Gujarati News

Gujarati News

News of Saturday, 22nd August 2020

વડોદરાના કેટલાક વિસ્તારોમાં સરકાર દ્વારા અશાંતધારો અમલી

ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા દ્વારા મહત્વનો નિર્ણય : નાગરિકોને સુખ, શાંતિનો અહેસાસ કરાવવા માટે રાજય સરકારનો મહત્વનો નિર્ણય : ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા

વડોદરા, તા.૨૨ : ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું છે કે, રાજ્યના નાગરિકોને શાંતિ, સલામતી અને સુરક્ષા પૂરી પાડવી એ રાજ્ય સરકારની નૈતિક ફરજ છે, સાથે-સાથે નાગરિકોને કોઈ ખોટી રીતે હેરાન કરીને અને ધાક ધમકીથી મિલકતો પચાવી ન પાડે તે માટે પણ રાજ્ય સરકાર સતત ચિંતિત છે. જેના ભાગરૂપે વડોદરા શહેરના બાપોદ, વારસીયા અને કારેલીબાગ પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારોમાં હાલ અશાંત ધારો અમલી છે. આ પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારોમાં વધારો કરવાનો તથા હરણી પોલીસ સ્ટેશન હેઠળના તમામ વિસ્તારોમાં અશાંત ધારો  લાગુ કરવાનો રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે.  ગૃહ મંત્રી જાડેજાએ ઉમેર્યુ કે રાજ્યમાં કોમી એખલાસનું વાતાવરણ જળવાઈ રહે અને ભાઈચારાની ભાવના વધુ બળવત્તર બને તે માટે રાજ્યના સંવેદનશીલ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ સતત ચિંતા કરીને આ માટે સતત માર્ગદર્શન આપી રહ્યા છે

          ત્યારે વડોદરા શહેરના આ વિસ્તારોમાં મળેલ રજૂઆતોને ધ્યાને લઈને રાજ્ય સરકારે આ મહત્વનો નિર્ણય કર્યો છે. રાજ્યના મહેસુલ મંત્રી કૌશિક પટેલ સાથે પણ જરૂરી પરામર્શ કર્યા બાદ આ અંગે જાહેરનામું પણ પ્રસિદ્ધ કરી દેવાયું છે.જાડેજાએ ઉમેર્યું કે વડોદરા શહેરના બાપોદ, વારસીયા, કારેલીબાગ અને હરણી પોલીસ સ્ટેશન હેઠળના વિવિધ વિસ્તારોમાં અશાંતધારો લાગુ પાડવા માટે સ્થાનિક ધારાસભ્ય મનીષાબેન વકીલ દ્વારા રજુઆતો કરવામાં આવેલ હતી. આ સંદર્ભે રાજ્યના સંવેદનશીલ મુખ્યમંત્રીએ વડોદરા શહેરના પોલીસ કમિશ્નરશ્રી અને જિલ્લા મેજીસ્ટ્રેટના હકારાત્મક અભિપ્રાય ધ્યાને લઇને આ વિસ્તારોમાં અશાંતધારો લાગુ પાડવા માટે રાજ્ય સરકારે આ અંગે  નિર્ણય લીધેલ છે. જેનું જાહેરનામું પણ પ્રસિધ્ધ કરી દેવાયુ છે.જાડેજાએ ઉમેર્યું કે, રાજ્ય સરકારના આ નિર્ણયના કારણે આ વિસ્તારોમાં અસામાજિક તત્વો દ્વારા ધાકધમકીથી મિલ્કતો પડાવી લેવાની પ્રવૃત્તિઓ પર અંકુશ આવશે તથા આવા તત્વોથી પીડીત નાગરીકોને સુખ, શાંતિ અને સલામતીનો અહેસાસ થશે. આ વિસ્તારોમાં હવેથી મિલકતનું વેચાણ કરતા અગાઉ વડોદરા- કલેકટરશ્રીની કાયદાની જોગવાઇઓ અનુસાર પૂર્વ મંજૂરી મેળવવાની રહેશે .

(7:22 pm IST)