - ડીઝલના અસહ્ય ભાવ વધારા સામે દેખાવો યોજશે.

૮૦ વર્ષીય પરંતુ યુવાનોને શરમાવે તેવી સક્રિયતાથી ભરપૂર પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહજી વાઘેલા વધુ તાકાત અને સંગઠન સાથે રાજ્ય સરકાર તથા કેન્દ્ર સરકાર સામે મજબૂત વિપક્ષી ભૂમિકા ભજવવા કટીબધ્ધ હોવાનું જણાવી બાપુના નિકટતમ સૂત્રો જણાવી રહ્યા છે કે તૂર્તમાં આવનારી પેટા ચુંટણીઓ તથા સ્થાનિક સ્વરાજ સંસ્થાઓની ચુંટણીમાં પ્રજાશકિત મોરચાના કે રાજ્યના નાગરિકો તથા એન.સી.પી.માંથી રાજીનામા આપનાર આગેવાનો તથા કાર્યકરો જે નામ સાથે મેદાને પડયાનું સૂચવશે તે બેનર હેઠળ બાપુ સરકારની નિષ્ફળતાઓ ઉજાગર કરવા ખભ્ભા ઉચકશે.

રાજ્યના તમામ રાજકીય પાર્ટીમાં મહત્વના હોદ્દા ભોગવી ચુકનાર અને તમામ રાજકીય પક્ષોનું રાજકીય પાણી માપી ચુકેલા ૮૦ વર્ષીય શંકરસિંહજી વાઘેલા ૫૦ વર્ષના રાજકારણમાં પાંચ પાર્ટીઓને નૈતિકતા માટે છોડી ચુકયા છે અને હવે એક નવા રાજકીય મોરચા સાથે ગુજરાતના રાજકારણમાં લોકોના પ્રશ્ને લડવા મેદાનમાં આવશે.

બાપુના અંગત વર્તુળોના જણાવ્યા મુજબ ગુજરાતમાં એન.જી.ઓ તથા સામાજીક સંસ્થાઓમાં જેઓનું મહત્વનું યોગદાન રહેલું છે તેવા ડીલ ચહેરાઓ તથા રાજકીય આગેવાનોની તાકાતના પ્રજાશકિત મોરચાના એકત્રીત કરાશે અને ૧૦ વડીલ ચહેરાઓની એક કમિટિ બનાવીને પ્રજાશકિત મોરચો આ અઠવાડિયાથી જ કાર્યરત બની જશે.

એન.સી.પી.માંથી રાજીનામા આપનાર તમામ શહેર - જિલ્લા અને તાલુકા સંગઠનો પ્રજાશકિત મોરચામાં કાર્યરત થશે. આ ઉપરાંત બાપુના શકિતદળની ગત બે - ત્રણ દિવસ દરમિયાન મહત્વની બેઠકો મળી ગઇ હતી અને તૂર્તમાં શકિતદળની મજબૂત 'દંડા સેના' લાઠી અને યુનિફોર્મ સાથે કાર્યરત બનીને લોકોના પ્રશ્ને લડત માટે મેદાને પડશે.

બે-ત્રણ દિવસમાં જ રાજ્ય વ્યાપી પેટ્રોલ - ડીઝલ માટે દેખાવો અને ધરણા યોજવામાં આવશે.

વિધાનસભાની પેટાચુંટણીઓ તથા મહાનગરપાલિકા, સુધરાઇ, જિલ્લા પંચાયતોની તમામ ચુંટણીમાં પ્રજાશકિત મોરચો તમામ તાકાત સાથે ઝુકાવશે.

સૂત્રોના જણાવ્યા મુજબ પ્રજાશકિત મોરચો કે પછી ગુજરાતવાસીઓ તથા બાપુના સમર્થકો જે નામ નક્કી કરે તે બેનર હેઠળ મજબૂત સંગઠન તથા વ્યવસ્થિત પ્લાનીંગ સાથે બાપુની પાર્ટી રાજકીય મેદાનમાં ઉતરશે.

(11:43 am IST)