Gujarati News

Gujarati News

News of Thursday, 23rd January 2020

ગુજરાતમાં દર ૧૦૦૦ની વસ્તીએ ૪૫૦ વાહનો

વાહનોની નોંધણીના મુદે ગુજરાત દેશમાં સૌથી પ્રથમઃ ગુજરાત બાદ તામિલનાડુનો ક્રમઃ હજારે ૪૪૫ વાહનો

નવી દિલ્હી, તા.૨૩: ગુજરાતમાં વાહન માલિકો સૌથી વધારે છે. દેશના ૧૦૦૦ લોકોમાંથી ૪૫૦ પાસે પોતાના વાહનો છે. કેંદ્રીય પરિવહન મંત્રાલયે મોટર વ્હીકલ્સ રજિસ્ટ્રેશનનો ૩૧ ડિસેમ્બર ૨૦૧૯ સુધીનો ડેટા એકત્ર કર્યો છે. જેમાં દાવો કરવામાં આવ્યો છે કે, વાહનોના રજિસ્ટ્રેશન મામલે ગુજરાત છેલ્લા પાંચ વર્ષથી અદેખાઈ આવે તેવું સ્થાન ધરાવે છે.

ગુજરાત બાદ બીજો નંબર તમિલનાડુનો આવે છે. તમિલનાડુમાં દર ૧૦૦૦ લોકોની વસ્તીએ ૪૪૫ વાહનો છે. ત્યારબાદ ૩૭૨ વાહનો સાથે કર્ણાટક, મહારાષ્ટ્રના ૩૩૫ અને ઉત્ત્।ર પ્રદેશના ૧૯૦ વાહનો છે. નિષ્ણાતોના મતે વાહનોની મોટી સંખ્યા માટે જવાબદાર મુખ્ય કારણ છે પબ્લિક ટ્રાન્સપોર્ટનું નબળું નેટવર્ક. આ ઉપરાંત મોટાભાગના ગામડાં સુધી જતી બસોની ઓછી સંખ્યા અને ગુજરાતનું મલ્ટિ-ટાસ્કિંગ કલ્ચર લોકોને પોતાના વાહનો ખરીદવા પ્રેરે છે. જેથી તેઓ પબ્લિક ટ્રાન્સપોર્ટમાં જવાનું ટાળે છે.

ભારતમાં કુલ ૩૧.૭૨ કરોડ વાહનોનું રજિસ્ટ્રેશન થયેલું છે. જેમાંથી ગુજરાત, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, કર્ણાટક, અને તમિલનાડુ ભારતના કુલ રજિસ્ટર થયેલા વાહનોનો ૪૯્રુ હિસ્સો ધરાવે છે. આ પાંચ રાજયોમાંથી પણ મહારાષ્ટ્રનો હિસ્સો સૌથી વધુ ૧૧.૯૯% છે. ત્યારબાદ ઉત્તરપ્રદેશ (૧૧.૩૮%), તમિલનાડુ (૧૦.૧૧%), ગુજરાત (૮.૫૪%) અને કર્ણાટક (૭.૧૯%)નો ક્રમ આવે છે.

૨૦૧૭ની રોડ ટ્રાન્સપોર્ટ યર બુકના આંકડા પ્રમાણે, ગુજરાતમાં ૨.૨૧ કરોડ વાહનોનું રજિસ્ટ્રેશન થયેલું છે. જેમાંથી ૨ કરોડ વાહનો નોન-કોમર્શિયલ છે. તેમાંથી ૨૫.૨૮ લાખ ગાડીઓ છે. ૨૦૧૭-૨૦૧૯ના ત્રણ વર્ષના ગાળામાં રાજયમાં ૫૧ લાખથી વધુ વાહનો નવા રજિસ્ટર થયા છે. રોડ સેફ્ટી એકસપર્ટ અમિત ખત્રીનું કહેવું છે કે, ખાનગી વાહનોની વધતી સંખ્યા લોકોપયોગી અને તંદુરસ્ત પબ્લિક ટ્રાન્સપોર્ટની નિષ્ફળતા દર્શાવે છે.

અમિત ખત્રીએ કહ્યું, અમદાવાદમાં BRTS-AMTS લોકોની જરૂરિયાતોને પહોંચી વળવામાં નિષ્ફળ ગઈ છે. જેના કારણે આ બસો વધુ મસાફરોને આકર્ષી ના શકી. મેટ્રોની સરખામણીએ પોતાના વાહનમાં જઈએ તો અંતર પણ ઘટી જાય છે. નામના આપવાની શરતે એક વરિષ્ઠ સરકારી અધિકારીએ કહ્યું, માની લો કે, અમદાવાદમાં ૨૦૦૯માં BRTS સેવા શરૂ થઈ તે પહેલા ૮ લાખ મુસાફરો AMTS થકી અવરજવર કરતા હતા. હવે આ આંકડો વધવાને બદલે ૧૦ વર્ષ બાદ દ્યટી ગયો છે. BRTS-AMTSના કુલ મળીને ૬.૫ લાખ મુસાફરો છે!

અધિકારીએ આગળ કહ્યું, આ ઉપરાંત ૭૦૦૦ જેટલા ગામડાંઓમાં દિવસમાં એક-બે વખત જ બસ જાય છે. જેના કારણે લોકોને પોતાના વાહનો લઈને જવાની ફરજ પડે છે. શહેરી વિસ્તારોમાં બસ માટે ૧૦-૧૫ મિનિટ રાહ જોવી પડે છે, જે લગભગ ૬ કિમીની મુસાફરી બરાબરનો સમય છે. તો પછી શા માટે કોઈ બસની રાહ જુએ?

ATCC (અમદાવાદ ટ્રાફિક કન્સલ્ટેટીવ કમિટી)ના સેક્રેટરી બિરેન પટેલે કહ્યું, 'અમદાવાદ, રાજકોટ, સુરત અને વડોદરામાં લોકોની સગવડતા પ્રમાણે, પબ્લિક ટ્રાન્સપોર્ટની રૂપરેખા તૈયાર કરાઈ નથી. આ ઉપરાંત ગુજરાતીઓ પોતાના બાળકો ધોરણ ૧૦ કે ૧૨માં આવે એટલે તેમને વાહન અપાવે છે અથવા તો પત્ની માટે ખરીદે છે. મેં એવી મહિલાઓ જોઈ છે જે ટુ-વ્હીલર દ્વારા એક ગામથી બીજે ગામ જાય છે.'(૨૩.૨)

 

(10:14 am IST)