Gujarati News

Gujarati News

News of Saturday, 23rd March 2019

ગુરૂકુળ આપણી પુરાણી સંસ્કૃતિ, એના સંસ્કારોથી બાળકો મુઠી ઉંચેરા માનવી બની શકેઃ રૂપાણી

રાજકોટ ગુરૂકુળની ૩પમી શાખાના વડોદરામાં ઉદઘાટન પ્રસંગે મુખ્યમંત્રીનું ઉદબોધન

રાજકોટ, તા.,૨૩: રાજકોટ ગુરૂકુલની ૩પ મી શાખા વડોદરા નેશનલ હાઇવે નં.૮ ઉપર વરણામાં ખાતે શ્રી સ્વામીનારાયણ ગુરૂકુલ ઇન્ટરનેશનલ  વિદ્યાલયનું ઉદઘાટન કરવામાં આવેલ. ઉદઘાટન નિમિતે ત્રિદિવસીય ઉત્સવનું આયોજન કરાયેલ. પરમ પૂજય ગુરૂવર્ય શ્રી દેવકૃષ્ણદાસજી સ્વામીની અધ્યક્ષતામાં યોજાયેલ મહોત્સવની આજ રોજ રંગેચંગે પુર્ણાહુતી કરવામાં આવેલ હતી.

શ્રી પ્રભુ સ્વામીના જણાવ્યાનુસાર ૧૦૮ કલાકની અખંડ ધુન, વચનામૃત દ્વિશતાબ્દી ઉપલક્ષ્યે વચનામૃતની ૯૩૦૭ કડીઓના ગાન સાથે હોમ-હવન કરાયેલ. રર૬ ઉપરાંત મહિલા પુરૂષ યજમાનોએ શ્રી મહાવિષ્ણુયાગમાં આહુતીઓ અર્પેલ. ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ ગુરૂકુલ વિદ્યાલયનું ઉદઘાટન કરતા કહેલું કે ગુરૂકુલ આપણી પુરાણી સંસ્કૃતિ છે.ભગવાન શ્રી રામ, શ્રીકૃષ્ણ, સ્વામી વિવેકાનંદ, શિવજી મહારાજ વગેરેને ગુરૂકુલના સંસ્કારો બાલ્યાવસ્થામાં મળેલ. આ વડોદરામાં  રાજકોટ ગુરૂકુલની ૩પ મી શાખામાં સીબીએસઇ સીલેબસ સાથેબાળકો દેશ-વિદેશમાં મુઠી ઉંચેરા થઇને જીવન જીવતા થશે એવી મને આશા છે.

શ્રી પ્રભુ સ્વામીએ કહયું હતું કે વિદ્યાર્થીઓને પ્રાર્થના કરવા વિશાળ પ્રાર્થના મંદિરમાં બાલસ્વરૂપ શ્રી ધર્મનંદન ઘનશ્યામ મહારાજની મુર્તિ પધરાવવામાં આવેલ. જેની પ્રાણ પ્રતિષ્ઠા વડતાલ શ્રી લક્ષ્મી નારાયણ દેવ ગાદી પીઠાધીપતી પરમ પૂજય ધર્મધુરંધર ૧૦૦૮ આચાર્ય શ્રી રાકેશ પ્રસાદ મહારાજે કરેલ. એ પુર્વે ઠાકોરજીની ગુરૂકુલ પરીસરમાં નગર યાત્રા નિકળેલી.

ધૂળેટીના પવિત્ર દિવસે ઠાકોરજીને વૃક્ષની ડાળે બાંધેલ હિંડોળામાં ગુરૂવર્યશ્રી દેવકૃષ્ણદાસજી સ્વામીએ ઝુલાવેલ. રાજકોટથી પધારેલા શ્રી લક્ષ્મીનારાયણ સ્વામી તથા સુરત-પોઇચા નીલકંઠ ધામના મહંત પુરાણી શ્રી ધર્મવલ્લભદાસજી સ્વામીએ ઠાકોરજીને ધાણી ફગવાથી નવાજેલ.

આ પ્રસંગે વડોદરાના વૈષ્ણવાચાર્ય પ.પૂ.ગો. ૧૦૮ શ્રી વ્રજરાજ કુમારજી મહોદયે તેમજ આચાર્ય શ્રી રાકેશ પ્રસાદજી મહારાજે શુભાશીર્વાદ પાઠવેલ. જુનાગઢ ગુરૂકુલના મહંતશ્રી જ્ઞાન સ્વરૂપ સ્વામી તરવડાથી શ્રી કૃષ્ણપ્રિયદાસજી સ્વામી, વ્રજભુમીથી શ્રી નારાયણ ચરણ સ્વામી, હૈદરાબાદથી શ્રી દેવ પ્રસાદ સ્વામી, બેંગલોરથી શ્રી કૃષ્ણચરણદાસજી સ્વામી, નાગપુરથી શ્રી નિત્યસ્વરૂપ સ્વામી, વિદ્યાનગરથી શ્ર અમૃત સ્વામી, ઉનાથી શ્રી હરીવદન સ્વામી, જુનાગઢ રીઇનબાગથી શ્રી પ્રીતમ સ્વામી, વડોદરા વાડી મંદિરથી શ્રી જગત સ્વામી મોરબીથી શ્રી નીલકંઠદાસ સ્વામી, કલાલીથી શ્રી પવન સ્વામી, જાંબુવાઘ શ્રી ગૌલોક સ્વામી, હરીનગરથી શ્રી રંગદાસ સ્વામી, કારેલી બાગથી શ્રી શ્યામ સ્વામી, નવસારીથી શ્રી ભકિત વલ્લભ સ્વામી તેમજ વડતાલ ટેબલ બોર્ડના ચેરમેનશ્રી દેવસ્વામી, શ્રી નૌતમ સ્વામી, શ્રી સંત સ્વામી વગેરે સંતો સંત મંડળ સાથે ઉપસ્થિત રહયા હતા. (૪.૨)

(3:51 pm IST)