Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd September 2020

સુરતમાં જર્જરિત ઈમારત ધરાશાયી થતાં ૩નાં મોત

તંત્ર દ્વારા ૨૦૧૧માં બિલ્ડિંગને નોટિસ અપાઈ હતી : એપાર્ટમેન્ટનો એક ભાગ તૂટતાં નીચે સૂતેલા ત્રણ મજૂરો દટાઈ ગયા : જવાબદારો-બિલ્ડર સામે ફિરયાદ નોંધાશેે

સુરત,તા.૨૨ : મુંબઈની ઈમારત તૂટી પડવાનો બનાવ હજી તાજો છે, ત્યાં સુરતમાં એક ઈમારત તૂટી પડવાથી ત્રણ લોકોના મોત નિપજ્યાં છે. સુરતના રાંદેર વિસ્તારની ઘટના છે. જેમાં વહેલી સવારે ચાર વાગ્યાની આસપાસ જર્જરિત નિરંજના એપાર્ટમેન્ટનો એક ભાગ ધરાશયી થયો હતો. જેમાં બિલ્ડીંગ નીચે સૂતા ત્રણ મજૂરોના મોત નિપજ્યા છેસુરતના રાંદેર વિસ્તારમાં નિરંજના એપાર્ટમેન્ટ જર્જરિત હાલતમાં છે. ત્યારે તંત્ર દ્વારા વર્ષ ૨૦૧૧માં બિલ્ડીંગને ઉતારી પાડવા માટે નોટિસ આપવામાં આવી હતી. જેના બાદ વર્ષ ૨૦૧૯ માં બિલ્ડીંગ સીલ કરાઈ હતી. ત્યારે હવે ઘટના બાદ જવાબદારો અને બિલ્ડર સામે ફરિયાદ નોંધવામાં આવશે. આખેઆખી બિલ્ડીંગ ઉતારી લેવા બિલ્ડરને સૂચના અપાઈ હતી. તેમ છતા જવાબદાર બિલ્ડર દ્વારા કોઈ કાર્યવાહી કરાઈ હતી. તેથી આજે વહેલી સવારે અચાનક એપાર્ટમેનટનો એક ભાર ધરાશાયી થયો હતો.

જેમાં એપાર્ટમેન્ટ નીચે સૂઈ રહેલા ત્રણ મજૂરો કાટમાળ નીચે દબાઈ ગયા હતા. ઘટના બાદ તાત્કાલિક પહોંચેલી ફાયર વિભાગની ટીમે ત્રણેય મજૂરોને કાટમાળમાંથી બહાર કાઢ્યા હતા. ત્રણેય ઈજાગ્રસ્ત મજૂરોને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમા ખસેડાયા હતા. પરંતુ ત્રણેય મજૂરોના સારવાર દરમિયાન મોત નિપજ્યા છે. ઘટના બાદ જવાબદાર બિલ્ડર સામે પોલીસ ફરિયાદ થશે તેવો મનપા કમિશ્નર બંછાનિધિ પાનીએ આદેશ આપ્યો છે. સવાલ છે કે, શું બિલ્ડરો તંત્રનો આદેશ ઘોળીને પી જાય છે. સૂચનાના બે વર્ષ છતા પણ બિલ્ડર દ્વારા એપાર્ટમેન્ટને તોડી પાડવામાં આવ્યું હતું. ત્યારે શું આવા જવાબદાર બિલ્ડર સામે શુ કાર્યવાહી થશે તે જોવું રહ્યું.

(7:47 pm IST)