Gujarati News

Gujarati News

News of Saturday, 22nd August 2020

આપઘાતનો પ્રયાસ કરનારી મહિલા સામેની FIR રદ્દ

સંતાનોને ઝેર આપી પોતે પણ આપઘાતનો પ્રયાસ કર્યો : ત્રણેય જણાના જીવ બચી ગયા બાદ મહિલાના પતિએ તેની સામે બાળકોની હત્યાની ફરિયાદ નોંધાવી હતી

 અમદાવાદ, તા.૨૨ : બે બાળકોને ઝેર આપીને પોતે પણ આત્મહત્યાનો પ્રયાસ કરનારી મહિલા સામે નોંધાયેલી એફઆઈઆર ગુજરાત હાઈકોર્ટે રદ્દ કરી છે. મહિલા સામે હત્યાના ગુના હેઠળ ફરિયાદ નોંધાવાઈ હતી. મહિલાએ સામાજિક અને આર્થિક મુશ્કેલીઓથી કંટાળીને બાળકોને ઝેર આપવાનો અને પોતે આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. આ જાણ્યા પછી હાઈકોર્ટે એક એનજીઓને મહિલાને રોજગારી પૂરી પાડવાનો પણ આદેશ કર્યો છે. કેસની વિગતે વાત કરીએ તો, સુરતના ડાયમંડ બ્રોકર જિતેશ લાઠીયાના પત્ની લતા લાઠીયા (૩૩ વર્ષ)એ પોતે આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો.

               સાથે જ ૧૩ વર્ષની દીકરી અને ૭ વર્ષના દીકરાને દૂધમાં ઉંદર મારવાની દવા આપીને હત્યાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટના જૂન મહિનાની શરૂઆતમાં બની હતી. જો કે, માતા અને બાળકો ત્રણેયનો બચાવ થયો હતો. લગ્નજીવનમાં ભંગાણના કારણે છેલ્લા ૧૮ મહિનાથી અલગ રહેતા જિતેશ લાઠીયાએ સુરતના અમરોલી પોલીસ સ્ટેશનમાં બાળકોની હત્યાના પ્રયાસની ફરિયાદ પત્ની લતા સામે નોંધાવી હતી. જો કે, બાદમાં પતિ-પત્નીએ સમાધાન કરી લેતાં લતાબેન પોતાની સામે નોંધાયેલી એફઆઈઆર રદ્દ કરાવવા માટે હાઈકોર્ટ પહોંચ્યા હતા. પતિએ પણ કોર્ટમાં કહ્યું કે, તેને કોઈ વાંધો નથી. ગુજરાત હાઈકોર્ટેને જણાવવામાં આવ્યું કે, મહિલાએ આ પગલું હતાશામાં આવીને ભર્યું હતું. કેસની સુનાવણી બાદ જસ્ટિસ એપી ઠાકરે બુધવારે મહિલા સામે લાગેલા આરોપો રદ્દ કર્યા હતા. કોર્ટે અવલોકન કર્યું કે, પરિવારમાં સમાધાન થઈ ગયું છે પછી મહિલાને દોષી માનવાનો કોઈ મતલબ નથી. મહિલાએ કથિત રીતે પારિવારિક વિવાદ અને આર્થિક તંગીના કારણે આ પગલું ઉઠાવ્યું હતું. મહિલા પાસે આવકનું કોઈ સાધન નહોતું અને પતિ ભરણપોષણ પેટે કશું આપતો ના હોવાથી મહિલા ત્રસ્ત હતી.

(7:15 pm IST)