Gujarati News

Gujarati News

News of Saturday, 22nd August 2020

છત્રાલ જીઆઈડીસીમાં પોલીસે બમીના આધારે દરોડા પાડી ગોડાઉનમાંથી વિદેશી દારૂનો 11.59 લાખનો જથ્થો ઝડપ્યો

કલોલ: શહેરના છત્રાલની જીઆઇડીસીમાં શ્રીજી એસ્ટેટના એક ગોડાઉનમાં વિદેશીદારૂનો મોટો જથ્થો પડયો હોવાની ચોક્કસ બાતમી વીજીલન્સને મળી હતી. જો કે ક્યા ગોડાઉનમાં વિદેશીદારૂનો જથ્થો પડયો છે. તે પોલીસ માટે એક કોયડા સમાન હતું. ત્યારે સ્ટેટ મોનીટરીંગ સેલના પીએસઆઇ એસ.આર.શર્મા અને તેમના સ્ટાફના એ.એસ.આઇ. હિતેન્દ્રભાઇ, જયેન્દ્રસિંહ , ચેતનભાઇ , હેડકોન્સ્ટેબલ યોગેન્દ્રસિંહ અને નરેન્દ્રભાઇએ દરોડો કર્યો હતો. જીઆઇડીસીમાં ઘણા ગોડાઉન હતા. જેથી પોલીસે તપાસ કરતા ગોડાઉન નં.૪૫ને બહારથી તાળું હતું અને ગોડાઉનના દરવાજાની બહાર તાળું મારેલું હતું. તેમજ ગોડાઉનની બહાર માલિકનું નામ કે સરનામું પણ નહોતું એટલે આ ગોડાઉનમાં દારૂ હોવાની પોલીસની શંકા વધુ પ્રબળ બની હતી. જેથી પંચોના બે માણસોને સાથે લઇ પોલીસે તાળું તોડી અંદર પ્રવેશ કર્યો હતો. જો કે ગોડાઉનમાં લાઇટ પણ નહિં હોવાથી પોલીસે મોબાઇલની લાઇટથી તપાસ અને શોધખોળ શરૂ કરી હતી. ત્યારે ગોડાઉનમાંથી વિદેશીદારૂ અને બિયરની જથ્થા બંધ પેટીઓ મળી આવતાં પોલીસે ચોંકી ગઇ હતી. ગોડાઉનમાંથી ૫૨૦૮ નંગ વિદેશીદારૂની બોટલ અને ૧૦૦૮ નંગ બિયર ટીન મળી આવ્યા હતાં. કુલ રૂપિયા ૧૧,૫૯,૨૬૦નો વિદેશીદારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે તપાસ કરતા જાણવા મળ્યું હતું કે મૂળ રાજસ્થાન ના બાડમેર ના બાયતું તાલુકામા રહેતા રૂઘનાથ રામ ગંગારામ નાઓએ ગોડાઉન ભાડા કરારથી ભાડે રાખ્યું હતું અને દિનેશ વૈષ્ણવી સાથે મળીને બંને શખ્સો ટેમ્પો અને ડાલામાં વિદેશીદારૂનો જથ્થો ગોડાઉનમાંથી ભરાવીને કલોલ તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં તેમજ અન્ય સ્થળે વેચાણ કરવા માટે આપે છે. આ બંને શખ્સો મળીને વિદેશીદારૂનું વેચાણ અને મોટાપાયે કટીંગ કરતા હોવાનું પણ બહાર આવ્યું છે. આ બંને બૂટલેગરો હાજર નહિ મળી આવતાં પોલીસે આ કેસમાં બંનેને વોન્ટેડ બતાવ્યા છે. ત્યારે વિદેશીદારૂનો જથ્થો કોણે પુરો પાડયો હવે તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે અગાઉ પણ છત્રાલના એક ગોડાઉનમાંથી વિદેશીદારૂનો જથ્થો ભરેલું ગોડાઉન બહારની પોલીસ એજન્સીએ પકડી પાડયું હતું. ત્યારે ગઇકાલે પણ વીજીલન્સની ટીમે દરોડો કરી વિદેશીદારૂનો મોટો જથ્થો પકડી પાડતા કલોલ તાલુકા પોલીસ ઉંઘતી ઝડપાઇ છે.

(5:16 pm IST)