Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd June 2020

અમેરિકામાં અભ્યાસ કરતી યુવતી પાસે 20 લાખની ખંડણી માંગવા પ્રકરણમાં ફેક્ચર ગેંગના સૂત્રધારનો સાગરીત સહીત ત્રણ ઝડપાયા

કોર્ટ મેરેજ કર્યા બાદ યુવતીએ સબંધ કાપી નાખતા વારંવાર ફોન કરીને ધમકી આપી 20 લાખ માંગ્યા

અમદાવાદ: વડોદરાના હરણી પોલીસ સ્ટેશનમાં અમેરિકામાં બાયો કેમેસ્ટ્રીનો અભ્યાસ કરતી યુવતીને બ્લેકમેઇલ કરી 20 લાખ રૂપિયાની ખંડણી માગવાના પ્રકરણમાં પોલીસે ત્રણ આરોપીને ઝડપી લીધા છે. પકડાયેલા આરોપીમાં દુર્ગેશ પટેલ અમદાવાદની કુખ્યાત ફેકચર ગેંગના સુત્રધાર સાથે ઘરોબો ધરાવે છે.

બનાવની વિગત મુજબ વડોદરામાં રહેતી યુવતીએ બ્રિજેશ પટેલ સાથે કોર્ટ મેરેજ કર્યા હતા. યુવતીને વધુ અભ્યાસ માટે પરિવારે અમેરિકા ખાતે મોકલી હતી. કોર્ટ મેરેજ બાદ બ્રિજેશની ચાલચલગત યોગ્ય ન લાગતા યુવતીએ તેની સાથેના સંબંધો કાપી નાખ્યા હતાં. આરોપી બ્રિજેશ અવારનવાર યુવતીને ફોન કરી બ્લેકમેઇલ કરી પૈસા માગવતો તેમજ મને અમેરિકા ક્યારે બોલાવે છે તેમ જણાવતો હતો. યુવતીને ફોન પર આરોપી બ્રિજેશ અપશબ્દો બોલી સતત ફોન પર ધમકી આપતો હતો. યુવતીએ આ બાબતે તેની માતાને વાત કરી હતી. માતાએ ફોન નબર બદલી નાખવાનું કેહતા યુવતીએ તેમ કર્યું હતું

 . જોકે આરોપી બ્રિજેશ યુવતીના વડોદરા સ્થિત ઘરની આસપાસ આંટા મારતો અને બિભસ્ત વર્તન કરતો હતો. યુવતીની માતાને બ્રિજેશે ધમકી આપી હતી કે સમાજમાં બદનામ કરી નાંખીશ. યુવતીની માતા ધમકીઓને વશ થયા ન હતા. દરમિયાનમાં ગત તારીખ 16મી જૂનના રોજ તેઓ પર બપોરે ધમકીભર્યા વોઈસ કોલ અને મેસેજ આવ્યા હતા. જેમાં હું ઈશ્વર રબારી કેન્યાથી બોલું છું,તેમ કહી તારી છોકરીના મામલે સમાધાન કરવું હોય તો હું મોકલું તે માણસને રૂ.20 લાખ આપી દેજે. નહીતો તમને સમાજમાં બદનામ કરી દઈશું તમારા વ્હોટસ એપ મેસેજ વાયરલ કરીશું.

 

 યુવતીની માતાએ આ મુદ્દે હરણી પોલીસને જાણ કરતા આરોપીઓને પાંચ લાખ આપવાનું કહી પોલીસે છટકું ગોઠવ્યું હતું. જે પૈસા લેવા માટે ફોર્ચ્યુનર કારમાં આવેલા દશરથ ભલા દેસાઈ રહે, સહવાસ ટેનામેન્ટ,ઓઢવ અને દુર્ગેશ કનુભાઈ પટેલ કલાકુંજ સોસાયટી,ઓઢવની પોલીસે ધરપકડ કરી હતી. બંને આરોપીઓની પૂછપરછમાં યુવતીના સાથે કોર્ટ મેરેજ કરનાર બ્રિજેશ મયુર પટેલએ આ કાવતરું ઘડયાનું ખુલ્યું હતું. પોલીસે આરોપી બ્રિજેશની પણ પાછળથી ધરપકડ કરી હતી.

  પકડાયેલા આરોપીમાં દુર્ગેશ પટેલ ઓઢવ વિસ્તારની કુખ્યાત ફેક્ચર ગેંગ સાથે ઘરોબો ધરાવે છે. ફેકચર ગેંગના ત્રાસથી એક સમયે સ્થાનિકોમાં ઉગ્ર રોષ ફેલાયો હતો. સરકારે આ મામલે ગેંગના સાગરીતોને શોધીને એક પછી એક કડક કાર્યવાહી કરી હતી. ફેક્ચર ગેંગના સુત્રધાર અશોક ગોસ્વામીનો બ્રિજેશ અંગત મિત્ર હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું છે. આરોપી સામે અગાઉ કોઈ ગુના દાખલ થયા છે કે કેમ તે મામલે પોલીસે તપાસ હાથ ધરી છે.

(10:25 pm IST)