Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd September 2020

રાજ્યમાં હજુય પણ વરસાદ પડશે તો ખેડૂતોને સહાયરૂપ થવા મન ખુલ્લું છે ,ચોક્કસ સહાય કરશું : મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી

આપત્તિના સમયે પ્રામાણિક્તાથી ખેડૂતોના પડખે ઊભા રહેવું એ અમારો ધર્મ છે : કૃષિમંત્રી આર.સી.ફળદુ

અમદાવાદ : મુખ્યમંત્રી  વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું હતું કે, ખરીફ પાકમાં ખેડૂતો આકાશી  ખેતી કરે છે અને અતિવૃષ્ટિ કે અનાવૃષ્ટિ થાય તેવા સંજોગોમાં આગામી સમયમાં પણ જો વરસાદ પડશે તો ખેડૂતોને સહાયરૂપ થવા રાજ્ય સરકારનું મન ખુલ્લુ છે, ચોક્કસ સહાય કરીશું.

  વિધાનસભા સત્ર દરમિયાન મુખ્યમંત્રી કિસાન યોજનાના ટૂંકી મુદતના પ્રશ્નમાં સહભાગી થતા મુખ્યમંત્રીએ કહ્યું કે, આ યોજના ખેડૂતોને ઊંચુ પ્રીમીયમ ભરવું ન પડે, એ  જ ભાવનાથી જાહેર કરાઇ છે. ખેડૂતોને ઇનપુટ ખર્ચ માટે સબસીડી તરીકે સહાય આપવાનો નિર્ણય કરાયો છે. આપણે ખેડૂતોના હિત માટે દુષ્કાળની વ્યાખ્યા નક્કી કરી છે. SPRFમાં પાંચ ઇંચથી ઓછો વરસાદ પડે એને અછતગ્રસ્ત વિસ્તાર ગણતા હતા. હવે આ યોજનામાં ૧૦ ઇંચથી ઓછો વરસાદ પડ્યો હોય એને અસરગ્રસ્ત વિસ્તાર ગણવામાં આવશે. ખેડૂતોને સહાયરૂપ થવા માટે આ વર્ષથી અમલી બનાવેલ આ યોજનામાં આગામી સમયમાં જરૂર હશે તો પરિસ્થિતિને અનુલક્ષીને ધોરણો સુધારવા માટે પણ અમારી સરકારનું મન ખુલ્લું છે.
  કૃષિમંત્રી આર.સી.ફળદુએ ટૂંકી મુદતના પ્રશ્નના પ્રત્યુત્તરમાં કહ્યું કે, આપત્તિના સમયે પ્રામાણિકતાથી ખેડૂતોની પડખે ઊભું રહેવું એ અમારો ધર્મ છે અને એ ધર્મ અમે સુપેરે નિભાવી રહ્યા છીએ. છેલ્લાં ૨૫ થી ૩૦ વર્ષમાં રાજ્યના કિસાનોના હિતમાં ખરીફ સિઝન દરમિયાન આપદા આવી હોય એવે વખતે અગાઉની કોઇ સરકારે મદદ ન કરી હોય એવી મદદ અમારી સરકારે કરી છે. ભૂતકાળમાં સરકારોએ ખેડૂતોને ઇશ્વરના ભરોસે છોડી દીધા હતા અમે એમની પડખે ઊભા છીએ. આ મુખ્યમંત્રી કિસાન સહાય યોજનામાં રાજ્યના ૫૬ લાખથી વધુ નાના-સીમાંત ખેડૂતોને આવરી લેવાયા છે. એમ.ડી.આર.એફ.ના લાભો યથાવત રાખીને લાભ આપવામાં આવશે.
 ફળદુએ ઉમેર્યુ કે, આ યોજના હેઠળ અનાવૃષ્ટિ, અતિવૃષ્ટિ અને કમોસમી વરસાદના જોખમોથી થયેલ પાક નુકસાનને સહાય માટે પાત્ર ગણવામાં આવશે. અમુક ઋતુમાં થયેલ પાક નુકસાન ૩૩ ટકાથી ૬૦ ટકા માટે પ્રતિ હેક્ટર રૂા.૨૦ હજાર લેખે વધુમાં વધુ ૪ હેક્ટર સુધી સહાય ચૂકવાશે. એ જ રીતે ૬૦ ટકાથી વધુ નુકસાન માટે પ્રતિ હેકટરદીઠ રૂા.૨૫ હજારની સહાય વધુમાં વધુ ૪ હેક્ટરની મર્યાદામાં મળવાપાત્ર થશે. આ માટે ખેડૂતે ઓનલાઇન પોર્ટલ પર અરજી કરવાની રહેશે. મંજૂર થયેલ સહાય લાભાર્થીઓના બેન્ક એકાઉન્ટમાં સીધી DBT દ્વારા ચૂકવાશે તેમ તેમણે ઉમેર્યુ હતું.

