Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd June 2020

મર્ડર મિસ્ટ્રીનો ગણતરીની કલાકોમાં ભેદ ઉકેલાયો : સાવકા પિતા સાથે મળીને દીકરીઓએ કરી સગી માતાની હત્યા

મૃતકનો ઝઘડાખોર સ્વભાવ કારણભૂત બન્યાનું પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્યું

અમદાવાદ: અમરાઈવડીના હાટકેશ્વર વિસ્તારમાં બે દીકરીઓ સાવકા પિતા સાથે મળીને સગી માતાની હત્યા કરી નાખતા પોલીસ અધિકારીઓ ચોંકી ગયા હતા. જોકે હત્યાના આ ગુનામાં પ્રથમ તો સાવકા બાપનું નામ ખુલ્યું હતું. પોલીસે ગણતરીના કલાકોમાં આ મર્ડર મિસ્ટ્રીનો ભેદ ઉકેલી મૃતકની હત્યામાં સગી બે દીકરીઓની સંડોવણી હોવાનું શોધી કાઢ્યું હતું. હત્યાના આ બનાવમાં મૃતકનો ઝઘડાખોર સ્વભાવ કારણભૂત બન્યાનું પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે.

બનાવની વિગત મુજબ હાટકેશ્વર વિસ્તારમાં રહેતી પ્રિયંકાએ 20 વર્ષ અગાઉ પહેલા લગ્ન કર્યા હતા. પહેલા પતિથી પ્રિયંકાને બે પુત્રી અને એક પુત્ર એમ 3 સંતાન હતા. જોકે પતિ સાથે મનમેળ ના રહેતા પ્રિયંકા બાળકો સાથે અલગ રહેતી હતી. આ દરમિયાન પ્રિયંકાને ગિરીશ પરમાર સાથે પ્રેમ થતાં બંને લિવ ઈન માં જોડે રહેતા હતા. ગિરીશથી પ્રિયંકાને 2 વર્ષનો પુત્ર હતો. જોકે ગિરીશ અને પ્રિયંકા વચ્ચે તકરાર થતાં તે ઘર છોડી બીજે રહેતો હતો.

દરમિયાનમાં પ્રિયંકાની મોટી પુત્રીએ રવિવારે તેની માસીને ફોન કરી જાણ કરી કે, શનિવારે રાત્રે ગિરીશ ઘરે આવ્યો અને મારઝૂડ કરીને ગળે ટૂંપો દઈ માતાની હત્યા કરી નાંખી છે. બનાવને પગલે મૃતક પ્રિયંકાની બહેનએ સ્થળ પર જઈ પોલીસને જાણ કરી હતી. અમરાઈવાડી પોલીસની તપાસમાં પ્રિયંકાની હત્યામાં તેની બે પુત્રી પણ સંડોવાયેલી હોવાનું ખુલ્યું હતું. પોલીસે આરોપી ગિરીશ અને પ્રિયંકાની બન્ને પુત્રીની પૂછપરછ કરી હતી.

પોલીસ તપાસમાં ખૂલેલી વિગત મુજબ મૃતકના ઝઘડાળું સ્વભાવથી પરિવારજનો પરેશાન હતા. મૃતક પ્રિયંકા તેની મોટી પુત્રીને પતિ સાથે જવા દેતી ન હોવાથી તે માતાથી નારાજ હતી. મોટી પુત્રીએ નાની પુત્રીને માતાની હત્યા કરવા સાવકા બાપ ગિરીશને સાથ આપવા માટે સમજાવી હતી. જોકે પોલીસની તપાસમાં આ મર્ડર મિસ્ટ્રી ગણતરીના કલાકોમાં ઉકેલાઈ ગઈ હતી. અમરાઈવાડી પોલીસે આ અંગે હત્યાનો ગુનો નોંધી તમામ સંડોવાયેલા લોકો વિરુદ્ધ કાર્યવાહી કરી છે.(મૃતકનું નામ બદલ્યું છે, તેની પુત્રીઓના નામ ગુપ્ત રાખ્યા છે.)

(11:04 pm IST)