Gujarati News

Gujarati News

News of Saturday, 22nd August 2020

એકનાં ડબલ કરવાની લાલચ આપીને છેતરતી ગેંગ સક્રિય

મહિલાએ લાખો રૂપિયા ગુમાવ્યા : આ મહિલાને ઠગ ટોળકીએ ફોન મેસેજ કરીને એક લાખનું રોકાણ કરવાથી બે લાખ મળશે તેવી લાલચ આપી હતી

અમદાવાદ, તા.૨૨ : એક કા ડબલની સ્કીમમાં એક મહિલા ફસાઈ અને તેણે પોતાના રૂપિયા ગુમાવી દીધા હોવાની ફરિયાદ નોંધાઈ છે. આ મહિલાને ઠગ ટોળકીએ ફોન મેસેજ કરીને એક લાખનું રોકાણ કરાવી બે લાખ મળશે તેવી લાલચ આપી હતી. સોફ્ટવેર થકી એક ના ડબલ મળશે તેવી લાલચ આપી ઠગબાજોએ મહિલા પાસે ૨.૯૯ લાખ ભરાવડાવી ૬૪ હજાર જ પરત આપ્યા હતા અને ૨.૩૫ લાખ ચાઉં કરી લેતા આખરે ઠગાઈ કરનાર સામે સાયબર ક્રાઇમમાં ફરિયાદ આપતા હવે પોલીસે તપાસ હાથ ધરી છે. નરોડામાં રહેતા રેખાબહેન વાઘેલા તેમના માતા પિતા સાથે રહે છે. તેમને ગત ૧૨મી ફેબ્રુઆરીએ એક મેસેજ આવ્યો હતો. આ મેસેજમાં લખાણ લખ્યું હતું અને બાદમાં એક નંબર પણ આપેલો હતો. જેથી રેખાબહેને આ નંબર પર ફોન કરતા અંકિત રાવલ નામના વ્યક્તિએ વાત કરી હતી. પોતે ટ્રેડ ૨૪કટ લિમિટેડ કંપનીમાંથી વાત કરે છે.

           પોતાની કંપનીનું સોફ્ટવેર છે અને તેમાં એક લાખ રોકાણ કરવાથી તેમને બે લાખ મળશે તેવી લાલચ આપી હતી. જેથી આઈડી પાસવર્ડ મળતા જ રેખાબહેને પૈસા ભર્યા હતા. બાદમાં અન્ય એક મેસેજ પણ આવ્યો હતો જેમા ડેમો માટે કોઈ એડવાન્સ પેમેન્ટ નહિ તેવું લખાણ હતું. જે બાબતે પણ રેખાબહેને રસ દાખવી પૈસા ભર્યા હતા. આમ રેખાબહેને કુલ ૨,૯૯,૯૮૬ રૂપિયા ભર્યા હતા અને તેમાં તેમને ૬૪,૮૦૦ રૂપિયા જ મળ્યા હતા પણ બાકીના ૨,૩૫,૧૮૬ ન મળતા આખરે તેઓએ સાયબર ક્રાઇમને અરજી આપતા હવે પોલીસે આ મામલે અંકિત રાવલ, વિક્રાંત પટેલ તથા જે જે ખાતામાં રૂપિયા મોકલ્યા હતા તે તમામ લોકો સામે ફરિયાદ નોંધાવી છે.

(7:18 pm IST)