Gujarati News

Gujarati News

News of Saturday, 22nd August 2020

શિક્ષકને કિડની વેચવા મજબૂર કરનારો દેવા રબારી ઝડપાયો

શ્રીલંકામાં કિડની ૧૫ લાખમાં વેચી હતી : દેવું ચૂકવ્યા બાદ વ્યાજખોરોએ પઠાણી ઉઘરાણી ચાલુ રાખતા ફરિયાદને પગલે પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી

પાલનપુર, તા.૨૨ : ખોડા ગામના આઘાતજનક કેસમાં પોલીસે વધુ એક મની લેન્ડરની ધરપકડ કરી છે જેમાં એક શિક્ષકને તેનું દેવું ચૂકવવા માટે પોતાની કિડની વેચવાની ફરજ પડી હતી. પોલીસે મની લેન્ડર હર્ષ ભાટીની ધરપકડ કર્યાના એક દિવસ બાદ સોમવારે થરાદ તાલુકાના મોરીલા ગામના વતની દેવા રબારી નામના અન્ય મની લેન્ડરની ધરપકડ કરવામાં આવી હતી. હર્ષ ભાટી અને દેવા રબારી બંને સામે ગુજરાત મની લેંડર્સ એક્ટ ૨૦૧૧ની વિવિધ કલમો હેઠળ ગુરુવારે ૧૫ લાખ રૂપિયામાં કિડની વેચનારા શિક્ષક રામજી પુરોહિતને હેરાન કરવાના ગુના હેઠળ કેસ દાખલ કરાયો છે. શિક્ષક રામજી પુરોહિતે હર્ષ ભાટી પાસેથી ૩ લાખ રૂપિયા ઉધાર લીધા હતા. એવી આશા સાથે કે તેમને સસ્તું વ્યાજ દર ચૂકવવું પડશે.

         પરંતુ ભાટીએ વધુ વ્યાજની માંગ શરૂ કરી દીધી હતી. વ્યાજની રકમ ચૂકવવા માટે પુરોહિત રબારી પાસે ગયો હતો જેમની પાસેથી તેણે વ્યાજ પર રૂ. ૪ લાખ ઉધાર લીધા હતા. વ્યાજનું દબાણ વધતા જ પુરોહિતે તેના સેલ ફોન પર કિડની ખરીદનારાઓની શોધ શરુ કરી દીધી હતી. તેની શોધ સમાપ્ત થઈ ત્યારે શ્રીલંકાના એક કિડની ખરીદનાર તેને તેની કિડની માટે ૧૫ લાખ રૂપિયા આપવા સંમત થયા હતા, જે જાન્યુઆરી ૨૦૧૫માં વેચવામાં આવી હતી. તેણે દેવું ચૂકવ્યા બાદ પણ વ્યાજખોરોએ તેની પાસે પઠાણી ઉઘરાણી ચાલુ રાખી હતી. શિક્ષકે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

(7:16 pm IST)