Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd June 2020

તીડના આતંકને નાથવા જીટીયુ વિદ્યાર્થીઓની ખાસ ડ્રોન સ્કવોડ

ડ્રોનથી તીડ પ્રભાવિત ક્ષેત્રોમાં દવાનો છંટકાવ કરાશે : જીટીયુની આ ડ્રોન સ્ક્વોડે કોરોના મહામારીમાં પણ પોલીસ અને તંત્રની મદદ કરી ઉમદા કામગીરી કરી હતી

અમદાવાદ, તા. ૨૨ :  રાજ્યમાં તીડનો કહેર ફરી જોવા મળી રહ્યો છે અને સુરેન્દ્રનગર બાદ હવે બનાસ-કાંઠાના કેટલાક ગામોમાં તીડ જોવા મળ્યા છે. ખેડૂતો ખેતરોમાં ઊભા રહી થાળી વેલણ વગાડી તીડ ભગાડતા હોય છે. પણ  જીટીયુના વિદ્યાર્થીઓની ડ્રોન સ્ક્વોડ સ્પીકર ડ્રોનમાં થાળી વેલણનો અવાજ રેકોર્ડ કર્યો છે. જેથી હવે ખેડૂત નહિ પણ ડ્રોન થાળી વેલણ વગાડી તીડ ભગાડશે. એક તરફ કોરોનાની મહામારી છે તો બીજી તરફ ગ્રામ્ય વિસ્તારોમાં ફરીવાર તીડનો આતંક જોવા મળ્યો છે. બનાસકાંઠાના સૂઈગામ સહિત આસપાસના ગામોમાં ફરી તીડ ત્રાટકયા છે. ત્યારે ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટીના વિદ્યાર્થીઓની ડ્રોન સ્ક્વોડની ટીમ બનાસકાંઠા જવા સજ્જ છે. જે માટે જીટીયુના સ્ટાર્ટ અપ્સ દ્વારા તૈયાર કરાયેલા ડ્રોન  સાથે સ્ક્વોડ તૈયાર છે.  અમદાવાદ ડ્રોન સ્ક્વોડના ઈન્ચાર્જ જણાવે છે કે, તીડના ત્રાસ મામલે બનાસકાંઠાના અધિકારીને જાણ કરવામાં આવી છે કે, તેમની ટીમ મદદ માટે તૈયાર છે.

           ત્રણ મુખ્ય ડ્રોનનો ઉપયોગ કરાશે. જેમાં દવાના છંટકાવ માટેના ડ્રોન મારફતે તીડ પ્રભાવિત વિસ્તારમાં દવાનો છટકાવ કરશે. જ્યારે સાયરન ડ્રોન મારફતે થાળી વેલણનો અવાજ કરી તીડ ખેતરમાં પાક પરથી ભગાડવા ઉપયોગ કરાશે. તેવી જ રીતે કેમેરા ડ્રોન મારફતે તીડના ઝુંડનું લોકેશન મેળવી શકાશે. જેથી તે ખેતર કે વિસ્તારમાં જઇ તીડ નો સફાયો કરી શકાય. થોડા મહિના અગાઉ પણ રાજયના અલગ અલગ વિસ્તારમાં તીડનો આતંક હતો ત્યારે પણ ડ્રોન સ્ક્વોડ મદદ માટે પહોંચી હતી. એટલું જ નહીં, હાલ રાજસ્થાનમાં પણ કેટલાક વિસ્તારોમાં તીડ ઊભા પાકને નુકસાન પહોંચાડી રહ્યા છે. ત્યારે ડ્રોન સ્ક્વોડની એક ટીમ રાજસ્થાન પણ પહોંચી છે. મહત્વનું છે કે, જીટીયુના વિદ્યાર્થીઓની આ ડ્રોન સ્ક્વોડે કોરોના મહામારીમાં પણ  પોલીસ અને તંત્રની મદદ કરી ઉમદા કામગીરી કરી હતી. જેમાં લોકડાઉન દરમિયાન ઘરની બહાર નીકળતા લોકોના કેમેરાવાળા ડ્રોનથી લોકેશન ટ્રેક કરાયા હતા. જ્યારે સ્પીકર ડ્રોન મારફતે લોકોને કોવિડ-૧૯ કોરોના વિશે માહિતગાર કરવા અને લોકોને સોશિયલ ડિસ્ટન્સ માટે જાગૃત કરવાનું કામ કર્યું હતું. તો વળી કન્ટેનમેન્ટ વિસ્તારોમાં ડ્રોન મારફતે દવા સહિતની ચીજો પહોંચાડવાની પણ મદદ કરી હતી.

(10:06 pm IST)