Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd April 2019

દક્ષિણ ગુજરાતમાં ૬ કલાકમાં ૩૬% મતદાન

સુરત, નવસારી, વલસાડ, બારડોલી સહિતના વિસ્તારમાં ચૂંટણી પ્રચારમાં નિરસતા હોવા છતાં મતદારોમાં ભારે ઉત્સાહ... શહેરી વિસ્તારોમાં વધુ ગ્રામ્ય વિસ્તારોમાં ઓછા ઇવીએમ બંધ થવાની ફરિયાદો

રાજકોટ તા. ૨૩ : લોકસભામાં આજે ત્રીજા ચરણમાં મતદાન થઇ રહ્યું છે. આજે ગુજરાતની ૨૬ બેઠકો ઉપર મતદાન થઇ રહ્યું છે ત્યારે પ્રચારમાં નિરસતા દેખાતી હતી તે દક્ષિણ ગુજરાતમાં મતદારોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. દરમિયાન દક્ષિણ ગુજરાતમાં બપોરે ૧ કલાક સુધીમાં સરેરાશ ૩૬ ટકા મતદાન થયું છે. જેમાં વલસાડમાં ૨૭.૧૩%, સુરતમાં ૪૧.૩૨ ટકા, બારડોલી ૨૯.૯૮ ટકા નોંધાયું છે.

દક્ષિણ ગુજરાતમાં પ્રચારમાં જોવાયેલી નિરસતા મતદારોએ દાખવી ન હોય તે રીતે મતદાન ચાલી રહ્યું છે. સવારના સાતના ટકોરે શરૂ થયેલા મતદાનમાં પ્રારંભિક ઈવીએમની ક્ષતિઓને બાદ કરતાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન ચાલી રહ્યું છે. પ્રારંભિક ૩ કલાકમાં જ સુરત સહિત નવસારી, બારડોલી અને વલસાડના મતદારોએ ૯ ટકાથી ૧૧ ટકા સુધીનું મતદાન કર્યું છે. એકંદરે દક્ષિણ ગુજરાતમાં પ્રથમ બે કલાકમાં ૧૦ ટકા મતદાન થયું છે.

નવસારીના ભાજપના ઉમેદવાર સીઆર પાટીલ,વલસાડના કોંગ્રેસના ઉમેદવાર જીતુ ચૌધરી, ભાજપના ડો. કે.સી. પટેલ, બારડોલીના ભાજપના ઉમેદવાર પ્રભુ વસાવા અને કોંગ્રેસના ઉમેદવાર ડો. તુષાર ચૌધરી અને સુરતના કોંગ્રેસના ઉમેદવાર અશોક આધેવાડા, ભાજપના ઉમેદવાર દર્શના જરદોષે સપરિવાર, પૂર્ણેશ મોદી, આરોગ્ય મંત્રી કુમાર કાનાણી સહિતનાએ મતદાન કર્યું હતું. જયારે વલસાડ-નવસારી-બારડોલી અને સુરતના વિસ્તારોમાં ધીમીગતિએ મતદારો મતદાન કરી રહ્યાં છે.

મતદાન બુથ પર ઈવીએમ ખરાબ થવાની ઘટનાઓ પણ સામે આવી રહી છે. જયારે વલસાડમાંમાં ડીએમડીજી સ્કૂલના ૧૩૫ નંબરના બુથ ઉપર ઈવીએમ બગડ્યું હતું. ચૂંટણીના સ્ટાફે તાત્કાલિક ઝોનલ અધિકારીને જાણ કરતા તાત્કાલિક નવું યુનિટ નાખવામાં આવ્યું હતું. બગડેલા યુનિટના કન્ટ્રોલ યુનિટના વાયરમાં ખામી આવી હતી. નવસારીમાં ચોર્યાસી વિધાનસભામાં આવેલા મોરા- ૨ના બુથ નંબર ૨૮માં ઇવીએમમાં ટેકિનકલ ખામી સર્જાઈ હતી. જેથી ૧૫ મિનિટ જેટલો ટાઈમ મતદાનની પ્રક્રિયા થંભી ગઈ હતી. જેમાં ધારાસભ્ય જંખના પટેલે પણ ૧૫ મિનિટ સુધી ઉભા રહેવું પડ્યું હતું

સુરતમાં કથા કરતાં અને મૂળ વલસાડના રાકેશ જોશી મતદાન કરવા સુરતથી ખાસ વલસાડ ગયાં હતાં. સુરતથી વલસાડ આવીને કથાકારે મતદાન કરીને લોકોને મોટી સંખ્યામાં મતદાન કરવા અપીલ કરી હતી. સજોડે મતદાન કર્યું હતું. અનેક સ્થળોએ ઇવીએમ બગડયાની બુમ ઉઠી છે. બપોરે ગરમી વધતા મતદાન મથકોએ હાજરી પાંખી જોવા મળી હતી.

(4:13 pm IST)