Gujarati News

Gujarati News

News of Saturday, 23rd March 2019

ગઠિયાઓ દ્વારા દર્દી સાથે પણ છેતરપિંડી આચરાઈ

વીએસમાં ગઠિયાઓએ દાગીનાઓ તફડાવ્યા : એક્સ રે કઢાવવામાં સહાય કરવાની વાત કરીને ગઠિયાએ મહિલાની સોનાની બુટ્ટી, વીંટી, રોકડ પડાવીને રફુચક્કર

અમદાવાદ,તા. ૨૩ : શહેરની વીએસ હોસ્પિટલમાં એક્સરે રિપોર્ટ કઢાવી આપવાના નામે મદદ કરવાનું કહીને એક ગઠિયાએ હોસ્પિટલમાંથી મહિલાના દાગીના સેરવી લેતાં મામલો એલિસબ્રીજ પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો છે. હું તમને ઓળખું છું. તેમ કહીને ગઠિયાએ મહિલા સાથે સંપર્ક કર્યો હતો અને તેમને વિશ્વાસમાં લઇને સોનાની બુટ્ટી તેમજ વીંટી સહિત રોક્ડ રકમ લઇ લીધી હતી. આ બનાવને પગલે હોસ્પિટલ સંકુલમાં પણ ભારે ચકચાર મચી ગઇ હતી. પાલડી વિસ્તારમાં આવેલ નરહરિ છાત્રાલયની પાછળ રહેતા અને એએમટીએસ બસમાં ડ્રાઇવર તરીકે નોકરી કરતા જિતેન્દ્ર વાઘેલાએ આરોપી ગઠિયા વિરુદ્ધમાં એલિસબ્રિજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ, જિતેન્દ્રભાઇનાં માતા શારદાબહેન વીએસ હોસ્પિટલમાં રિપોર્ટ કઢાવવા માટે ગયાં હતાં ત્યારે એક ગઠિયાએ તેમને રસ્તા પર રોક્યાં હતાં અને હું તમને ઓળખું છું અને સગાં સંબંધીઓનો પરિચય આપવા લાગ્યો હતો. ગઠિયાએ શારદાબહેનને કહ્યું હતું કે તમે એકલાં છો હું તમારી હોસ્પિટલમાં રિપોર્ટ કઢાવવા મદદ કરું છું. શારદાબહેને એક્સરે રિપોર્ટ કઢાવવાનો હોવાથી ગઠિયો તેમને એક્સ રે રૂમ પાસે લઇ ગયો હતો. ગઠિયાએ શારદાબહેનને વિશ્વાસમાં લઇને વીંટી અને સોનાની બુટ્ટી કાઢીને પર્સમાં મૂકી દેવાનું કહ્યું હતું. એક્સ રે કરવાનો હોવાથી સોનાની બુટ્ટી તેમજ વીંટી શારદાબહેને કાઢીને પર્સમાં મૂકી દીધાં હતાં. શારદાબહેન એક્સ રે કઢાવવા માટે રૂમમાં ગયાં ત્યારે ગઠિયો પર્સ લઇને નાસી ગયો હતો.

શારદાબહેન એક્સ રે કઢાવીને બહાર આવ્યાં ત્યારે ગઠિયો નહીં મળતાં હોસ્પિટલમાં શોધખોળ કરી હતી. શારદાબહેન ગાઠિયા વિરુદ્ધમાં એલિસબ્રિજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે. પોલીસ ગઠિયા વિરુદ્ધમાં ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. બીજીબાજુ હોસ્પિટલ સંકુલમાં આ બનાવને પગલે ભારે ચકચાર મચી ગઇ હતી. ખાસ કરીને દર્દીઓ અને તેમના સગાઓમાં આ બનાવને લઇ ભારે ચર્ચા ચાલી હતી.

(7:25 pm IST)