Gujarati News

Gujarati News

News of Saturday, 22nd August 2020

અમદાવાદના પ્રવેશદ્વાર સમા સનાથલ ચોકડી ખાતે બસના મુસાફરોના ટેસ્ટ કરાયા : ર૮ હજારથી વધુના ટેસ્ટ : ર૮00 કોરોના પોઝીટીવ નીકળ્યા

અમદાવાદ : સનાથલ ચેક પોસ્ટ પર ૧૦ટકા પેસેન્જરો કોરોના પોઝીટીવ નીકળ્યા હતાં.  અમદાવાદ શહેરમાં પ્રવેશવાના માર્ગ સમા સનાથલ ચોકડી ખાતે ચેકપોસ્ટ ઊભી કરવામાં આવી હતી. આ ચોકડી પર સૌરાષ્ટ્ર તરફથી આવતી બસના મુસાફરોના ટેસ્ટ કરવામાં આવતા હતા. અત્યાર સુધીમાં 28 હજારથી વધુના રેપીડ એન્ટીજન કીટ કોરોના ટેસ્ટીંગ કરવામાં આવ્યા હતા. તેમાંથી 2800 એટલે કે 10 ટકા લોકોને કોરોના પોઝિટિવ નીકળ્યા હોવાનો ઘટસ્ફોટ થયો છે.

તે જ રીતે ધોળકાથી અમદાવાદમાં પ્રવેશવાના માર્ગ પર બાકરોલ ખાતે ઊભી કરાયેલી કોરોના ચોકી ખાતે રેપીડ એન્ટીજન કીટ મારફતે 10 હજારથી વધુ મુસાફરો ટેસ્ટીંગ કરવામાં આવ્યા છે. જેમાં અત્યાર સુધીમાં 100 જેટલાં લોકો જણાયા છે. સનાથલ ખાતેની કોરોના ચોકી ખાતે 25 વર્ષીય ડો. શરદ ગોહીલની દેખરેખ હેઠળ 25 હજારથી વધુ ટેસ્ટ થયા હતા. તેઓ કોરોનાગ્રસ્ત થવા છતાં માત્ર 7 દિવસમાં જ ફરીથી પોતાની ફરજ પર હાજર થઇને સેવાકાર્યમાં જોડાઇ ગયા હતા.

શહેરમાં પ્રવેશતાં પ્રત્યેક આગંતુકને અમદાવાદમાં પ્રવેશતા તેમનું ટેસ્ટીંગ થાય તે જરૂરી હતું. તેની ગંભીરતા પારખીને રાજય સરકાર દ્રારા સનાથલ ચોકડી કે જે સૈરાષ્ટ્રમાંથી શહેરમાં પ્રવેશવાનો મુખ્ય માર્ગ છે. ત્યાં દિવસથી આ ચોકડી પર કોરોનાનું ટેસ્ટીંગ કર્યા બાદ જ મુસાફરોને પ્રવેશ આપવામાં આવે છે. અહીંયા ટેસ્ટીંગમાં કોરોના જણાય તો તુરત જ દર્દીને નજીકના કોવીડ કેર સેન્ટર કે હોસ્પિટલમાં લઇ જવામાં આવે છે. આનાથી શહેરમાં કોરોનાનો પ્રવેશ થાય તે પહેલાં જ તેને અટકાવી દેવામાં આવે છે. અત્યાર સુધીમાં આ ચોકડી પર રેપીડ એન્ટિજન કીટ દ્રારા 28 હજારથી વધુ ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાં અત્યાર સુધીમાં 2800 જેટલાં લોકો કોરોના પોઝિટિવ જણાયા હતા.

આ જ રીતે ધોળકાથી અમદાવાદમાં પ્રવેશતા માર્ગ પર બાકરોલ ખાતે ઊભી કરાયેલી કોરોના ચોકી ખાતે રેપીડ એન્ટિજન કીટ દ્રારા 10 હજારથી વધુ મુસાફરોનું ટેસ્ટીંગ કરવામાં આવ્યું છે. જેમાં અત્યાર સુધીમાં 100 જેટલાં લોકો કોરોના પોઝીટીવ જણાયા છે. જો આ ટેસ્ટીંગ કરવામાં ન આવ્યા હોત અને આ પોઝીટીવ દર્દીઓ અમદાવાદમાં પ્રવેશ પામ્યા હોત તો કેટલાં લોકો કોરોનાની ઝપટમાં આવ્યા હોત તે સમજી શકાય તેમ છે.

રાજય સરકાર દ્રારા આ અંગેની ગંભીરતા પારખી લઇને જ પહેલેથી આ માટેની ખાસ ચોકીઓ ઊભી કરીને ત્યાં ત્રણ જણાની બનેલી એક એવી સાત ટીમો સઘન ટેસ્ટીંગ કરતી હતી. તેમની સાથે મદદમાં પોલીસ ખડેપગે ઊભી રહી હતી. સૌરાષ્ટ્ર તરફથી આવતી બસને ચાર રસ્તા પર કોઇને અડચણ ન થાય તે રીતે પાર્ક કરાવવી તથા મુસાફરોને સોશિયલ ડીસ્ટન્સીંગ જાળવીને એક પછી એક વ્યક્તિને કોરોના ટેસ્ટીંગ માટે મોકલવામાં આવતા હતા. આમ અનેક વોરિયર કામે લાગ્યા હતા. આવા જ એક 25 વર્ષીય કોરોના વોરિયર ડો. શરદ ગોહીલ કે જેઓ સનાથલ ખાતેની એક ટીમનું નેતુત્વ કરતા હતા. આ સાથે તેઓ આનંદનગર ખાતે આવેલી કોવીડ કેર સેન્ટર ખાતે પણ ફરજ બજાવે છે. તેઓ જેમની સારવાર કરતા હતા. ત્યાં જ તેમને કોરોના પોઝીટીવ આવતાં સારવાર લેવાની ફરજ પડી હતી. જો કે, માત્ર 7 જ દિવસમાં કોરોનાને મ્હાત આપીને તેઓ ફરીથી એક યોધ્ધાની જેમ પોતાની ફરજ પર જોડાઇ ગયા હતા.

તેમણે જણાવ્યું કે,  આવનારા પ્રવાસી પહેલાં તો ટેસ્ટ કરાવવાથી ગભરાય છે. પરંતુ સમજાવટથી માની જાય છે. આ અઘરું કામ છે પરંતુ આ મહામારીથી બચવાનો આ જ રસ્તો છે. તેમને તેમના આ કામમાં આજુબાજુની 4થી 5 કંપનીઓનો સહયોગ મળી રહ્યો હતો. કોરોના ચેકપોસ્ટ પર રોકાયેલી ટીમને તેઓ તેમની એ.સી. ઓફીસમાં આવીને જમવાનું કહેતા હતા. આ કંપનીઓના કર્મચારીઓમાં કોરોના વિશેનો ડર દૂર થતાં કોરોના ટેસ્ટ આ ચોકીઓ ખાતે આવીને કરાવ્યો હતો.

(10:00 pm IST)