Gujarati News

Gujarati News

News of Monday, 23rd April 2018

40 લાખની લોન લઇ સાતેજમાં છેતરપિંડી આચરનાર ફેકટરીના મલિક વિરુદ્ધ ગુનો દાખલ

સાંતેજ:માં ૪૦ લાખની લોન લઇ લોનની રકમ ભરપાઇ નહી કરી બેન્ક સાથે છેતરપીંડી આચરનાર ફેક્ટરી માલિક સામે ગુનો દાખલ થયો છે. સાંતેજ પોલીસે આરોપીની ધરપકડ માટે દોડધામ શરૂ કરી છે.

 

સેક્ટર--૧ સનસીટી બોપલમાં રહેતા તૃપ્તીબેન ચિરાગભાઇ ગાલીયાએ અગાઉ બેન્ક ઓફ ઇન્ડિયામાંથી ૧૫ લાખની લોન લીધી હતી. જે લોનના હપ્તા સમયસર ભરપાઇ કરી વિશ્વાસ કેળવી બેન્ક પાસેથી વધુ લોનની માંગણી કરી હતી.

૧૫ લાખની લોન લઇ ભરપાઇ કરી દેનાર તૃપ્તીબેનના વિશ્વાસમાં બેન્ક સત્તાવાળા આવી ગયા હતા અને વધુ ૪૦ લાખની લોન આપી હતી. ત્યારે ૪૦ લાખની લોન ભરપાઇ નહીં કરી મહીલાએ બેન્ક સાથે છેતરપીંડી આચરી હતી. ત્યારે મોટા ઉપાડે ૪૦ લાખની લોન આપનાર બેન્ક સત્તાવાળાઓએ પણ આ અંગે સાંતેજ પોલીસને જાણ કરી હતી. આ ઘટના અંગે લવલી અશોકકુમાર ખંડેલવાલની ફરિયાદને આધારે સાંતેજ પોલીસે આરોપી તૃપ્તીબેન ગાલીયા વિરૂદ્ધ ૪૦ લાખની લોન લઇ છેતરપીંડી અને વિશ્વાસઘાત કર્યો હોવાનો ગુનો દાખલ કર્યો છે.

આ ઘટનાની વધુ તપાસ પી.એસ.આઇ. વી.એ. શેખ ચલાવી રહ્યાં છે. ઉલ્લેખનીય છે કે બેન્કો પાસેથી લોન લઇ છેતરપીંડી આચરનારાઓની સંખ્યા વધી રહી છે. ત્યારે ઘણા કિસ્સાઓમાં બેન્કોનું અબજો રૂપિયાનું ફુલેકુ ફેરવી આરોપીઓ ફરાર થઇ જતા હોવાથી નીતનવા કૌભાંડો બહાર આવી રહ્યાં છે. તેમજ લોન લઇ ભરપાઇ નહી કરનારાઓ સામે પણ બેન્ક સત્તાવાળાઓ ફરિયાદ દાખલ કરાવી રહ્યાં છે.

(6:09 pm IST)