 મંત્રી  ફળદુએ આ યોજનાના આ ત્રણેય જોખમો સામે સહાયના ધોરણોની  વિગતો આપતા કહ્યુ કે, (૧) અનાવૃષ્ટિ (દુષ્કાળ)ના કિસ્સામાં:- જે તાલુકામાં ચાલુ સિઝનનો ૧૦ ઈંચથી ઓછો વરસાદ પડેલ હોય અથવા રાજયમાં ચોમાસુ શરૂ થાય ત્યાંથી તા. ૩૧ ઓગસ્ટ સુધીના સમયગાળામાં બે વરસાદ વચ્ચે સતત ચાર અઠવાડિયા (૨૮ દિવસ) વરસાદ પડેલ ન હોય એટલે કે સતત શૂન્ય વરસાદ હોય અને ખેતીના વાવેતર થયેલ પાકને નુકસાન થયેલ હોય તેને અનાવૃષ્ટિ (દુષ્કાળ)નું જોખમ ગણવામાં આવશે.
૨. અતિવૃષ્ટિ હોય તેવી સ્થિતિમાં :- તાલુકાને યુનિટ ગણી અતિવૃષ્ટિના પ્રસંગો જેવા કે વાદળ ફાટવું, સતત ભારે વરસાદ કે જેમાં દક્ષિણ ગુજરાત રિજિયનના જિલ્લાઓ (ભરુચ, નર્મદા, તાપી, સુરત, નવસારી, વલસાડ અને ડાંગ) માટે ૪૮ કલાકમાં ૩૫ ઇંચ કે તેથી વધુ અને તે સિવાયના રાજ્યના તમામ જિલ્લાઓમાં ૪૮ કલાકમાં ૨૫ ઇંચ કે તેથી વધુ વરસાદ મહેસૂલી તાલુકાના રેઇન ગેજ મુજબ નોંધાયેલ હોય અને ખેતીના વાવેતર કરેલ ઊભા પાકમાં થયેલ નુકસાનને અતિવૃષ્ટિનું જોખમ ગણવામાં આવશે.
(૩) કમોસમી વરસાદ (માવઠું)ની સ્થિતિ સજાર્ય ત્યારે:- ૧૫ ઓક્ટોબર થી ૧૫ નવેમ્બર સુધીમાં મહેસૂલી તાલુકાના રેઇન ગેજમાં સળંગ ૪૮ કલાકમાં ૫૦ મી.મી. થી વધુ વરસાદ પડે અને ખેતીના પાકને ખેતરમાં નુકસાન થાય તો તે કમોસમી વરસાદ (માવઠું)નું જોખમ ગણવામાં આવશે તેમ તેમણે ઉમેર્યું હતું.

(9:52 pm IST)
  • ભયજનક !! : સીબીઆઇ દ્વારા તાજેતરમાં એકત્રિત કરવામાં આવેલા ડેટા મુજબ, ભારતમાં ઓછામાં ઓછી 31 લાખ NGO છે : જે શાળાઓની સંખ્યા કરતાં બમણાથી વધુ અને સરકારી હોસ્પિટલોની સંખ્યાના 250 ગણી થાય છે : ગહબની વાત તો એ છે કે તેમાંથી મોટાભાગના NGO એ ઇન્કમટેક્સ રીટર્ન ભર્યું નથી અથવા બેલેન્સશીટ પણ તૈયાર કરી નથી access_time 10:41 pm IST

  • નિયમ બધા માટે સરખા : રાજકોટમાં માસ્ક વગર જાહેરમાં દેખાતા વિખ્યાત ગાયક કીર્તીદાન ગઢવીને પોલીસે દંડ ફટકાર્યો access_time 11:18 pm IST

  • દેશમાં કોરોનાના કહેર વચ્ચે સતત ચોથા દિવસે નવા કેસ કરતા રિકવર થનારની સંખ્યા વધી : રાત્રે 12 વાગ્યા સુધીમાં નવા 73,368 પોઝીટીવ કેસ સામે 99,924 દર્દીઓ સ્વસ્થ થયા : એક્ટિવ કેસ 10 લાખની નીચે સરક્યા:દેશમાં કોરોનાના કુલ કેસનો આંક 55,58 980 થયો: એક્ટીવ કેસ,9,76,654 થયા : 44,92,,574 લોકોએ કોરોનાને મ્હાત આપી :વધુ 1046 લોકોના મોત સાથે મૃત્યુઆંક 88,955 થયો access_time 1:05 am IST