Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd June 2020

અમદાવાદમાં ૧૪૩ વર્ષે પરંપરા તૂટીઃ ભગવાન જગન્નાથજીનો રથની મંદિરમાં જ પ્રદક્ષિણાઃ દર્શન માટે ભાવિકોની ભીડ

વિજયભાઈએ સોનાની સાવરણીથી રથ સાફ કરી પહિંદવિધિની પરંપરા નિભાવીઃ હાથી-ઘોડા પાલ કી, જય કનૈયા લાલ કી, જય રણછોડ-માખણ ચોર...ના નાદ સાથે ભકતો દર્શને ઉમટ્યા : રથયાત્રા ઉપર કોરોનાની અસર જોવા મળીઃ ભગવાન જગન્નાથ, ભાઇ બલરામ અને બહેન સુભદ્રા ઇતિહાસમાં પહેલી વાર નગરચર્યા માટે ન નીકળાઃ માત્ર મંદિરમાં જ રથ ફર્યા

રાજકોટ, તા. ૨૩ : અમદાવાદમાં રથયાત્રા નીકળશે કે કેમ ? તેવી અવઢવનો અંત આણી તંત્રએ હાઈકોર્ટના આદેશ મુજબ મંદિર પરિસરમાં જ રથો ફેરવ્યા હતા. મંગળા આરતી રાજયના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા દ્વારા કરવામાં આવ્યા બાદ મહંત દિલીપદાસજી દ્વારા રથો મંદિર પરિસરમાં લાવવામાં આવ્યા હતા. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા સોનાની સાવરણીથી રથ સાફ કરી પહિંદવિધિ કરવામાં આવી હતી.

પહિંદવિધિ બાદ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ રથયાત્રા સંદર્ભે હાઈકોર્ટમાં રાજય સરકાર દ્વારા થયેલી કાર્યવાહીની વિગતો વર્ણવતા જણાવેલ કે, હાઈકોર્ટમાં રાજય સરકારે રથયાત્રા નીકળે તે માટે કર્ફયુ લાદવા સુધીની તૈયારીઓ કરવાની ખાતરી આપ્યાનું જણાવેલ.  ભારે લોખંડી પોલીસ બંદોબસ્ત વચ્ચે મંદિર પરિસરમાં રથો ફર્યા હતા. એક તબક્કે રથોને મુખ્ય દ્વાર સુધી લઈ જવાની માંગણી થઈ હતી. જો કે આ માંગણી સ્વીકારવામાં ન આવી હતી. બહાર ભકતોના ટોળેટોળા જમા થયા હતા. પરિસ્થિતિએ નવો વળાંક લેતા ઉચ્ચ કક્ષાની બેઠક પણ યોજવામાં આવી હતી. જેમાં ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા, રાજયના પોલીસ વડા શિવાનંદ ઝા, પોલીસ કમિશ્નર આશિષ ભાટીયા સહિતના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. સોશ્યલ ડિસ્ટન્સનો પાલન કરાવવાની મહત્વની જવાબદારી અમદાવાદ એસઓજી ક્રાઈમ બ્રાન્ચના ડીસીપી ડો. હર્ષદ પટેલ દ્વારા નિભાવવામાં આવી હતી. આમ અનેકવિધ અટકળો, અનુમાનો અને અવનવા વળાંકો વચ્ચે રથો મંદિર પરિસરમાં ફર્યા હતા.

(2:58 pm IST)