Gujarati News

Gujarati News

News of Monday, 23rd April 2018

અમદાવાદના વેપારીને ચૂનો લગાડી કોન્ટ્રાકટર માલ્યાના માર્ગે : 99 લાખની રકમ ચૂકવ્યા વગર વિદેશ ભાગી ગયો!

અમદાવાદ: અમદાવાદના વેપારીનો માતબર રકમનો માલ ખરીદીને સરકારી કોન્ટ્રાકટર વિદેશ ભાગી ગયાની ફરિયાદ નોંધાઈ છે પ્રહલાદનગર પાસે રહેતા વેપારીએ સરકારી રોડ બનાવતા કોન્ટ્રાક્ટરને અને તેના સબ કોન્ટ્રાક્ટરને માલ વેચેલો હતો પરંતુ તેના પુરા રૂપિયા ચુકવવાને બદલે એક કોન્ટ્રાક્ટર વિદેશ ભાગી ગયો છે, જ્યારે અન્ય સબ કોન્ટ્રાક્ટરે 99 લાખ જેટલી રકમ નહી ચૂકવતા વેપારીએ અમદાવાદના આનંદનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. આ અંગે વેપારીએ અગાઉ જે વ્યક્તિ સામે ફરિયાદ નોંધાવી હતી તે વિદેશ ભાગી ગયો હોવાનો ઉલ્લેખ પણ પોતાની ફરિયાદમાં કર્યો છે.
    પ્રાપ્ત માહિતી અનુસાર પ્રહલાદ નગર પાસે આવેલા સુરધારા બંગલોમાં રહેતા આશીષભાઇ દેસાઇ સાંઇકૃપા ટ્રેડર્સ અને આર્શીવાદ ટ્રાંસપોર્ટ કંપની ચલાવે છે. 6 નવેમ્બરના રોજ તેમણે ફરિયાદ નોંઘાવી હતી કે તેમની પાસે સરકારી રોડ બનાવનાર કોન્ટ્રાક્ટર રિંકુ કન્સ્ટ્રકશનના માલિક વિકેશ પટેલે તેમની પાસેથી 1 કરોડ 82 લાખથી વધુનો માલ ખરીદીને તેમને 99 લાખ જેટલી રકમ પરત નહી કરીને છેતરપિંડી કરી છે.
   વિકેશ પટેલ રૂપિયા આપવાના બદલે દુબઇ જતા રહ્યા છે અને તેમની સામે લુક આઉટ નોટીસ પણ નીકળી હોવાની ફરિયાદ આશીષભાઇએ કરી છે. આ સંમગ્ર પ્રકરણમાં આશીષભાઇએ ફરિયાદમાં ઉલ્લેખ કર્યો છે કે રોડ બનાવવોન મુખ્ય કોન્ટ્રાક્ટ આકાશ ઇન્ફ્રાને મળ્યો હતો. પરંતુ જોગવાઇ ન હોવા છતા આ રોડ કોન્ટ્રાક્ટનો સબ કોન્ટ્રાક્ટ રિંકુ કંન્સ્ટ્રકશનને આપીને આરોપીને વિદેશ ભગાડીને આખુ કાવતરુ રચ્યુ છે. આ સમગ્ર પ્રકરણમાં હાલ યોગીન પટેલ, અંબુસિંહ, પ્રેમલસિંહ, દિનેશભાઇ પટેલ સામે ફરિયાદ નોંધાવી છે.

 

(12:25 am IST)