Gujarati News

Gujarati News

News of Saturday, 22nd August 2020

અમદાવાદના વેજલપુરમાં સફાઇકામદારના મોતના મામલે રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ દ્વારા અમદાવાદ જીલ્લા કલેકટર અને પોલીસ કમીશનરને ૧પ ડીસે.ના રૂબરૂ હાજર થવા ફરમાન

અમદાવાદ : અત્રેના વેજલપુરમાં સફાઇ કામદારના મોતના મામલે રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ દ્વારા અમદાવાદ જિલ્લા કલેકટર અને પોલીસ કમીશનરને તા. ૧પ ડી.મ્બરના રૂબરૂ હાજર થવા ફરમાન કરાયું છે.

અમદાવાદ ખાતે વેજલપુરમાં આવેલ આશાપુરા સોસાયટીમાં ગટર સાફ કરવા ગટરમાં ઉતરેલા જશુભાઈ છગનભાઈ ગાંગડીયાનું તારીખ 23/10/2016 ના રોજ બપોર બાદ ચારેક વાગ્યાની આસપાસ ગુંગળામણથી મોત થયેલ હતું. જેની ફરિયાદ તેમના પુત્ર શૈલેશ જશુભાઈ ગાંગડીયા દ્વારા આશાપુરા સોસાયટીના હોદ્દેદાર ચેરમેન જયકર કિરીટ અગ્નિહોત્રી, અને નિલેષ ઉપાધ્ધાય વિરુદ્ધ કોઈ પણ જાતના સુરક્ષાના સાધનો પુરા પાડ્યા વગર ગટરમાં ઉતારવાથી મરણ થાય તેવું જાણતા હોવા છતાય આવું કામ કરવાની અનુસુચિત જાતિના વ્યક્તિને લાભ લાલચ આપી ગટરમાં ઉતારી મોત નિપજાવ્યાની ફરિયાદ વેજલપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, ગટર સાફ કરતા મોતને ભેટનાર જશુભાઈ ગાંગડીયા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સફાઈ કામદાર હતા. આ ફરિયાદના પગલે વેજલપુર પોલીસે ફરિયાદ બંને હોદ્દેદારની ધરપકડ કરી હતી. જો કે તેઓ હાલ જામીન પર છૂટેલા છે. તેઓ દ્વારા હાઇકોર્ટમાં ફરિયાદ રદ્દ કરવા અને કેસમાં ચાર્જશીટ ન કરવા માટે કવોશિંગ પીટીશન કરી છે જે હાલ કોર્ટમાં પેન્ડીંગ છે.

બીજીબાજુ આ બાબતે સામાજિક કાર્યકર્તા કાંતિલાલ પરમારે રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગમાં માનવ અધિકાર ભંગની ફરિયાદ દાખલ કરી હતી. આ અંગે કડક કાનૂની પગલા ભરવા તથા આવું કામ કરતા લોકો અચકાય અને કાયદાનું કડક અમલીકરણ થાય અને ભોગ બનનાર પરિવારના આશ્રિતને સુપ્રીમકોર્ટના આદેશ મુજબ રૂ. 10 લાખનું વળતર મળે તે માટેની માંગણી કરવામાં આવેલ હતી.

આ બાબતે રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ દ્વારા અમદાવાદ જીલ્લા કલેકટર અને અમદાવાદ શહેરના પોલીસ કમિશનરને આ બાબતે ચાર અઠવાડિયામાં અહેવાલ પાઠવવા નોટીસ આપેલ હતી. નોટીસ મળતા જવાબદાર તંત્ર દ્વારા રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગને અહેવાલ પાઠવવામાં આવેલ હતો, બાદમાં આયોગે વધારાની માહિતી આ બાબતે વારંવાર રીમાઇન્ડર કરવા છતાં સબંધિત અધિકારીઓ દ્વારા માહિતી પૂરી પાડી ના હતી. આખરે આયોગે ઉપરોક્ત હુકમ કર્યો હતો.

(11:27 pm IST)