Gujarati News

Gujarati News

News of Saturday, 22nd August 2020

અમદાવાદ ગોમતીપુરમાં ૪ વર્ષ પહેલા બનેલા સરકારી આવાસોની પાણીની ટાંકીનો સ્‍લેબ તુટી પડ્યો : જાનહાની નથી

અમદાવાદઃ ગોમતીપુરમાં 4 વર્ષ પહેલાં જ બનેલા સરકારી આવાસની પાણીની ટાંકીનો સ્લેબ તૂટી પડયો. જો કે સદનસીબે કોઇ જાનહાનિ કે કોઇને ઇજા થઇ નથી.

કોર્પોરેશનની સ્ટેન્ડીંગ કમિટીએ ગુરુવારે શહેરમા ત્રણ સ્થળોએ 144 કરોડના ખર્ચે નવા 2479 આવાસો તૈયાર કરવાના કાર્યને લીલીઝંડી આપી હતી.ત્યારે ચાર વર્ષ પહેલાં જ ગોમતીપુર હાથીખાઇ કામદાર મેદાન ખાતેના મુખ્યમંત્રી આવાસ યોજનાના EWS મકાનની પાણીની ટાંકીનો સ્લેબ શુક્રવારે મોડીરાત્રે ધડાકાભેર તૂટી ગઇ હતી. પરંતુ ચાર જ વર્ષમાં આવી સ્થિતિ સર્જાવવા બદલ કોંગ્રેસના ગોમતીપુર વોર્ડના કોર્પોરેટર ઇકબાલ શેખે આ અંગે મ્યુનિ. કમિશનર પત્ર લખીને આ ઘટનાની જાણ કરી છે. તેની સાથે આવાસ યોજનાના નિર્માણ કાર્યમાં સંબંધિત કોન્ટ્રાકટરની જવાબદારી નક્કી કરી આ અંગે વિજીલન્સ તપાસ કરાવવા તથા પાણીનો ટાંકીનો સ્લેબ તાત્કાલિક રીપેર કરાવવાની માંગણી કરી છે.

ગોમતીપુર વોર્ડના કોર્પોરેટર ઇકબાલ શેખે મ્યુનિ. કમિશનર મુકેશકુમારને ઉદ્દેશીને લખેલા પત્રમાં જણાવ્યું છે કે

શહેરના જુદા જુદા વિસ્તારોમાં ગરીબ અને મધ્યમ વર્ગો માટે મુખ્યમંત્રી આવાસ યોજના હેઠળ આવાસો તૈયાર કરી લાભાર્થીઓને આ આવાસની ફાળવણી 2016માં કરવામાં આવી હતી. ગરીબ અને મધ્યમ વર્ગો માટે તૈયાર કરવામાં આવેલા આવાસોમાં સંબંધિત કોન્ટ્રાકટર દ્રારા નબળી ગુણવત્તાનું મટીરીયલ્સ વાપરતાં ગોમતીપુર હાથીખાઇ કામદાર મેદાન ખાતેના મુખ્યમંત્રી આવાસ યોજનાના EWS મકાનની પાણીની ટાંકીનો સ્લેબ તૂટી ગયો હતો.

             ઇકબાલ શેખે વધુમાં જણાવ્યું કે વીર અબ્દુલ હમીદ એપાર્ટેમેન્ટના સેક્રેટરી હમીદભાઇ પરમાર તથા ખજાનચી તરૂણભાઇએ આ ઘટનાની મને જાણ કરતા હું પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાને લઇને આવાસ ખાતે પહોંચી ગયો હતો. ત્યાં આ આવાસમાં પાણીની ટાંકીનો સ્લેબ તૂટી જતાં ડ્રેનેજની ઘણી જ વિકરાળ પરિસ્થિતિ સર્જાઇ છે. ગટરનું પ્રદૂષિત પાણી આવાસમાં જાહેર માર્ગ પર ફરી વળ્યું છે.

              ઉનાળાની ઋતુુમાં આ પાણીની ટાંકીનો સ્લેબ જો તૂટયો હોત તો ભયંકર જાનહાનિ સર્જાઇ હોત. સદભાગ્યે કોઈ જાનહાનિ થઈ નથી. આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઇને આવાસ યોજનાના નિર્માણ કાર્યમાં સંબંધિત કોન્ટ્રાકટરની જવાબદારી નક્કી કરી આ અંગે વિજીલન્સ તપાસ કરાવવા તથા પાણીનો ટાંકીનો સ્લેબ ક્ષતિગ્રસ્ત થયેલ છે. તેને તાત્કાલિક રીપેરીંગ કરાવવા જરૂરી આદેશો આપવા વિનંતી કરી છે.

(8:39 pm IST)