Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd June 2020

વડોદરા MS યુનિ.દ્વારા કરાયો અભ્યાસ

જુલાઇ સુધીમાં કોવિડ-૧૯ના ૧૦.૬૪ લાખ કેસઃ મૃત્યુઆંક ૩૨૦૦૦: ગુજરાતમાં કેસ હશે ૪૯૦૦૦ ઉપર

વડોદરા, તા.૨૩: MS યુનિવર્સિટીના આંકડા વિભાગ દ્વારા પ્રકાશિત કરાયેલા એક અભ્યાસ મુજબ જુલાઈ સુધીમાં દેશમાં કોવિડ -૧૯ પોઝિટિવ કેસ લગભગ ૧૦.૬૪ લાખ જયારે મૃત્યુઆંક ૩૨,૦૦૦ ની આસપાસ પહોંચી શકે છે. વ્યાપકપણે ઉપયોગમાં લેવામાં આવતા ઓટો-રેગ્રેસિવ ઇન્ટિગ્રેટેડ મૂવિંગ એવરેજ (ARIMA) મોડેલનો ઉપયોગ કરીને કરવામાં આવેલા આ અધ્યયનમાં એ પણ બતાવવામાં આવ્યું છે કે ગુજરાતમાં જુલાઈ સુધીમાં કોરોના પોઝિટિવ કેસ ૪૮૭૯૬, મૃત્યુઆંક ૨૬૯૫ અને ડિસ્ચાર્જની સંખ્યા ૩૬૩૧૦ સુધી પહોંચવાની ધારણા છે.

ARIMA મોડેલનો સંશોધનકારો દ્વારા ચાઇના, થાઇલેન્ડ, દક્ષિણ કોરિયા, ઈરાન, ઇટાલી અને બ્રાઝિલમાં કેસની આગાહી માટે સફળતાપૂર્વક ઉપયોગ કરવામાં આવ્યો છે. તેવું ડો. ખીમ્યા ટીનાનીએ જણાવ્યું હતું જે પ્રોફેસર કે. મુરલીધરન સાથે મળીને એમએસસીના વિદ્યાર્થી આકાશ દેશમુખ, ભાગ્યશ્રી પાટિલ, તન્વી સલાટ અને રાજેશ્વરી રાજોડિયાને માર્ગદર્શન આપતા હતા.

ભારતના હોટસ્પોટ રાજયોમાં કોવિડ -૧૯ કેસોનું વિશ્લેષણ અને આગાહી સ્ટેટિસ્ટિકસ અને એપ્લિકેશના જર્નલ (UGC કેર લિસ્ટેડ જર્નલ)માં પ્રકાશિત કરવામાં આવ્યું છે. પ્રોફેસર કે. મુરલીધરને જણાવ્યું હતું કે, અગાઉ ARIMA મોડેલનો ઉપયોગ અન્ય ઘણા વાયરલ ઇન્ફેકશન, ફલૂ અને HIV-AIDS માટે પણ થતો હતો. આગાહી મુજબ ૩૧ જુલાઈ સુધીમાં દેશમાં પુષ્ટિ થયેલા કેસની સંખ્યા ૧૦,૬૪,૧૪૨, મૃત્યુઆંક ૩૨,૨૭૮ અને ડિસ્ચાર્જની સંખ્યા ૬,૯૦,૪૯૬ હશે.

પ્રોફેસર કે. મુરલીધરને જણાવ્યું હતું કે હાલના વલણને જોતા દૈનિક ધોરણે ૧.૫ ટકાનો વધારો થઈ રહ્યો છે, જો તેને અટકાવવામાં નહીં આવે તો આ વધારો ચાલુ રહેશે. તેમણે ઉમેર્યુ કે, પીક કેસો ૧૫ જુલાઈથી ૧૫ ઓગસ્ટ દરમિયાન સામે આવશે. મોડેલની એકયુરેલી તપાસવા માટે આગાહીનો પ્રથમ રાઉન્ડ ૧૫ એપ્રિલથી ૨૫ એપ્રિલ દરમિયાન કરવામાં આવ્યો હતો. આ માટે આંકડાશાસ્ત્રીઓ ૩૦ જાન્યુઆરીથી ૧૪મી એપ્રિલ વચ્ચેના સમયગાળાના ડેટાને આધાર તરીકે ઉપયોગ કરતા હતા.

ડોે. ટીનાનીએ જણાવ્યું કે, આગાહીના પ્રથમ રાઉન્ડ પછી અમે આગાહી કરેલી સંખ્યાઓને વાસ્તવિક સંખ્યા સાથે સરખામણી કરીને મોડલની એકયુરેસી ચકાસી હતી. ૩૦ જાન્યુઆરીથી ૨૦ જૂન દરમિયાનના ઉપલબ્ધ ડેટાના આધારે હવે નવી આગાહી કરવામાં આવી છે.

(10:19 am IST)