Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd June 2020

આંગડિયા પેઢીના કર્મચારીના લૂંટ તેમજ હત્યાના આરોપી ઝડપાયા

આરોપીઓ ત્રણ વર્ષથી નાસતા ફરતા હતા : છ આરોપીઓને ક્રાઈમ બ્રાંચે પહેલા જ ઝડપી લીધા હતા જેમાં ત્રણ આરોપી નાસતા ફરતા હતા : દિલ્હીથી ધરપકડ

અમદાવાદ,તા.૨૨ : ત્રણ વર્ષ પહેલા આંગડિયા  પેઢીના કર્મચારીને લૂંટ બાદ હત્યા કરીને ફરાર થયેલા ત્રણ આરોપીઓને આખરે અમદાવાદ ક્રાઈમ બ્રાંચની ટીમે દિલ્હીથી ઝડપી પાડ્યા છે. જેમાં છ આરોપી પહેલા જ ઝડપી લીધા હતા. છ આરોપીઓ પાસેથી ઉપયોગમાં લીધેલ હથિયારો અને લૂંટનો મુદ્દામાલ રીકવર કરવામાં આવ્યો હતો. ત્રણ વર્ષ પહેલા ધનપુરાથી પાર્સલો લઈ એસટી બસ સ્ટેન્ડ આવ્યા હતા. એસટી બસ સ્ટેન્ડ પર બીજી આંગડિયા પેઢીના કર્મચારીઓ પણ આવ્યા હતા. એસટી બસ સ્ટેન્ડ પર બસની રાહ જોઈ રહ્યા હતા. ઈન્કમટેક્ષ સર્કલ તરફથી બે મોટરસાઈકલ ઉપર ડબલ સવારીમાં ચાર ઈસમો આવી પિસ્ટલ વડે ફાયરિંગ કરી આગડિયા પેઢીમાં કામ કરતા અરવિંદભાઈને ગોળી મારીને હત્યા કરી હતી.

                  હત્યા બાદ પાર્સલોની લૂંટ કરી આરોપીઓ નાસી છુટ્યા હતા. હત્યા બાદ ક્રાઈમ બ્રાંચની ટીમે તપાસ કરતા છ આરોપીને ઝડપી પાડ્યા હતા. જેમાં આરોપી જોરાવરસિંહ શિવાભાઈ ચૌહાણ, રાજુ મારવાડી પ્રકાશકુમાર માલાજી પ્રજાપતિ, રજનીશકુમાર ધોબી, કિરીટસિંહ વાઘજીભાઈ ચૌહાણ અને આશુ બલરામ યાદવને ઝડપી પાડ્યા હતા. ત્યાર બાદ તેમની પુછપરછ કરતા જાણવા મળ્યુ હતું હજુ ત્રણ આરોપી નાસતા ફરે છે. જેમાં તપાસ કરતા વધુ ત્રણ આરોપીઓને દિલ્હી ખાતેથી ઝડપી લીધા હતા. જેમાં પ્રદિપ, મોહમદ સકીલ ઉર્ફે કકુ અને મકસુદ આલમ ઉર્ફે રાણાને ઝડપી પાડ્યા છે. ત્રણેય આરોપીઓ લાંબા સમયથી નાસતા ફરતા હતા. જેમાં ક્રાઈમ બ્રાંચની ટીમ આરોપીને પકડવાની તજવીજ હાથ ધરી હતી. બાતમીના આધારે અમદાવાદ ક્રાઈમ બ્રાંચની ટીમે દિલ્હી ખાતેથી ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા છે.

(10:01 pm IST)