Gujarati News

Gujarati News

News of Saturday, 22nd August 2020

પુત્રવધૂએ સાસુનાં વાળ પકડી ઘરની બહાર કાઢ્યાં

અમદાવાદના નવરંગપુરા વિસ્તારનો બનાવ : સાસુએ દવા માગતા ઘર તમારું નથી એમ કહી વાળ પકડીને માર મારનારી પુત્રવધૂ અને પુત્ર સામે ફરિયાદ કરી

અમદાવાદ, તા.૨૨ : અમદાવાદ શહેરના નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં માનવતાને શર્મસાર કરતો કિસ્સો સામે આવ્યો છે.  માતાએ પુત્ર અને તેની પત્ની સામે  એક ફરિયાદ નોંધાવી હોવાની ઘટના સામે આવી છે. સાસુએ દવા માંગતા પુત્રવધુએ દવા આપી ન હતી અને ઘર તમારું નથી કહી માર માર્યો હતો. વાળ પકડીને માર માર્યા બાદ સાસુએ તેની પુત્રવધૂ અને પોતાના જ પુત્ર સામે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે. નવરંગપુરામાં આવેલા મ્યુનિસિપલ સરકારી ક્વાર્ટરમાં રહેતા શાંતાબહેન દેવીપૂજક લો ગાર્ડન પાસે મકાઈની લારી ઉભી રાખી વેપાર કરે છે.

             બે દિવસ પહેલા તેઓ ઘરે હતા ત્યારે પુત્રવધુ પાસેથી તેમને ખેંચની બીમારીની દવા માંગી હતી. પણ પુત્રવધુ એ દવા ન આપી માથાના વાળ ખેંચી માર મારીને ઘરમાંથી કાઢી મૂક્યા હતા. શાંતાબહેન ત્યાંથી પોતાની પુત્રીના ઘરે જઈને રાત રોકાયા હતાં. સવારે પોતાના ઘરે આવતા પુત્રવધુએ શાંતાબહેનને કહ્યું કે કેમ કોઈએ રાખ્યા નહિ, અહીં શુ કામ આવ્યા છો પરત જતા રહો આ તમારું ઘર નથી. જોકે, શાંતાબહેને કહ્યું કે આ તેમનું ઘર જ છે. જેથી શાંતાબહેનનો પુત્ર અને પુત્રવધુ આવેશમાં આવી ગયા અને તેમને માર માર્યો હતો. આખરે કંટાળીને શાંતાબહેને નવરંગપુરા પોલીસને જાણ કરતા પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

(7:21 pm IST)