Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd October 2019

સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતના વિવિધ વિસ્તારોમાં વરસાદ

સુરતમાં તોફાની વરસાદ : ધારીમાં વીજળી પડી : દિવાળી તાકડે સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી : કમોસમી વરસાદથી મગફળી પાકને ભારે નુકસાનથી ખેડૂતો ચિંતિત

અમદાવાદ, તા.૨૨ : ગુજરાતના જુદા જુદા વિસ્તારોમાં ભારે વરસાદ હજુ પણ જારી રહ્યો છે. વરસાદી માહોલના કારણે ચિંતાનું મોજુ ફરી વળ્યું છે. ખાસ કરીને મગફળીના પાકને ભારે નુકસાન થયું છે. પાકને નુકસાનના કારણે ખેડૂતો ચિંતાતુર દેખાઈ રહ્યા છે. દિવાળી આસપાસ પણ વરસાદ જારી રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. બીજી બાજુ હવામાન વિભાગે કહ્યું છે કે, અમદાવાદમાં પણ આંશિક વાદળછાયુ વાતાવરણ રહી શકે છે. હળવા વરસાદી ઝાપટા હજુ કેટલાક દિવસ સુધી દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં જારી રહી શકે છે. હવામાન ખાતાની આગાહી મુજબ, આજે મેઘરાજાએ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના પંથકોમાં જોરદાર ધડબડાટી બોલાવી હતી. ખાસ કરીને સુરત, અમરેલી, પોરબંદર, ઘેડ, જૂનાગઢ, કેશોદ, ગીર-સોમનાથ, તાલાલા ગીર સહિતના અનેક પંથકોમાં ભારેથી અતિ ભારે વરસાદ નોંધાયો હતો. ખાસ કરીને સુરતમાં મેઘરાજાએ જોરદાર તોફાની એન્ટ્રી મારી હતી, જેના કારણે ઉધના, અડાજણ, અઠવાલાઇન્સ, કામરેજ, પલસાણા, પીપલોદ, વેસુ, નનાપુરા સહિતના મોટાભાગના વિસ્તારોમાં ભારે પાણી ભરાઇ ગયા હતા અને વરસાદના કારણે સ્થાનિક જનજીવન ઘમરોળાઇ ગયુ હતુ. હજુ પણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના પંથકોમાં બે દિવસ વરસાદની આગાહી કરાઇ છે તો, ખાસ કરીને સૌરાષ્ટ્રમાં તો દિવાળી તાકડે વરસાદ વરસવાની આગાહી હવામાન વિભાગે કરતાં સૌરાષ્ટ્રવાસીઓમાં નિરાશાની લાગણી પ્રસરી ગઇ છે.

              બીજીબાજુ, સૌરાષ્ટ્ અને દક્ષિણ ગુજરાતના પંથકોમાં ભારેથી અતિ ભારે વરસાદ નોંધાતા સ્થાનિક ખેડૂતો ઉંડી ચિંતામાં ગરકાવ બન્યા હતા કારણ કે, તેમના ઉપાડેલી મગફળીના પાકને મોટાપાયે નુકસાન અને પાક ધોવાઇ જવાની સ્થિતિ બની છે. અરબી સમુદ્રમાં સક્રિય લો પ્રેશર સીસ્ટમનાં કારણે હવામાન વિભાગ દ્વારા કરાયેલી ગીર સોમનાથ, તાલાલા ગીર, દીવ, અમરેલી, રાજુલા, ધારી, પોરબંદર, જૂનાગઢ, કેશોદ, સુરત સહિતના અનેક પંથકોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો, જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઇ ગયા હતા. જેને લઈને સમગ્ર વાતાવરણમાં ઠંડક પ્રસરી કરી હતી.   શહેરના સુરતના અડાજણ, અઠવાલાઇન્સ, પીપલોદ, વેસુ, નનાપુરા, ઉધના સહિત મોટા ભાગના વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદી ઝાપટાં પડ્યા હતા. જેના કારણે સુરતના મોટાભાગના વિસ્તારોમાં વરસાદી પાણી ફરી વળ્યા હતા. બીજીબાજુ, અમરેલીના ધારીના ચલાલા રોડ ખોડિયાર મંદિર પાસે એક ખેડૂત પર વીજળી પડી હતી. વાડીમાં પાલો ભરાત સમયે ઘનશ્યામભાઇ મન્સારામ પર વીજળી પડી હતી. જેથી તેને તાત્કાલીક સારવાર માટે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતા.

