Gujarati News

Gujarati News

News of Thursday, 23rd May 2019

ખેડા જિલ્લામાં પ્રાથમિક શાળા નજીક ધમધમતા જુગારધામ પર પોલીસે દરોડા પાડી 2 શકુનિઓને ઝડપ્યા

ખેડા: જિલ્લા એલસીબી પોલીસની ટીમ ગતરોજ સાંજના સમયે લીંબાસી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં. તે દરમિયાન માતર તાલુકાના ભલાડા ગામમાં પ્રાથમિક શાળાની પાછળ આવેલી તલાવડી પાસે જુગાર રમાતો હોવાની માહિતી મળી હતી. જેથી પોલીસની ટીમે દરોડો પાડ્યેો હતો. પોલીસને જોઈ જુગારીઓમાં નાસભાગ મચી હતી. જેમાં જુગાર રમાડનાર રાજુ ઉર્ફે ડુગલી પુનમભાઈ પરમાર (રહે.ભલાડા, તા.માતર) તેમજ અન્ય એક જુગારી ભાગી છુટ્યાં હતાં. 

જો કે પોલીસે પ્રતિક ઉર્ફે ડરો ભરતભાઈ પટેલ (રહે.નાર, તા.પેટલાદ) અને અશોકભાઈ ઉર્ફે મડો વિઠ્ઠલભાઈ ગોહેલ (રહે.પાનડોલી, તા.પેટલાદ) ને હારજીતનો પત્તાપાનાનો જુગાર રમતાં રંગેહાથે ઝડપી પાડ્યાં હતાં. પોલીસે આ બંને જુગારીઓ પાસે અંગજડતીમાંથી રૂ.૪૩૦૦, દાવ પરના રૂ.૨૭૦૦ તેમજ રૂપિયા ૩૫૦૦ ની કિંમત ના બે મોબાઈલ ફોન મળી કુલ રૂ.૧૦,૫૦૦ નો મુદ્દામાલ જપ્ત કરીને પ્રતિક પટેલ, અશોક ગોહેલ અને રાજુ પરમાર વિરૂધ્ધ જુગારધારાનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 

(5:28 pm IST)