Gujarati News

Gujarati News

News of Monday, 22nd October 2018

રાકેશ આસ્થાનાની પુત્રીનો લગ્ન ખર્ચ કોણે ભોગવેલ? સીબીઆઇ વડોદરામાં

ર કરોડના લાંચના આરોપી રાકેશ આસ્થાનાનો વળતો પ્રહારઃ વર્મા-શર્મા (એ.કે.શર્મા-ગુજરાત) મારી પ્રતિષ્ઠાનું ધોવાણ કરવા ગુજરાતમાં તપાસ ચલાવે છે : સીબીઆઇના સ્પેશ્યલ ડાયરેકટરની પુત્રીના વડોદરાના લક્ષ્મીવિલાસ પેલેસમાં યોજાયેલ લગ્નનો કેટરીંગ કોન્ટ્રાકટ રાખનાર લોહાણા કેટર્સનું નિવેદન લેવાયું: દોઢ ડઝન જેટલા વડોદરાના ઉદ્યોગપતિઓ સીબીઆઇના રડારમાં: લગ્નના આગલા દિવસે ફાર્મ હાઉસમાં યોજાયેલી પાર્ટી અંગે પણ પુછપરછ : રાકેશ આસ્થાનાને સસ્પેન્ડ કરતી ફાઇલ સાથે સીબીઆઇ વડા વડાપ્રધાન પાસે પહોંચ્યા? જોરદાર ચર્ચાઓઃ દિલ્હીમાં ગુજરાત કેડરના આઇપીએસો વચ્ચે જ આંતરીક ઝઘડા છે તેવું નથી આઇએએસ કક્ષાએ ગુજરાતના અધિકારીઓમાં વર્ચસ્વની લડાઇ ચાલી રહયાની ચર્ચાઓ પુરજોશમાં

રાજકોટ, તા., ૨૨: દેશના ઈતિહાસમાં સૌ પ્રથમ વખત સીબીઆઇના નંબર-૧ (ડાયરેકટર આલોક વર્મા) અને  નંબર-ર  ગુજરાત કેડરના ૧૯૮૪ બેચના હાઇ પ્રોફાઇલ આઇપીએસ વચ્ચે ચાલતુ આંતરીક યુધ્ધ હવે શેરીઓમાં પહોંચ્યું હોય તેવું ફલીત થયા વગર રહેતું નથી. જેમની સામે ર કરોડની લાંચ લેવાનો આરોપ છે તેવા રાકેશ આસ્થાનાએ સેન્ટ્રલ વીજીલન્સ કમીશન તથા કેબીનેટ સેક્રેટરી સમક્ષ તેમની પ્રતિષ્ઠા  ખતમ કરવા માટે વર્મા-શર્માની જોડી મેદાને પડી હોવાનું અને ગુજરાતમાં વડોદરા, સુરત અને અમદાવાદ ખાતે પોતાની તથા પોતાના પરિવારની તપાસ ચલાવી રહયાનો ધડાકો કર્યો હતો.

રાકેશ આસ્થાનાએ વર્મા-શર્માની જોડીમાં જેનું નામ લીધું છે તે શર્મા એટલે મૂળ ગુજરાત કેડરના ૧૯૮૭ બેચના કાર્યદક્ષ અને રાકેશ આસ્થાના કરતા નરેન્દ્રભાઇ અને અમીતભાઇની ગુડસબુકમાં મોખરે છે. તેનું નામ જાહેર કરતા ગુજરાત કેડરમાં પણ અંદરોઅંદર સીબીઆઇ અને દિલ્હીમાં આંતરીક યુધ્ધ ચાલી રહયાનું જાહેર થયું છે.

દિલ્હીમાં પોતાનું વર્ચસ્વ સ્થાપવાની લડાઇમાં માત્ર આઇપીએસ નહિ ગુજરાત કેડરના આઇએએસ વચ્ચે પણ આવું ઠંડુ યુધ્ધ ચાલી રહયાની જોરદાર ચર્ચાઓ છે. આ યુધ્ધમાં ચોક્કસ અધિકારીઓ રાહુલ ગાંધી અને અહેમદ પટેલની નજીક હોવાના પણ આક્ષેપો થઇ રહયા છે.

