Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd June 2020

અનેક વણાંકો...ઉત્તેજના...આતુરતા બાદ 'હાઇકોર્ટ ઇચ્છા બળવાન '

અમિતભાઇ શાહ-નીતિનભાઇ પટેલ હાજર ન રહયાઃ રથયાત્રા માટે કફર્યુ લાદવાની તૈયારીઓ હતીઃ પ્રદીપસિંહ જાડેજા આખી રાત મંદિરમાં ઉપસ્થિત : અમદાવાદની એતિહાસિક રથયાત્રા પહેલા ઘણું ઘણું રંધાયુ : સુપ્રિમ કોર્ટે ઓરીસ્સાની રથયાત્રા સંદર્ભે લીધેલા નિર્ણય બાદ હિન્દુ સંગઠનો કોઇ પણ ભોગે રથયાત્રા કાઢવા મક્કમ હતાઃ છેલ્લી ઘડીએ ગૃહમંત્રી-ડીજીપી શિવાનંદ ઝા અને પોલીસ કમિશ્નર આશિષ ભાટિયા સાથે મંદિરના મહંત-ટ્રસ્ટીઓની બેઠકના પગલે ઘીના ઠામમાં ઘી પડયું

રાજકોટ, તા., ૨૩: છેલ્લા ઘણા દિવસથી અમદાવાદની ઐતિહાસિક રથયાત્રા અર્થાત ભગવાન જગન્નાથજી નગરચર્યાએ નિકળશે કે કેમ? તેવી અવઢવ વચ્ચે મંદિર પરિસરમાં લોખંડી બંદોબસ્ત વચ્ચે રથો ફર્યા પરંતુ તે અગાઉ ગઇકાલ મધરાતથી જ આજે રથો ફર્યા ત્યાં સુધી અનેક વણાંકો અને છેલ્લી ઘડીની બેઠકો અને ઉતેજના રહયા બાદ 'હાઇકોર્ટ ઇચ્છા બળવાન' કરવાનું તંત્રએ મન મનાવ્યું. પત્રકારો દ્વારા આવી છેવટ સુધીની અર્નિર્ણીયતા અંગેના પ્રશ્નોમાં  ગૃહમંત્રીએ 'જય જગન્નાથ' જેવા ઉતર આપ્યા હતા.

ધાર્મિક પરંપરા મુજબ મંદિરમાં મંગળા આરતી થઇ પરંતુ કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ શાહે હાલની કોવીડ-૧૯ જેવી પરિસ્થિતિમાં ઉપસ્થિત ન રહેવાનું યોગ્ય માન્યું. એક એવી પણ ચર્ચા છે કે આઇબીએ પણ તેઓ હાજર ન રહે તે પ્રકારનો રીપોર્ટ આપ્યો હતો. આમ કેન્દ્રીય ગૃહમંત્રી ગેરહાજર રહેતા રાજયકક્ષાના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાને મંગળા આરતીનો લાભ મળ્યો હતો. અત્રે યાદ રહે કે હાઇકોર્ટમાં સમગ્ર મામલો જતા અને નિર્ણય મોડી રાત્રે આવે તેમ હોય પ્રદીપસિંહ જાડેજા આખી રાત મંદિરમાં હાજર રહયા હતા. સવારે મંગળા આરતી બાદ ઘેર ગયા હતા.

સુપ્રિમ કોર્ટ દ્વારા ઓરીસ્સાની રથયાત્રા માટે કફર્યુ સહિતની શરતો માટે મંજુરી અપાયાના પગલે  અમદાવાદ જગન્નાથ મંદિરના મહંત તથા ટ્રસ્ટીઓ પણ ભકતોની લાગણી ધ્યાને લઇ રથયાત્રા નિકળે તેવી માંગણી કરી. મુખ્યમંત્રીએ પણ હાઇકોર્ટમાં સરકારનો પક્ષ રાખી ઓરીસ્સા પેટન મુજબ મંજુરી આપવા રજુઆતો કરાવી. મુખ્યમંત્રીએ  એક તબક્કે કફર્યુ લાદી રથયાત્રા કાઢવા હાઇકોર્ટમાં ખાત્રી અપાવેલ. પરંતુ હાઇકોર્ટે  તમામ અરજીઓ અમાન્ય રાખી હતી. એક જ દિવસમાં આ રીતે ૪ અરજીઓ ફકત ગણત્રીની મીનીટોમાં કાઢી નાખી હતી. હિંન્દુ સંગઠનો વગેરે દ્વારા પણ રજુઆતો થઇ હતી.

જગન્નાથ મંદિરમાં આરતીમાં ગયેલા મુખ્યમંત્રી સમક્ષ રથયાત્રાની રજુઆતના પગલે રાત્રે ૯ વાગ્યે મંજુરી માંગતી અરજી કરી સુનાવણી તાત્કાલીક કરવા વિનંતી કરી હતી. રથયાત્રાને કોઇ સંજોગોમાં મંજુરી મળે તો તે માટે પોલીસ તંત્રને યુધ્ધના ધોરણે તૈયાર રહેવા પણ જણાવાયાનું બહાર આવ્યું છે. નાયબ મુખ્યમંત્રી નિતીનભાઇ પટેલ પણ પહીંદ  વિધિમાં હાજર રહયા ન હતા. એવું માનવામાં આવે છે કે કોવીડ-૧૯ જેવી પરિસ્થિતિમાં આરોગ્ય મંત્રી જેવા જવાબદાર મંત્રી તરીકે ભીડવાળી જગ્યાએ હાજર રહે તો જુદા મેસેજ જવાની શકયતા હોવાથી હાજર રહેવાનું મુનાસીબ માન્યુ ન હતું.

(11:43 am IST)