            આ જ પ્રકારે  સાવરકુંડલાના ગામડાઓમાં પણ ધોધમાર વરસાદ પડતા સમગ્ર વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. સાવરકુંડલાના બાઢડા વચ્ચે ધોધમાર વરસાદથી મગફળીના પાથરાઓ પલળી ગયા છે અને ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યું છે. ખેડૂતોના ઉભા પાક સાથે મગફળીના પાકને વ્યાપક નુકસાન થયું છે. આમ અમરેલી દિવાળીના તહેવાર સમયે જ જિલ્લાભરમાં વરસાદી માહોલ જામ્યો છે. ધારીનાં ચલાલા વાવડી, ગરમલી, ચરખા સહિતના વિસ્તારમાં વરસાદ પડ્યો હતો. અમરેલીના ખાંભામાં પણ વરસાદ પડતા ખેડૂતોના પાકને નુકસાન પહોંચ્યું છે. હાલ માવઠાથી ઉપાડેલી મગફળીના પાકને નુકસાન થાય તેવી ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે. હાલમાં ખેડૂતો શિયાળુ પાકની તૈયારી કરતાં હોય છે. ત્યારે ખેડૂતોનાં માથે ફરી ચિંતાના વાદળો ઘેરાવા લાગ્યા છે. આ પહેલા લીલા દુષ્કાળને કારણે પણ ઘણો પાક નિષ્ફળ ગયો છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગર સહિતના પંથકોમાં દિવાળી તાકડે પણ વરસાદની અસર રહેશે તેવી આગાહી કરવામાં આવી છે, જેને પગલે ખેડૂતઆલમમાં બહુ મોટી ચિંતાની લાગણી પ્રસરી છે.

(8:42 pm IST)
  • " હેપ્પી બર્થ ડે અમિતભાઇ " : ભારતના હોમ મિનિસ્ટર શ્રી અમિત શાહનો આજે જન્મ દિવસ : વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી તેમજ આમ નાગરિક સહીત તમામનો શુભેચ્છા ધોધ : દેશના શક્તિશાળી નેતાઓની હરોળમાં સ્થાન ધરાવતા ગુજરાતી નેતાએ 56 માં વર્ષમાં પ્રવેશ કર્યો access_time 11:32 am IST

  • કેનેડામાં જસ્ટિન ટ્રૂડોની સરકારને બહુમતી મેળવવા હવે માત્ર 15 બેઠકનું છેટું : ટ્રૂડોની લિબરલ પાર્ટી 338 માંથી 155 બેઠક ઉપર અને વિરોધી કન્ઝર્વેટિવ પાર્ટી 122 બેઠક ઉપર આગળ : ભારતીય મૂળના શીખ આગેવાન જગમિત સિંઘની પાર્ટી ચોથા ક્રમે access_time 12:55 pm IST

  • રાજયપાલશ્રી આચાર્ય દેવવ્રત કાલે દ્વારકાની મુલાકાતે : દેવભૂમિ દ્વારકા તા ૨૨ : ગુજરાત રાજયના મહામહિમ રાજયપાલ શ્રી આચાર્ય દેવવ્રત આગામી તા.૨૩ના દ્વારકાની મુલાકાતે આવનાર છે. રાજયપાલશ્રી સવારે ૯.૧૦ થી ૧૦.૦૦ દરમ્યાન દ્વારકાધીશ મંદિરની મુલાકાત લેશે, ત્યારબાદ ૧૧.૦૦ કાલકે રાજયપાલશ્રી કોસ્ટગાર્ડ, દ્વારકાની મુલાકાત લેશે. access_time 11:26 am IST