Gujarati News

Gujarati News

News of Saturday, 22nd August 2020

બાયડ:કડાણા ડેમમાં પૂરતા પ્રમાણમાં પાણીનો સંગ્રહ ન થતા સુજલામ સુફલામ કેનાલમાં સિંચાઈ માટે પાણીની અછત સર્જાઈ

બાયડ:ઉત્તર ગુજરાતની જીવાદોરી સમાન સુજલામ સુફલામ કેનાલમાંસિંચાઈ માટે પાણી આપવાનું સંકટ તોળાઈ રહ્યું છે. કારણ કે ચોમાસુ પુરૂ થવા આડે ગણતરીના દિવસો બાકી છે તેમ છતા કેનાલમાં પાણી છોડતા મહિસાગર જિલ્લાના કડાણા ડેમમાં હજુ સુધી પાણીનો પૂરતા પ્રમાણમાં સંગ્રહ થયો નથી. સિંચાઇ વિભાગના સૂત્રોના જણાવ્યા અનુસાર ડેમનો કેચમેન્ટ એરિયા જેવા કે મધ્યપ્રદેશ, દાહોદ સહિતના વિસ્તારોમાં નહિવત વરસાદના કારણે દર વર્ષની માફક પૂરતા પાણીની આવક થઇ નથી. કડાણા ડેમની હાલની સપાટી અંદાજે ૩૮૪ ફૂટ જેટલી છે અને સુજલામ સુફલામ કેનાલમાં પાણી આપવા માટે ડેમમાં પાણીનું લેવલ ૩૮૭ ફૂટ હોવું જરૃરી છે. મહિસાગર જિલ્લાના કડાણા ડેમમાંથી જમણા કાંઠાની સુજલામ સુફલામ સ્પ્રેડીંગ કેનાલમાં દર વર્ષે સિંચાઈ માટે પાણી છોડવામાં આવે છે. અંદાજે ૨૭.૦૦થી ૧૫૮.૦૦ કિ.મી.નો વિસ્તાર ધરાવતી સુજલામ સુફલામ કેનાલ સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના ખેડૂતો માટે જીવાદોરી સમાન છે. સુજલામ કેનાલ મહિસાગર જિલ્લાના ખાનપુર, લુણાવાડા, વિરપુર, બાલાસિનોર અને અરવલ્લી જિલ્લાના બાયડ, ધનસુરા અને સાબરકાંઠાના તલોદ, પ્રાંતિજ તાલુકામાંથી પસાર થાય છે. ૩૩૭ કિમીની લંબાઈ ધરાવતી નહેર કડાણા બંધથી નિકળીને બનાસકાંઠાની રેલ નદી સુધી પહોંચે છે. કેનાલ મારફતે વિવિધ ગામોના તળાવો ભરવાથી પાણીનું તળ પણ ઉંચું લાવવામાં મદદરૂપ થાય છે અને સિંચાઈ મારફતે હજારો કેટરમાં ખેડૂતો રવિ વાવેતર કરી શકે છે.

(5:17 pm IST)