દરમિયાન સીબીઆઇમાં ઉચ્ચકક્ષાએ ચાલતી લડાઇનો રેલો ગુજરાત સુધી પહોંચ્યો છે. રાકેશ આસ્થાનાના આરોપને સમર્થન મળતું હોય તેમ વડોદરાના રાજમહેલ લક્ષ્મીવિલાસ પેલેસમાં જયાં રાકેશ આસ્થાનાની પુત્રીના લગ્ન થયા હતા તેની વિગતો મેળવવા સીબીઆઇ ટીમ વડોદરા પહોંચી છે.

ચર્ચાતી વાતો મુજબ વડોદરાના દોઢ ડઝન જેટલા ઉદ્યોગપતિઓની સીબીઆઇના સ્પેશ્યલ ડાયરેકટર રાકેશ આસ્થાનાની પુત્રીના લગ્ન ખર્ચ અંગે પુછપરછ કરવામાં આવી હતી.

સુત્રોના કથન મુજબ લક્ષ્મીવિલાસ પેલેસમાં યોજાયેલ લગ્નપ્રસંગમાં કેટરીંગનો કોન્ટ્રાકટ રાખનાર એક જાણીતા લોહાણા અગ્રણીની પુછપરછ થઇ હોવાનું ચર્ચાય છે. આ સિવાય ડેકોરેશન ખર્ચ તથા લગ્નના આગલા દિવસે ફાર્મ હાઉસમાં થયેલી પાર્ટી અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે.

સુત્રોના કથન મુજબ આવી પુછપરછ દ્વારા સીબીઆઇની એક ટીમ રાકેશ આસ્થાનાના લગ્નનો ખર્ચ સાંડેસરા ગૃપ(સ્ટરલીંગ બાયોટેક) દ્વારા ભોગવાયો હોવાના આક્ષેપને યેનકેન પ્રકારે પુરવાર કરવા માંગે છે.

રાકેશ આસ્થાનાના પુત્રીના લગ્ન પ્રસંગે મહેમાનો માટે જે વિવિધ હોટલો રાખવામાં આવી હતી તેવી હોટલો અંગે પણ સીબીઆઇના એક વિવાદાસ્પદ અધિકારીના માર્ગદર્શન હેઠળ તપાસ કરી આ ખર્ચ કોણે ભોગવેલું તે બાબતે નિવેદનો નોંધાઇ રહયા છે. અત્રે યાદ રહે કે સામાન્ય રીતે આવા ઉચ્ચ અધિકારીના પરિવારના લગ્નપ્રસંગે તેમના સાથીઓ અને મિત્રો બધી વ્યવસ્થા કરતા હોય તેવી પ્રણાલી આઇપીએસ અને આઇએએસમાં છે.

દરમિયાન રાકેશ આસ્થાનાને સસ્પેન્ડ કરતી સંભવીત ફાઇલ સીબીઆઇ વડા દ્વારા તૈયાર કરી વડાપ્રધાનને મોકલ્યાની ચર્ચાએ જોર પકડયું છે.

(4:00 pm IST)
  • સુરત :નવરાત્રિમાં વેકેશન ન આપનારી ખાનગી શાળાઓ 21 દિવસનું દિવાળી વેકેશન રાખશે: સ્વનિર્ભર શાળા સંચાલક મંડળનો નિર્ણય:દિવાળી વેકેશનમાં કોઈ ફેરફાર નહીં access_time 2:50 pm IST

  • મોઈન કુરેશી લાંચ કેસ મામલે ડે ,એસ.પી. દેવેન્દ્ર કુમારની CBIએ કરી ધરપકડ:રાકેશ અસ્થાના સામે પણ આ કેસમાં છે આરોપ: 3 કરોડની લાંચમાં સંડોવાયેલા છે દેવેન્દ્રકુમાર દેવેન્દ્રકુમારે ફેબ્રિકેટેડ સ્ટેટમેન્ટ લીધું હતું:મોઇન કુરેશી પાસેથી લાંચ લેવા મામલે ધરપકડ access_time 1:05 am IST

  • સુરત :તહેવારોને લઈને આરોગ્ય વિભાગના દરોડા:શહેરની 10 જેટલી દુકાનમાં પાડવામાં આવ્યા દરોડા:આરોગ્ય વિભાગ દ્વારા મીઠાઈનાં નમૂના એકઠા કરાયા:મીઠાઈનાં નમૂનાં ભુજ ખાતેની લેબોરેટરીમાં મોકલાયા access_time 4:21 pm IST